________________
શ્રાદ્ધદિનકૃત્ય
(367) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર સાગર સમાન ગુરુ તો અતિશય દુર્લભ છે. (૨૭૭-૨૭૮)
ता एयं दुल्लहं लहिउं, सव्वसुक्खाण दायगं । सुइंजे उ न कुव्वंति, ते (उ) अंधाओ पाणिणो ॥२७९॥
મનુષ્યભવ આદિની પ્રાપ્તિ થયા પછી દુર્લભ પણ ગુણયુક્ત ગુરુને પામીને આળસ વગેરે કુહેતુઓથી ઉપહતચિત્તવાળા થયેલા જેઓ સર્વ સુખોને આપનારું આગમશ્રવણ કરતા નથી તે જીવો આંધળા જ છે.
આગમશ્રવણ આ લોક સંબંધી અને પરલોક સંબંધી સઘળા અનર્થોને દૂર કરીને સર્વ સુખોની પ્રાપ્તિ કરાવે છે. આવું આગમશ્રવણ નહિ કરનારા જીવો હિત-અહિતનો વિવેક કરવા માટે જ્ઞાનરૂપ ચહ્યું ન હોવાથી આંધળા જ છે. કહ્યું છે કે – “જિનવચનરૂપ ચક્ષુથી રહિત લોકો સુદેવ-કુદેવને, સુગુરુ-ગુરુને, સુધર્મકુધર્મને ગુણી-નિર્ગુણીને, કૃત્ય-અકૃત્યને, હિત-અહિતને સૂક્ષ્મદષ્ટિથી જોઈ શકતા નથી.”
ધર્મશ્રવણમાં અંતરાય કરનારા તેર દોષોનું વિવેચન અહીં આગમનું શ્રવણ ન કરવામાં કારણ તરીકે આળસ વગેરે કુહેતુઓને જણાવ્યા છે. શાસ્ત્રકારોએ સુગુરુના યોગને અતિશય દુર્લભ કહ્યો છે. અતિશય દુર્લભ પણ સુગુરુનો યોગ થયા પછી પણ જિનવાણીનું શ્રવણ દુર્લભ છે. દુર્લભ પણ સુગુરુનો યોગ થવા છતાં જીવો આળસ આદિ તેર દોષોથી જિનવાણીનું શ્રવણ કરી શક્તા નથી. તે તેર દોષો આ પ્રમાણે છે : આળસ, સ્નેહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, લોભ, ભય, શોક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ, અને રમણ.
(૧) આળસ આળસ એટલે શક્તિ અને સંયોગો હોવા છતાં જરૂરી કામ માટે ઉત્સાહન થવો. ગુરુનો યોગ થવા છતાં આળસના કારણે ગુરુનાં દર્શન આદિ માટે ન આવે. ગુરુનો યોગ હોય ત્યારે જિનવાણી શ્રવણ કરવા આવનારા જીવો ઓછા હોય છે, તેમાં પણ નિયમિત આવનારા તો અતિશય અલ્પ હોય છે. આળસના કારણે બેસી રહે, પડ્યા રહે, હોતી હૈ ચલતી હૈ કરે. એથી આળસુ જીવનો ઘણો સમય નકામો જાય. જો કે જીવોને જિનવાણી શ્રવણની ઇચ્છા જ થતી નથી. આમ છતાં કોઈ જીવને જિનવાણી શ્રવણની ઇચ્છા થાય તો પણ જો તે આળસુ હોય તો હોતી હૈ ચલતી હૈ કરીને સમયને પસાર કરી નાખે. ત્યાં સુધીમાં વ્યાખ્યાન પૂર્ણ થઈ જાય. આથી કેટલાક જીવો વ્યાખ્યાન ઉઠાડવા માટે આવે છે. વિશેષ કોઈ કામ નહોવા છતાં જીવ વ્યાખ્યાનમાં ન આવે તેનું શું કારણ? કહો કે આળસ. આળસના કારણે ઘર વગેરેમાં બેસી રહે, પણ વ્યાખ્યાનમાં ન આવે. આવા જીવો પાછા વળી “ટાઈમ ઈઝ મની” એમ બોલે. આવા જીવો જો ટાઈમ ઈઝ મની બોલતા હોય તો સમજવું કે બોલતા નથી, પણ બકે છે. આજે લોકો સમયાભાવની બૂમો પાડે છે તે તદ્દન ખોટી છે. આજે આળસ વધી છે. જો માણસ ધારે તો આજે કામ-ધંધો કરવા છતાં જિનવાણી શ્રવણ કરી શકે. આજે પુસ્તકોનો પ્રચાર ઘણો વધી ગયો છે. પહેલાં પુસ્તકોનો આટલો પ્રચાર ન હતો. આથી આજે અનુકૂળતા પ્રમાણે જિનવાણીનું શ્રવણ કરી શકાય તેવા અનેક પુસ્તકો ઉપલબ્ધ થાય છે. પૂર્વે પુસ્તકોનો આજના જેટલો પ્રચાર ન હોવાના કારણે ગુરુમુખેથી જિનવાણીનું શ્રવણ થઈ શક્યું હતું. ગુરુનો યોગ હોય ત્યારે પણ જો વ્યાખ્યાનના સમયે ન જઈ શકે તો જિનવાણીનું શ્રવણ થઈ શક્યું નહતું. પણ આજે ગુરુનો યોગ ન હોય તો પણ પુસ્તકના માધ્યમથી જિનવાણીનું શ્રવણ કરી શકે છે. ગુરુનો યોગ હોય ત્યારે પણ વ્યાખ્યાનના સમયે જિનવાણી શ્રવણ કરવા જઈ શકાય તેમ ન હોય તો પોતાની અનુકૂળતા પ્રમાણે બીજા કોઈ સમયે પુસ્તકના માધ્યમથી જિનવાણીનું શ્રવણ કરી શકાય