________________
ઉઘાડા પગે ચલાતું નથી તો તેને જોડા લાવી આપ્યા. તે કહે કે તડકો બહુ લાગે છે તો તેને માથે છત્ર રાખવાની રજા આપી. તે કહે કે પરસેવો બહુ થાય છે તો તેને પ્રાસુક જળથી સ્નાનની રજા આપી. તે કહે કે મારાથી ગોચરી નહિ જવાય તો તેને ગોચરી લાવીને આપવા માંડ્યા. ક્ષુલ્લક તો જેમ જેમ અનુકૂળતા મળતી ગઈ તેમ તેમ નીચે ને નીચે ઊતરતો ગયો. અંતે એક દિવસ શુલ્લક મુનિએ પોત પ્રકાશ્ય અને પિતામુનિને કહ્યું કે હું અવિરતિ (સ્ત્રી) વિના નહિ રહી શકું. ત્યારે પિતામુનિને પોતાની ભૂલ સમજાઈ. સ્નેહના યોગે શિથિલતા પોષી, તેનું આ પરિણામ આવ્યું-એમ સમજીને પોતાના પુત્રને દીક્ષા માટે અયોગ્ય જાણીને કાઢી મૂક્યો. પિતામુનિનો સ્નેહ ઊતરી ગયો આથી તેઓ તો આરાધનામાં લાગી ગયા. સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવ થયા. આ બાજુ ક્ષુલ્લક સાધુ ઘરમાં આવ્યો. કશું કામ આવડતું ન હતું, નિર્વાહ કઈ રીતે કરે ? એક ઠેકાણે પ્રસંગ નિમિત્તે જમણવાર હતો, ત્યારે ભિખારીઓને પણ જમાડતા હતા. તેમાં જઈને ખાધું. ઘણા દિવસે ખાવા મળ્યું એમ સમજીને એટલું ખાધું કે તેના કારણે અજીર્ણ થઈ ગયું. વિભૂચિકાના કારણે ત્યાં જ મરીને પાડો થયો. આ બાજુ દેવ થયેલા પિતામુનિએ પૂર્વના સ્નેહના યોગે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું. પુત્રને પાડો થયેલો જાણીને તેને પ્રતિબોધવા માટે દેવલોકમાંથી આવ્યા. એ પાડાને અત્યંત ભારવાળા ગાડામાં જોડ્યો. ભારના કારણે ચાલે નહિ એટલે તેને પ્રહાર કરતા જાય, આર ભોંકતા જાય અને જે જે અનુકૂળતા સાધુપણામાં માંગી હતી તે અનુકૂળતાની માંગણીને જણાવનારાં વચનો ક્રમસર સંભળાવતા જાય. એમ કરતાં છેલ્લું અવિરતિની માંગણીનું વચન સાંભળીને પાડાને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભારની પીડાથી હાંફી ગયેલો, ત્રાસી ગયેલો પાડો પણ જાતિસ્મરણ જ્ઞાન થતાંની સાથે શાંત થઈ ગયો. પૂર્વભવનું સાધુપણું યાદ આવ્યું. અવિરતિની આસક્તિના કારણે સાધુપણાની જે વિરાધના કરી તેના કારણે પોતાની આ દશા થઈ છે – એ જાણી પોતે કરેલ વિરાધનાનો ભારે પશ્ચાત્તાપ થયો. આ પશ્ચાત્તાપના યોગે પ્રતિબોધ પામેલા તે પાડાએ અણસણ કર્યું અને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. આપણી શી ઈચ્છા છે ? સાધુ થઈને ઠેકાણું પાડવું છે કે પાડા થઈને ?
સ. જવાબ નહિ મળે.
જવાબ નહિ આપો એમ સમજીને જ પૂછ્યું છે. બાકી તો ખબર જ છે કે ઠેકાણું પાડવું જ નથી : સાધુ થઈને ય નહિ અને પાડા થઈને ય નહિ. સુખ જ્યાંથી મળે ત્યાંથી ખંખેરી લેવું છે – આ જ મનોદશા છે ને? તો ક્યાંથી ઠેકાણું પડે ?
(૮૫)