________________
આ રીતે વિષયની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના, અસ્વાધીન એવા વિષયોના ભોગવટાનો જેઓ ત્યાગ કરે છે તેઓ ત્યાગી નથી કહેવાતા, તો પછી ત્યાગી કોણ કહેવાય છે તે ત્રીજી ગાથાથી જણાવે છે :
जे य कंते पिए भोए लद्धे वि पिट्ठीकुव्वइ।
साहीणे चयइ भोए से हु चाइति वुच्चई ॥२-३॥ પ્રિય અને મનોહર એટલે મનગમતા એવા પ્રાપ્ત થયેલા (સામેથી આવેલા) ભોગોને જે પાછળ નાંખે છે, ભોગો તરફ પીઠ ફેરવે છે અર્થાત્ ભોગવતા નથી અને પોતાની ઈચ્છાથી તેનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે. આશય એ છે કે મનોહર અને પ્રિય એવા વિષયો મળી જાય તો તેને ગળે ન લગાડે પણ પોતાની ઈચ્છાથી પીઠ પાછળ નાખે તે જ સાધુ-ત્યાગી કહેવાય છે. અહીં શિષ્ય શંકા કરે છે કે – જે કાંત એટલે મનોહર હોય તે પ્રિય જ હોય તો પછી પ્રિય' વિશેષણ શા માટે આપ્યું છે? તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે મનગમતી વસ્તુ પણ ચાર કારણોસર અપ્રિય થઈ પડે છે. ૧. રોષ, ૨. પ્રતિનિવેશ, ૩. અકૃતજ્ઞતા અને ૪. મિથ્યાભિનિવેશ (પૂર્વગ્રહ). આ ચાર કારણોને લઈને વિદ્યમાન પણ ગુણો નાશ પામે છે અર્થાત્ ગુણકારી વસ્તુ પણ ગુણનું કારણ નથી બનતી. ગમે તેટલી મનગમતી વસ્તુ હોય પણ આપણે ગુસ્સામાં હોઈએ તો તે પ્રિયન લાગે ને ? ગુસ્સામાં મનગમતી વસ્તુનો ત્યાગ કરો તેને ત્યાગ ન કહેવાય, તે જણાવવા માટે આ વિશેષણ છે. એવી જ રીતે પ્રતિનિવેશ એટલે એક પ્રકારની વ્યગ્રતા. પ્રતિ એટલે વિપરીતમાં અને નિવેશ એટલે મન જોડવું. વિપરીત વસ્તુમાં મન જોડાય તેનું નામ પ્રતિનિવેશ. તમારી ભાષામાં કહીએ તો ઈન્કમટેક્સનું કામ આવે તો મનગમતી પ્રવૃત્તિ એક જ ઝાટકે મૂકી દો ને? અન્યત્ર ચિત્ત આસક્ત બને તો રમણીય વસ્તુ પણ રમણીય ન લાગે. આના ઉપરથી એ પણ નક્કી છે ને કે ધર્મ કરતી વખતે ચિત્ત નથી લાગતું તે, ધર્મ ખરાબ છે માટે કે અરમણીય છે માટે નહિ, ધર્મ કરતાં પણ બીજી વસ્તુ ચઢિયાતી લાગે છે - માટે ચિત્ત નથી લાગતું. અકૃતજ્ઞતા એટલે કૃતજ્ઞતાનો અભાવ. કૃતજ્ઞતાભાવ ન હોય ઉપરથી કૃતજ્ઞતા હોય તો મનોહર પણ ન ગમે ને ? કરેલા ઉપકારની કિંમત જેને હોય તેને કૃતજ્ઞ કહેવાય. એવા જે ન હોય તેવાઓ ગમે તેટલા કમનીય-સુંદર હોય છતાં પ્રિય નથી બની શકતા. ચોથો હેતુ છે મિથ્યાભિનિવેશ. મિથ્યા અભિનિવેશ એટલે પૂર્વગ્રહ. સારામાં સારી વસ્તુ કે વ્યક્તિ માટે એક વાર પૂર્વગ્રહ બંધાઈ જાય, પછી કોઈ ગમે તેટલું કહે છતાં ન ગમે ને ? આયંબિલની વસ્તુ ગરમાગરમ તાજી હોય
(૯૪)