________________
કેળવ્યું છે ? ગુરુની આજ્ઞાનું પાલન કરતાં આખું ગામ આપણને મૂર્ખ કહે તોપણ તેની પરવા ન હોય એવો વિનય આચરનારા આ ભગવાનના શાસનમાં હતા. આજે તો આવો વિનય બીજે શોધવા જવું પડે ને? ભગવાનના શાસનમાં આવો વિનય હોય જ. આપણા જીવનનો વિચાર કરતાં આવો વિનય શોધતાં પણ જડે કે નહિ- એ આજે એક પ્રશ્ન છે ને ? વિનય શોધવાને બદલે આપણે જે કરીએ તેને જ વિનય માનવો પડે – એવી દશા છે ને ? કારણ કે આજે વિનયનું સ્થાન સ્વચ્છંદતાએ લઈ લીધું છે. જ્યાં સુધી આપણી જાત મહાન છે એવું લાગે ત્યાં સુધી વિનયગુણ પામી નહિ શકાય. આપણે લઘુ છીએ અને સામી વ્યક્તિ મહાન છે એવું લાગે તો વિનય આવ્યા વિના નહિ રહે. એક વાર આપણી જાત ઓળખાઈ જાય અને સામી વ્યક્તિ સમર્થશાની છે એવું લાગે તો અહં ઓગળતાં વાર ન લાગે. અહંભાવ સ્વચ્છંદતાને લાવે છે. એ અહંભાવ ટળે એટલે ગુણવાનની પરતંત્રતા આવ્યા વિના ન રહે. ભગવાનના શાસનનો સાર કહો, બધાં ફળનું કારણ કહો કે સકલ ગુણોનું મૂળ કહો - તે એકમાત્ર આ વિનય જ છે. વિનય જેમ ભગવાનના શાસનનું મૂળ છે તેમ અવિનય અર્થાત્ વિનયના પ્રતિપક્ષભૂત માન-અહંભાવ એ આ સંસારનું મૂળ છે. કારણ કે હું જ સાચો’ આવો અહંભાવ મિથ્યાત્વને જીવતું રાખે છે. મિથ્યાત્વ હોય
ત્યાં સુધી મોહનીયકર્મ સલામત છે, એ મોહનીયકર્મ મજબૂત હોય તો આઠમાંથી એકે કર્મ હલે નહિ. અને આઠ કર્મો વળગેલાં હોય ત્યાં સુધી સંસાર અનાબાધ છે. આ રીતે વિનયની કિંમત સમજાય એટલે અહંભાવ ઓગળવા માંડે. અહં ઓગળે એટલે મિથ્યાત્વ ચાલવા માંડે. મિથ્યાત્વ જાય એટલે મોહનીય ઢીલું પડે. મોહનીયનું જોર ઓછું થાય એટલે બાકીનાં ચાર ઘાતિને ધક્કો લાગે. અને એક વાર ઘાતિ જાય એટલે અઘાતિને ગયે જ છૂટકો થાય. આ રીતે વિનયગુણ આઠે કર્મોની નિર્જરા કરાવે છે. ભગવાનના શાસનનાં બધાં જ અનુષ્ઠાનો આઠે કર્મની નિર્જરા કરાવનારાં હોવા છતાં તેમાં વિનય સૌથી મુખ્ય છે. કારણ કે વિનય વિના વિદ્યા ન મળે, વિદ્યા વિના સમતિ ન મળે અને સમકિત વિના ચારિત્ર ન મળે. તેમ જ ચારિત્ર વિના મુક્તિ પણ ન જ મળે. ચારિત્ર લીધા પછી પણ વિનય જ મોક્ષે પહોંચાડે છે. વિનયમાત્રનું ફળ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. માતાપિતાદિના વિનયના ફળરૂપે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે અને સાધુપણામાં કરેલા ગુર્નાદિકના વિનયથી ચારિત્રમોહનીયના ક્ષયોપશમની નિર્મળતા અને અંતે ચારિત્રમોહનીયનો ક્ષય થાય છે. વિનય કર્યા વિના દીક્ષા પળાતી જ નથી.
(૫૬)