SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કે હોય છે તેઓ આ લોકમાં આ પ્રમાણે બાહય અને અભ્યન્તર પરિગ્રહથી મુક્ત એવા શ્રમણ સાધુભગવન્તો છે... આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. બીજી ગાથામાં જણાવ્યા મુજબ વૃક્ષોનાં પુષ્પોમાં રસને ગ્રહણ કરવામાં ભમરાઓ જેમ લીન બને છે તેમ ગૃહસ્થો દ્વારા અપાતાં એવાં અશનપાનાદિને જ ગ્રહણ કરવામાં પૂ. સાધુભગવન્તો પ્રયત્નશીલ હોય છે. દાતા જે વસ્તુ આપતા નથી તે વસ્તુ સાધુભગવન્ત લેતા નથી. દાનમાં રત એટલે આપેલામાં રત. આપવામાં રત એવો અર્થ અહીં નથી કરવાનો. કારણ કે સાધુભગવન્તોને માત્ર અભયદાન કે જ્ઞાનદાનનો જ અધિકાર હોય છે. અહીં દાનમાં રત કહેવાનો આશય એ છે કે દાતા પોતાની ઇચ્છાથી જે આપે તે જ લેવું. દાતા ન આપે તો સામેથી માયા કરીને માંગીને ન લેવું. માયા કરે, યુક્તિઓ અજમાવે, મુત્સદ્દીપણું કરે તે ધર્મ ન કરી શકે, સરળ હોય તે જ ધર્મ કરી શકે. નજર સામે પડેલી વસ્તુની દાતા વિનંતિ ન કરે તો માંગવું નહિ અર્થાત્ યાચના ન કરવી. જેની જરૂર હોય તે સામે ન હોય તો યાચના કરવામાં વાંધો નહિ. પણ સામે હોય ને વિનંતિ ન કરે ત્યારે જરૂર હોય તો ય યાચના ન કરવી. કારણ કે જાણી-જોઇને વિનંતિ ન કરી હોય ને માંગીએ તો દાતાને અપ્રીતિ થાય કે સાધુ આગળ કશું મૂકવું જ નહિ, અથવા તો ભૂલી ગયા હોય તો શરમમાં પડે. આથી ધ્યાન રાખવું. આજે જો વધારે વહોરવું હોય તો ઘણાં સાધુસાધ્વી એવી યુક્તિ અજમાવે કે આંખ આડા કાન કરીને વહોરી લે અને પછી કહે કે ‘અરે રે ! આ શું કરો છો ? આટલું ન' તું વહોરવાનું !...' આવી માયા ન કરવી. સાધુપણું આરાધવાનું કામ સહેલું નથી. જે માયા ટાળે ને ગીતાર્થ હોય તેને ગોચરી જવાનો અધિકાર છે. દાતા ન આપે તે વસ્તુ વગર ચલાવવું પણ તેના પરિણામ બગડે એ રીતે ન વહોરવું. કારણ કે તેથી તેને સાધુપણા પ્રત્યે અપ્રીતિ જાગે તો સાધુને પણ ચારિત્રમોહનીય કર્મ બંધાય. દાતા જે વસ્તુ આપે તે પણ ભક્ત હોય એટલે કે પ્રાસુક, એષણીય, આધાકર્માદિ (બેંતાળીસ) દોષથી રહિત હોય તો જ તે વસ્તુ સાધુભગવન્તો ગ્રહણ કરે છે. ભક્ત એટલે ભોજન. પ્રાસુક કે અપ્રાસુક અશનપાનાદિને સામાન્યથી ભક્ત કહેવાય છે. છતાં અહીં એવો સામાન્ય અર્થ ન કરતાં ‘પ્રાસુક અશનાદિ’ એવો વિશેષ અર્થ કરવાનો છે. જેમ ધન બધાની પાસે હોવા છતાં બધાને ધનવાન નથી કહેતા. વિશિષ્ટ એટલે કે ગણનાપાત્ર ધન જેની પાસે હોય તેને જ ધનવાન કહેવાય. તેમ અહીં પણ સાધુ માટે જે બનાવેલું ન હોય, કાપેલું ન હોય, છેદેલું ન હોય તેવા પ્રાસુક-એષણીય આહારને ભક્ત કહેવાય છે અને તેની એષણામાં સાધુભગવન્ત રત હોય. ભગવાનના સાધુ મહાન છે તેનું કારણ જ આ છે કે તેઓ પોતાના પેટ માટે પણ કોઇને પીડા પહોંચાડતા નથી હોતા. (૬૬)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy