________________
પચ્ચીશમું સ્ત્રીશરીરસ્વરૂપ ચિંતન દ્વાર
આ ધારણા નિષ્ફળ બની.
ન
આથી રાજાએ બીજી આજ્ઞા કરી કે વાંસ ઉપર ચઢીને વાંસનો પણ આધાર લીધા વિના નૃત્ય કરી બતાવ. ઈલાપુત્ર તેમ પણ નૃત્ય કરવા તૈયાર થયો. તેણે વાંસ ઉપર ચઢીને આકાશમાં અદ્ધર રહીને નૃત્ય કરવા માંડ્યું. કદી નહી જોયેલા જીવસટોસટીના નૃત્યો જોઈને લોકો તો આભા બની ગયા. ખુશ થયેલા લોકો તાળીયો પાડીને વાહવાહ પોકારવા લાગ્યા. પણ રાજા ન તો ખુશ થયો અને ન તો દાન આપ્યું. રાજાએ ફરી બીજા દિવસે નૃત્ય કરવાનું કહ્યું. ઈલાપુત્રે બીજા દિવસે પણ તે જ પ્રમાણે અદ્ભુત નૃત્યો કરી બતાવ્યાં. રાજાએ ફરી ત્રીજા દિવસે આવવાનું કહ્યું. ઈલાપુત્રે ત્રીજા દિવસે પણ પૂર્વની જેમ જ આશ્ચર્યકારક નૃત્યો કર્યાં. રાજાએ કહ્યું : ફરી આવતી કાલે નૃત્યો કરી બતાવીશ તો તને ઘણું દ્રવ્ય આપીશ. ઘણું દ્રવ્ય મળવાની આશાથી ઈલાપુત્રે ચોથા દિવસે પણ નૃત્ય કરવાનું સ્વીકાર્યું.
392
શ્રાદ્ધદિનકૃત્ય
ચોથા દિવસે ઈલાપુત્ર વાંસ ઉપર ચડ્યો. તેને વિચાર આવ્યો કે રાજા ત્રણ ત્રણ દિવસથી આમ કેમ કરે છે ? જીવસટોસટીના નૃત્યો કરવા છતાં પ્રસન્ન કેમ થતો નથી ? આ વખતે તેની નજર રાજા સામે પડી. રાજાને જોઈને જ એ ઠરી ગયો. કારણકે રાજા ઢોલ વગાડતી નટડી તરફ કામુક્તાથી એકીટસે જોઈ રહ્યો હતો. રાજાની નેત્ર વગેરેની ચેષ્ટાઓને જોઈને તે રાજાના મનોભાવને પામી ગયો. તે સમજી ગયો કે રાજાનું મન મારી પ્રિયામાં આસક્ત થયું છે, આથી મને મારી નાખવા આમ કરે છે. આથી તેને ભોગવાસના ઉપર તિરસ્કાર થયો. રાજાને ધિક્કારવા સાથે તેણે પોતાની જાતને પણ ધિક્કારી. કુલીન એવા મેં આ નટકન્યામાં પાગલ બનીને મારા કુળને કલંક લાગે તેવું કર્યું, માતા–પિતાને તરછોડ્યા, એને મેળવવા મેં કેવાં દુ:ખો વેઠયાં ? કેવું જીવન જીવ્યું? ખરેખર ! ભોગવાસના ભયંકર છે. આવા વિચારથી તેને વૈરાગ્ય થયો.
આ વખતે તેની નજર પાસેના મકાન ઉપર પડી. તેણે જોયું કે વિવિધ વસ્ત્ર અને શણગારોથી વિભૂષિત એક રૂપવતી નવયૌવના એક મુનિરાજને મોદકો વહોરાવવાની વિનંતી કરી રહી છે. મુનિ નીચી દૃષ્ટિ કરીને ઊભા છે. યુવતિના શરીર સામે દિષ્ટ પણ કરતા નથી. યુવત મોદકો વહોરવાનો આગ્રહ કરે છે અને મુનિ ન લેવાનો આગ્રહ કરે છે. આ દશ્યને જોઈને ઈલાપુત્ર વિચારમાં પડી ગયો. આ મુનિ પોતાની સામે ઊભેલી રૂપવતી યુવત સમક્ષ દિષ્ટ પણ કરતા નથી, જ્યારે હું આ નટડીમાં પાગલ બન્યો છું. યુવતિ મોદકો વહોરવા માટે આટલો આગ્રહ કરે છે છતાં મુનિ લેતા નથી. ધન્ય છે એમને અને ધિક્કાર છે મને. આમ સ્વનિંદા અને મુનિની પ્રશંસા કરતા કરતાં ઈલાપુત્ર શુભધ્યાનમાં ચઢી ગયો. શુભધ્યાનમાંથી શુક્લધ્યાન આવ્યું, ઘાતી કર્મોનો ક્ષય થયો અને કેવલજ્ઞાન પ્રગટ્યું.
કેવલજ્ઞાન થતાં દેવોએ તેમને મુનિવેષ આપ્યો. પછી દિવ્યસુવર્ણ કમલ ઉપર બેસીને પોતાનો પૂર્વભવ કહ્યો. તે આ પ્રમાણે– હું પૂર્વે વસંતપુરમાં બ્રાહ્મણ હતો. વૈરાગ્ય પામીને બ્રાહ્મણીની સાથે જિનદીક્ષા લીધી. આમ છતાં બંનેને પરસ્પર સ્નેહરાગ હતો. તથા બ્રાહ્મણીએ જાતિમદ કર્યો. સ્નેહરાગની અને જાતિમદની ગુરુની પાસે આલોચના કર્યા વિના મરીને સ્વર્ગમાં ગયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને હું આ ઈલાપુત્ર થયો. બ્રાહ્મણી પણ ત્યાંથી ચ્યવીને પૂર્વે કરેલા જાતિમદના કારણે લંખની આ પુત્રી થઈ. પૂર્વભવના સ્નેહના સંસ્કારના કારણે હું તેના પ્રત્યે ગાઢ અનુરાગવાળો થયો. આ સાંભળીને વૈરાગ્ય પામેલા રાજા, રાણી અને નટપુત્રીએ દીક્ષા લીધી. શુભ ધ્યાનથી જલદી ઘાતી કર્મો ખપાવીને કેવલજ્ઞાન પ્રામ કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં બધા મોક્ષમાં ગયા.
રાવણની કથા તો શ્રી રામચંદ્રજીના ચરિત્રમાંથી જાણી લેવી. (૩૧૬)