________________
સ. એમાં કોઈ બે મત નથી.
એમ કહીને તમારી જાતને આમાંથી બાકાત નહિ કરી નાખતા. તમે પણ સાધુપણાને ઉદ્દેશીને આ ધર્મ પામવા માટે પ્રયત્ન કરો તો કારણરૂપ અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ થાય. આવા પ્રકારના અહિંસા સંયમ અને તપસ્વરૂપ ધર્મમાં જેનું મન સદા માટે રત હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે. દેવો અહીં ન આવે તો પણ ત્યાં બેઠા બેઠા મનથી નમસ્કાર કરે તેમ જ સભામાં પ્રશંસા કરવા દ્વારા નમસ્કાર કરે છે.
અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ મંગલમય ધર્મને આરાધનારા પૂ.સાધુભગવન્તોએ સંસારનો ત્યાગ કર્યો હોવા છતાં હજી શરીરનો ત્યાગ કર્યો ન હોવાથી સુધા-તૃષા તો લાગવાની. એ વખતે તેને દૂર કરવા માટે હિંસા વગેરે પાપ કરવા પડશે અને તેથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થશે... આવી શંકાના સમાધાન માટે પાપ કર્યા વિના શરીરનો નિર્વાહ કઈ રીતે થાય-તે દષ્ટાંતથી બીજી ગાથા દ્વારા જણાવે છે :
जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं ।
ण य पुष्पं किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥२॥ ભમરો જેમ વૃક્ષનાં પુષ્પોમાંથી થોડો થોડો રસ ચૂસે છે, પણ પુષ્પોને કિલામણા એટલે કે પીડા કરતો નથી અને પોતાની જાતને તૃપ્ત કરે છે... તે રીતે સાધુભગવતો દાતાનાં ઘરોમાંથી ભિક્ષા લે છે- એમ ત્રીજી ગાથામાં અન્વય કરવો. પ્રાણનિર્વાહ માટે ભિક્ષાએ જાય ત્યારેય પોતાની જરૂરિયાતનો વિચાર ન કરે અને બીજાના પરિણામનો વિચાર કરે તેવા ભગવાનના સાધુ હોય. જીવનનિર્વાહ માટે પણ અહિંસા, સંયમ અને તપનો ઘાત ન થાય તેવો આચાર અહીં બતાવ્યો છે. સંયમની સાધના કરતી વખતે મૂળ ઉદ્દેશ હણાય એવું ક્યારે ય બનવું ન જોઈએ. સાધુપણું લીધું એટલામાત્રથી કૃતકૃત્ય નથી બનાતું. સાધનાની શરૂઆત જ હવે થાય છે. પોતે દુઃખ વેઠી લેવું પણ કોઈનેય દુઃખ ન આપવું... એ પ્રમાણે અહિંસાનું સ્વરૂપ જણાવ્યું. હવે એ અહિંસાનું પાલન એ રીતે કરવું જોઈએ કે જેથી અહિંસા સચવાય. અહિંસાધર્મ બતાવ્યા પછી ભગવાને આહાર, નીહાર, વિહારાદિની રીત ન બતાવી હોત તો અહિંસાધર્મ સચવાત નહિ. માટે આગળની ગાથાથી સૌ પ્રથમ આહારનો આચાર બતાવ્યો છે. માર્ગ સમજ્યા વગર આગળ વધવાની કોશિશ કરે તે પડ્યા વગર ન રહે. પહેલા ભગવાનના ચાર હજાર સાધુ માર્ગનું જ્ઞાન ન હોવાથી તાપસ બન્યા ને ? આથી જ ભગવાને પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવ્યા બાદ એનો નિર્વાહ થાય એવો આચાર બતાવ્યો છે.
(૬૦)