________________
ચિર સંભારણું ‘ભવ ભાવનાનું’...
ત્રિલોકભાનુ વિશ્વવત્સલ દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામીનો પ્રગટ પ્રભાવ, કલિકાળ કલ્પતરુ વ્યાખ્યાન વાચસ્પતિ પરમારાધ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અનહદ કૃપાની પાત્રતા કેળવવાનું સદ્ભાગ્ય શ્રી શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ ઉદય કલ્યાણ આરાધક જૈન સંઘ ટ્રસ્ટ પ્રાપ્ત થયું (દહાણુકરવાડી, કાંદિવલી, મુંબઇ) છે. પૂજ્યપાદશ્રીના સમુદાયવતી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન પધરામણીથી ચાતુર્માસ, ઉપધાન તપ, દીક્ષા વગેરે શાસન પ્રભાવક પ્રસંગો ખૂબ ઉલ્લાસ પૂર્ણ થયા છે. વિ.સં. ૨૦૫૭ની સાલે સુવિશાલ ગચ્છાધિપતિ ૫.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા-આશિષથી પ્રભાવક તપોમૂર્તિ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મ. તથા પ્રભાવક પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ પૂજ્યોની નિશ્રામાં ઉપધાન તપની અનુપમ આરાધના થઇ. ૪૪૦ થી અધિક આરાધકો જોડાયા. સાત વર્ષના બાળ આરાધકથી માંડીને ૭૦ વર્ષના આરાધકોએ ઉલ્લાસપૂર્ણ આરાધના કરી. એ અવસર દરમ્યિાન દીક્ષા ઉજમણું વગેરે પ્રસંગો યોજાયા. તેમાં જ્ઞાન દ્રવ્યની પણ અનુમોદનીય ઉપજ થઇ. શ્રી સંઘ પાસે જ્ઞાન ભંડોળ એકત્રિત થતાં તે નિધિ ને અક્ષય બનાવવા માટે કોઇ સુંદર ઉપયોગી ગ્રંથરત્ન પ્રકાશનની વિચારણા થઇ. તેમાં જિનશાસનના ચતુર્વિધ શ્રી સંઘમાં સિધ્ધહસ્ત ભાવાનુવાદકાર તરીકે જેઓશ્રી અત્યંત ઉપકારી પૂરવાર થયા છે તેવા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાને ભાવસભર વિનંતી કરતાં તેઓશ્રીના વર્ધમાન તપ સમારાધક પૂજ્ય મુનિરાજ શ્રી સુમતિશેખર વિ.મ. દ્વારા થતો ‘ભવ ભાવના ગ્રંથ’ નો અનુવાદ પ્રકાશિત કરવામાં સનિમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું.
અનુમોદનીય હકીકત એ છે કે સંસારના તદન નગ્ન સ્વરૂપને ખુબ સુંદર રીતે રજુ કરવા માટે ગ્રંથકાર પરમીઁ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાથી રમણીય શૈલી માં કરેલા અનુમોદનીય પ્રયાસને વર્તમાનકાલીન ભવ્ય જીવો સુગમતાથી સમજી શકે તે માટે પૂજ્ય સુમતિશેખર વિ. મ. કરેલી મહેનત સુપ્રશસ્ય છે. આવા ભગીરથ કાર્યને નિર્વિઘ્ન પૂર્ણ કરવામાં તેઓશ્રીની ઉપકારી ગુરુ પરંપરાનું પીઠબળ તથા આ ગ્રંથ અનુવાદ કાર્યના પ્રારંભથી પૂર્ણાહૂતિ સુધી પૂજ્ય મુનિરાજે કરેલી ઠામ ચોવિહાર પૂર્વક વર્ધમાન તપ આયંબિલની આરાધનાએ (વર્ધમાન તપની ૮૨ થી ૮૮ સુધી ઓળી આયંબિલ) અનુવાદમાં પ્રાણ પૂર્યા છે. આપણા ઉપર મહાન ઉપકાર કરવા માટે ગુંથેલાં ગ્રંથરત્નોનું અધ્યયન આપણને અવશ્ય ભવની ભ્રમણાથી અટકાવશે. પ્રસ્તુત ગ્રંથનું માત્ર એક વખત વાંચન કરવાથી ઇતિશ્રી થવાની નથી પરંતુ વારંવાર કરેલા અધ્યયનથી આપણે અવશ્ય ‘ભવ’ ઉપર પૂર્ણવિરામ મૂકી સિદ્ધિગતિની સોપાન પંક્તિઓ સર કરવા સૌભાગ્યશાલી બનીશું એ નિઃશંક છે.
એવી અમર આશા શુભાભિલાષા સાથે
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ ઉદય કલ્યાણ આરાધક જૈન સંઘ ટ્રસ્ટ કમલા વિહાર કોમ્પલેક્ષ, મહાવીરનગરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ) મુંબઇ. ફોન ઃ ૮૦૯ ૨૫ ૯૯