________________
ભવભાવના પ્રકરણ ભાગ પહેલો
ॐ अर्हते नमः ॐ ह्रीं ऐं श्रीं सरस्वत्यै नमः
મંગલાચરણ
જેમના વડે આ અવસર્પિણીમાં ન્યાયમાર્ગ પ્રથમ બતાવાયો, લોકસ્થિતિ (વ્યવહાર)ની રચના કરાઇ, રાજાઓને વિશે અતિમહત્ત્વનો સંયમભાર પ્રકટ કરાયો. (અર્થાત્ પ્રભુ સંયમ સ્વીકારનાર રાજાઓમાં પ્રથમ રાજા હતા.) ત્યાર પછી પ્રભુએ ઉગ્રતપને આચર્યું. તપના પ્રભાવથી ઉજ્જ્વળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સંપૂર્ણ ભાવોને જોઇ-જાણીને સંસાર સાગરમાંથી ત્રણ જગતને ઉદ્ધર્યું. એવા પવિત્ર આદિનાથ તીર્થંકરને હું નમસ્કાર કરું છું. - ૧
જેનું ચરિત્ર નિર્મળ છે, અસ્ખલિત પ્રતાપ છે, સકલ પાપ રૂપ કાદવના સમૂહને ઘાત કરનારું તીવ્રતપ છે જેમનું, જેમનું તીર્થ વિજયને પામે છે, દેવો વડે જેમના ચરણ પૂજાયેલ છે તેવા શ્રી વીરપ્રભુને હું નમ્યો છું. - ૨
જેઓ વડે ભવભાવના રૂપી નંખાયેલી દોરડીને પકડીને (પ્રાપ્ત કરીને) સંપૂર્ણ ભુવન ઉદ્ધારાયું છે એવા શેષ જિનેશ્વરોને હું વંદન કરું છું. - ૩
શ્રી ગૌતમ પ્રમુખ ગણધરોના મુખમાંથી નીકળેલા નિર્ઝરાઓ આ લોકમાં નિત્ય જય પામે છે જેમાંથી (નિર્ઝરણામાંથી) શ્રુતરૂપી મહાનદીઓ નીકળી છે. - ૪
જેમની કૃપાના લેશથી હું પણ શાસ્રરચનારાઓની મધ્યમાં શાસ્રરચનાર થયો તે સુગુરુઓના ચરણરૂપી કમળને વંદુ છું.
જેમની સ્મૃતિપથને પ્રાપ્ત કરીને જડબુદ્ધિવાળા પુરુષો પણ તુરત વિદ્વાન બને છે તે શ્રુતદેવતા મને વરદાન આપનારી થાઓ.
આ ગ્રંથની અંદર નિપુણજનને યોગ્ય જે કાંઇ સારભૂત રહસ્ય કહેવાનું છે તેનો સર્વપણ ભાવાર્થ ઉપમિતિ-ભવ-પ્રપંચ કથાની જેમ જાણવો.
- ઇતિ મંગલાચરણ -