________________
મનને સ્થિર રાખવું તેનું નામ ધ્યાન. ધ્યાન ચાર પ્રકારનું છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન : આ બે અશુભ ધ્યાન છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે શુભધ્યાન છે. ધ્યાન પછી કાયોત્સર્ગ નામનો છેલ્લો તપ છે. કાયાની હાજરીમાં કાયાની મમતા ઉતારવી તેનું નામ કાયોત્સર્ગ. ગમે તેટલા જ્ઞાની કે ધ્યાની કાયાની મમતા ન ઉતારે ત્યાં સુધી જ્ઞાનાદિ કામ ન લાગે. ધ્યાનનું ફળ આત્મરમણતા છે. આત્મરમણતા પામવા પહેલાં કાયાની મમતા ટાળવી પડશે. - સ. ઘણીવાર બીજા અનુષ્ઠાન કરતાં ધ્યાનમાં વધુ આનંદ આવે.
એ તો કષ્ટ નથી પડતું, માટે. માથે સગડી હોય અને સ્મશાનમાં ઊભા રહો પછી ધ્યાનમાં મજા આવે તો કહેજો. તમે જે ધ્યાનની વાત કરો છો એ તો માત્ર શરીરનો વ્યાયામ છે. શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજા પણ ધ્યાન ધરવા ગયા હતા, પરંતુ ભણવાનું પૂરું થયા પછી ગયા હતા.
સ. કલાક સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન ધરીએ તો? - એક કલાક ધંધો કરો અને બાકીના ટાઈમમાં ઊંઘો તો શું થાય? જેટલા કલાક ધંધો થાય તેટલો કરીને કરોડપતિ થઈએ પછી ઊંઘવાનું. તેમ અહીં પણ પંદર કલાક સ્વાધ્યાય કરીને, ધ્યાનની મૂડી ભેગી કરીને પછી ધ્યાન ધરવાનું. જ્ઞાનની તીવ્ર લાલસામાંથી ધ્યાનયોગ આવે. સ્વાધ્યાયના કારણે ધ્યાન આવે અને ધ્યાનના કારણે ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ પડવાથી કાયાની મમતા ઊતરે, ખાવાપીવાનો રસ ઊડી જાય. વિદ્વાન મજેથી ખાઈ ન શકે. જેને ચિંતા હોય તે ખાઈ ન શકે. જેને ચિંતા ન હોય તેનો આહાર વધારે હોય-એવું બને. જેને વાચનામાં જવું હોય, પાઠ જેવો હોય, પંક્તિઓ બેસાડવી હોય... તેને ખાવામાં રસ ક્યાંથી રહે? કાયાની મમતા ઉતારી કષ્ટ વેઠીને ધ્યાન ધરાય તે ધ્યાનયોગ સાચો. આજના ધ્યાની કાયાની મમતા નથી ઉતારતા. એક કાનજીસ્વામીના અનુયાયીને મેં કહ્યું હતું કે – તમારે ત્યાં સ્વાધ્યાયનો રસ કેળવવાનું શિખવાડાય છે પણ કાયાની મમતા ઉતારવાનું નથી શીખવતા. લોકમાં પણ કહેવાય છે કે વિદ્યાર્થીને સુખ ન હોય અને સુખાર્થીને વિદ્યા ન હોય. તેમણે પણ કબૂલ્યું કે અમારે ત્યાં શરીરને કષ્ટ આપવાની વાત નથી. ટાઢતડકો વેઠીને ભણે તો કાયાની મમતા ઊતરે... આ રીતે બાર પ્રકારના તપની વાત સાથે અહિંસા, સંયમ અને તપનું વર્ણન પૂરું થયું. આ વર્ણન સાંભળીને એમ લાગે છે ને કે આવો ધર્મ સાધુપણામાં જ શક્ય છે?
(૫૯)