________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર
આ જ અર્થને વિશેષથી વિચારતા સૂત્રકાર કહે છે—
દુર્જય એવા રાગ–દ્વેષ–મોહને જિતનારા સઘળાય જિનેશ્વરોએ શ્રાવકોને અનુકંપાદાનનો અંગ કે ઉપાંગ આદિ કોઈ સૂત્રમાં નિષેધ કર્યો નથી, બલકે દેશના દ્વારા અનુકંપાદાનનું સમર્થન કર્યું છે. (૨૨૨) पेससुण्हाइवग्गस्स, काउं भोयणचिंतणं ।
295
भुंजए जं च साहूणं, दिन्नं असणमाइयं ॥२२३॥
બાકીના કર્તવ્યને કહે છે-
શ્રાવક નોકર અને પુત્રવધૂ વગેરે બીજાઓના ભોજનની ચિંતા કરીને સાધુઓને વહોરાવેલા અશન આદિનું ભોજન કરે.
વિવેચન
આ વિષે અન્યસ્થળે પણ કહ્યું છે કે – “ઉત્તમપુરુષોએ પિતા, માતા, બાળકો, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, રોગીઓ - આ બધાને જમાડ્યા પછી ભોજન કરવું જોઈએ.’’ વળી ‘‘ધર્મનો જાણકાર ગૃહસ્થ સર્વ પશુઓની અને (કોઈ કારણથી) કબજે રાખેલા મનુષ્યોની પણ સંભાળ કર્યા પછી ભોજન કરે, તે વિના નહિ.’’ (૨૨૩)
अणंतकायं बहुबीयवत्थं, तुच्छोसहिं चेव विवज्जिऊणं ।
विगईण दव्वाण य काउ संखं, भुंजेइ तत्तो समयाविरुद्धं ॥२२४॥
ભોજનદ્વારમાં જ બાકીની વિધિને કહે છે——
અનંતકાય, બહુબીજ વસ્તુ, તુચ્છઔષધિ અને બીજાં પણ અભક્ષ્મ દ્રવ્યોનો ત્યાગ કરીને, વિગઈઓની અને દ્રવ્યોની સંખ્યા કરીને શ્રાવક શાસ્ત્રથી અવિરુદ્ધ ભોજન કરે.
અનંતજીવોનું એક શરીર હોય તેવી કંદ વગેરે વનસ્પતિ અનંતકાય છે. પંપોટા અને રીંગણાં વગેરે દ્રવ્યો બહુબીજ છે. મગ વગેરેની કોમળ શિંગો તુચ્છ=અસાર ઔષધિ છે. તુચ્છ ઔષધિઓ તૃપ્તિનું કારણ ન હોવાથી અને બહુ સાવદ્ય (=ઘણી હિંસાવાળી) હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે.
અહીં વિગઈ શબ્દથી દૂધ વગેરે ભક્ષ્ય વિગઈઓ સમજવી. કારણ કે શ્રાવકને અભક્ષ્ય વિગઈઓનો સદા માટે ત્યાગ હોય. દિવસના પચ્ચક્ખાણોમાં વિગઈનું પચ્ચક્ખાણ હોય છે. એ પચ્ચક્ખાણમાં વિગઈઓનો સંક્ષેપ કરવો જોઈએ. અર્થાત્ વિગઈઓનો સંક્ષેપ કરીને = અમુક વિગઈનો ત્યાગ કરીને વિગઈનું પચ્ચક્ખાણ લેવું જોઈએ. તથા શ્રાવકે સચિત્ત અને અચિત્ત વગેરે દ્રવ્યોની સંખ્યા કરવી = પોતે નક્કી કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો.
શાસ્ત્રથી અવિરુદ્ધ ભોજન કરે, અર્થાત્ જે ભોજન શાસ્ત્રથી વિરુદ્ધ હોય તે ભોજન ન કરે. જેમ કે – જેમાં જીવોત્પત્તિ થઈ હોય તેવાં ફલ, પુષ્પ અને પત્રવાળું બોળ અથાણું શાસ્ત્રથી વિરુદ્ધ છે. આથી શ્રાવક આવું બોળ અથાણું વગેરે જે ભોજન શાસ્ત્રથી વિરુદ્ધ હોય તેનો ત્યાગ કરે.
વિવેચન
આ ગાથાનો તાત્પર્ય એ છે કે શ્રાવક અભક્ષ્ય આહારનો ત્યાગ કરે. શાસ્ત્રમાં બાવીસ અભક્ષ્ય વસ્તુઓ છે. તે આ પ્રમાણે – ચાર મહા વિગઈઓ, ઉદુમ્બર વગેરે પાંચ પ્રકારનાં ફળો, બરફ, વિષ, કરા, માટી, રાત્રિભોજન,