________________
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર પૂર્ણ ન થવાથી દરરોજ તેના સર્વ અંગો દુર્બલ થવા લાગ્યાં. પત્નીને દુર્બલ થયેલી જોઈને પતિએ તેનું કારણ પૂછ્યું. પત્નીએ દોહલાની વિગત કહી. પતિએ કહ્યું: જો કે અત્યારે કેરીની મોસમ નથી તેથી કેરી મળવી મુશ્કેલ છે. તો પણ ગમે તે રીતે તારો દોહલો પૂરો કરીશ. વિચાર કરતાં ચંડાળને યાદ આવ્યું કે શ્રેણિક રાજાના બગીચામાં સર્વઋતુનાં ફળો થાય છે. તે બગીચાની બહાર ઊભા રહીને તેણે પાકેલા આમ્રફલવાળું વૃક્ષ જોયું. રાતે બગીચાની બહાર ઊભા રહીને જ અવનામિની વિદ્યાના પ્રભાવથી આમ્રવૃક્ષની ડાળી નમાવીને આમ્રફલો લીધાં. પછી ઉજ્ઞામિની વિદ્યાથી ડાળીને પહેલાં જેવી ઊંચી કરી લીધી. હર્ષ પામેલા તેણે આમ્રફલો પત્નીને આપ્યાં.
161
બીજા દિવસે રાજા ઉદ્યાનમાં ફરવા આવ્યો. વૃક્ષોને જોતાં જોતાં તેની નજર આમ્રવૃક્ષ ઉપર પડી. આગલા દિવસે જોયેલાં ફળોની લંબ આજે ખાલી જોઈને તેણે રખેવાળ પુરુષને પૂછ્યું: અહીંથી આમ્રફળની લંબ કોણે તોડી? રખેવાળે જવાબ આપ્યો: હે દેવ ! બગીચામાં બીજો કોઈ માણસ આવ્યો નથી. આવતા જતા માણસના પગલાં પણ જમીનમાં દેખાતાં નથી. આથી મને આશ્ચર્ય થાય છે. મનુષ્ય સિવાય બીજા કોઈનું આ કામ જણાય છે. રાજાએ પોતાના મુખ્ય મંત્રી અભયકુમારને આ વિગત જણાવીને ચોરને પકડી લાવવાનો હુકમ કર્યો. અભયકુમારે બુદ્ધિ વાપરીને ચંડાળને પકડી પાડ્યો. અભયકુમારે તેને પૂછ્યું: તેં ફળો કેવી રીતે લીધાં ? ચંડાળે સત્ય હકીકત કહી દીધી. અભયકુમારે બધી વિગત શ્રેણિક રાજાને જણાવી. શ્રેણિક રાજાએ ચંડાળને કહેવડાવ્યું કે, તારી વિદ્યાઓ જો તું રાજાને આપે તો તું છૂટી શકીશ, નહીંતર તને ફાંસીની સજા થશે. ચંડાળ વિદ્યા આપવાનું સ્વીકારીને રાજા પાસે આવ્યો. રાજાએ રાજસિંહાસન ઉપર બેસીને વિદ્યા ભણવાનું શરૂ કર્યું. વારંવાર પદો બોલીને ગોખવા લાગ્યા. ઘણી મહેનત કરવા છતાં રાજાને વિદ્યા આવડી નહિ. આથી રાજાએ ગુસ્સે થઈને ચંડાળને કહ્યું: તું મને વિદ્યા બરોબર આપતો નથી. આ વખતે અભયકુમારે કહ્યું: હે દેવ ! આપને વિદ્યા આવડતી નથી તેમાં ચંડાળનો જરા પણ દોષ નથી. વિદ્યા વિનયથી શિખવામાં આવે તો આવડે. વિનયથી શિખેલી વિદ્યાઓ સ્થિર રહે છે, અને ફળ આપનારી થાય છે. આથી ચંડાળને સિંહાસન ઉપર બેસાડીને અને આપ નીચે બેસીને ભણો, જેથી વિદ્યા આવડી જાય. રાજાએ તે પ્રમાણે કર્યું તો તુરત વિદ્યા આવડી ગઈ. પછી રાજાએ તેનો સ્નેહીજનથી પણ અધિક સત્કાર કર્યો.
આ દષ્ટાંતનો ઉપનય એ છે કે–જો લોકનાં તુચ્છ કાર્યો સાધી આપનાર વિદ્યા પણ હૃદયમાં બહુમાનપૂર્વક વિદ્યાદાતાનો વિનય કરીને મેળવી શકાય, તો પછી સમસ્ત મનોવાંછિત વસ્તુઓ આપવા સમર્થ એવા જિનધર્મને વિનય વિના કેવી રીતે જાણી શકાય ? ન જ જાણી શકાય. ગુરુવંદનથી વિનય થાય છે.
અભિમાનથી ધર્મમાં પ્રગતિ ન થાય
માનકષાયના કારણે વિનય થઈ શકે નહિ. વિનય વિના જ્ઞાન ન આવે, જ્ઞાન વિના ધર્મની પ્રાપ્તિ ન થાય. આમ માનકષાય ધર્મમાં બાધક છે. ધર્મ પામ્યા પછી પણ ધર્મમાં આગળ વધવામાં માનકષાય નડે છે. સંપત્તિ અને સ્ત્રી આદિના ત્યાગથી પણ માનનો ત્યાગ કઠીન છે. સંપત્તિનો ત્યાગ હજી સુકર છે, સ્ત્રીનો ત્યાગ પણ હજી સુકર છે, પણ માનનો ત્યાગ દુષ્કર છે. આથી જ સંત શ્રી તુલસીએ કહ્યું છે કે—
કંચન ત્યાગવો સહેલ છે, સહેલ છે સ્ત્રિયા કો નેહ, માન, બડાઈ, ઈર્ષ્યા, તુલસી દુર્લભ એહ ।।
બાહુબલિજીને યાદ કરો ! બાહુબલિજીએ રાજ્ય છોડ્યું. સ્વજન-પરિવાર છોડ્યો, ધન–વૈભવનો ત્યાગ કર્યો, પછી પણ કેવાં કષ્ટો સહન કર્યા ! બાર બાર મહિના એક જ સ્થળે કાયોત્સર્ગમાં રહ્યા, શિયાળામાં કાતીલ ઠંડીમાં પણ જરા ય ઉદ્વિગ્ન બન્યા નહીં. ઉનાળામાં પ્રચંડ તાપમાં પણ જરાય અકળાયા નહિ. ચોમાસામાં