________________
લોકોત્તર શાસનમાં કરવાની જરૂર છે. એટલું જ અમારે સમજાવવાનું છે. આ લોકનાં ક્ષણિક સુખો ખાતર પણ જો આવો વિનય કરતા હો તો શાવિતસુખ માટે કેવો વિનય આચરવો જોઈએ ? આ લોકના વિનય કરતાં લોકોત્તર વિનય ચઢિયાતો છે તેને માટે શાસ્ત્રમાં એક દૃષ્ટાન્ત આવે છે. એક રાજા અને આચાર્યભગવન્ત વચ્ચે વિનયગુણની વાત ચાલતી હતી. રાજા કહે રાજકુળમાં વિનય સારો. આચાર્યભગવા કહે જૈન શાસનનો વિનય સૌથી ચઢિયાતો. કોનો વિનય ચઢિયાતો તેની ખાતરી કરવા માટે રાજાએ એક રાજસેવક અને એક સાધુની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. રાજાએ પોતાના રાજકુમારને પરીક્ષા માટે પસંદ કર્યો. આચાર્યભગવતે રાજાને કહ્યું કે તમને ઠીક પડે તે સાધુને લઈ જાઓ. કારણ કે આચાર્યભગવન્તને ખાતરી હતી કે નાનામાં નાનો સાધુ પણ વિનયમાં પાછો નહિ પડે. આજે આવી ખાતરી આપી શકાય ખરી ? રાજાએ સૌથી નાના ક્ષુલ્લક સાધુને પસંદ કર્યો. રાજાએ રાજકુમારને અને આચાર્યભગવતે બાલસાધુને કહ્યું કે – ગંગાનદી કઈ દિશામાં વહે છે – તેની તપાસ કરી આવો. રાજકુમાર વિચારે છે કે આખા ગામને ખબર છે કે ગંગાનદી પૂર્વ દિશામાં વહે છે. છતાં આવું કેમ પૂછે છે – એ જ સમજાતું નથી. પણ વડીલની સામે કંઈ કહેવાય નહિ. એમ સમજીને ગંગાનદીની દિશામાં થોડે આગળ જઈ તપાસ કર્યાનો ડહોળ કરી પાછો આવ્યો ને રાજાને કહ્યું કે ગંગા પૂર્વદિશામાં વહે છે. આ બાજુ પેલા બાલસાધુ વિચારે છે કે બધા જ લોકો જાણે છે કે ગંગા પૂર્વદિશામાં વહે છે છતાં આચાર્યભગવતેં પૂછ્યું છે માટે નક્કી છે કે આની પાછળ કોઈક વિશેષ કારણ હશે તેથી મારે ચીવટપૂર્વક આ તપાસ કર્યા વિના નહિ ચાલે...' એમ સમજીને કામળીદાંડો લઈને છેક ગંગાનદીને કિનારે પહોંચ્યા. રસ્તામાં જેટલા મળે તે બધાને પૂછે છે કે ગંગા કઈ દિશામાં વહે છે ? છેવટે નદી પાસે પહોંચી નૌકામાં બેસેલા નાવિકને પણ પૂછે છે. બધા લોકો એને હસે છે. ઘણા તેને મૂર્ખ સમજે છે. છતાં તેની કોઈ પરવા તેઓ કરતા નથી. છેવટે પોતે પણ નદીમાં તણખલાને વહેતાં જુએ છે અને અંતે પોતાનો દાંડો પ્રવાહમાં મૂકીને ખાતરી કરીને પાછા ફરે છે. વળતાં પણ લોકોને પૂછતા પૂછતા આવે છે. આવીને ગુરુભગવન્તને પહેલેથી છેલ્લે સુધીનો પોતે કઈ રીતે તપાસ કરી તેનો વૃત્તાંત કહે છે. અને અંતે પોતે નજરે જોઈને ખાતરી કરીને આવ્યા પછી પણ કહે છે કે – “આ રીતે ગંગા પૂર્વ દિશામાં વહે છે એવું લાગે છે, છતાં અંતે આપશ્રી જે કહો તે પ્રમાણ છે.' વિનયની પરાકાષ્ઠા કોને કહેવાય એ સમજાય છે ને? નજરે જોયેલી, અનુભવેલી વસ્તુને પણ ગુરુ અન્યથા કહે તો માની લેવું છે-એવું હૈયું
(૫૫)