________________
સ. કરુણા ન કહેવાય ?
એ કરુણા પણ મોહજન્ય કરુણા છે. શાસ્ત્રની પરિભાષામાં દ્રવ્યકરુણા છે. પ્રાથમિક કક્ષામાં આ અવસ્થા સારી ગણાતી હોવા છતાં એટલામાત્રથી નિસ્તાર નથી થતો. બીજાના દુઃખે રોવા બેસવાથી એનું દુ:ખ દૂર થઈ જવાનું હતું ? બીજાનું દુઃખ ખરેખર જોવાતું ન હોય તો નક્કી કરવું જોઈએ ને કે કોઈ પણ જીવને આપણે દુઃખ નથી આપવું ? બીજાના દુઃખે દુ:ખી થવા રૂપ અનુકંપાનો પરિણામ પરાકાષ્ઠાએ ત્યારે પહોંચે કે જ્યારે કોઈને પણ દુઃખ નથી આપવું – એવો પરિણામ જાગે.
સ. ભગવાન સંગમના દુઃખે દુ:ખી થયા ને ?
ભગવાન એના દુ:ખે દુ:ખી નથી થયા. ‘સકલ જીવોને આ સંસારથી તારવાની ભાવનાવાળા અમે આના સંસારનું કારણ બન્યા' : એ પ્રમાણે ભગવાનને પોતાના નિમિત્તે થયેલ એના સંસારપરિભ્રમણને જોઈને તેની દયા આવી હતી. આ કરુણા દ્રવ્યકરણા ન કહેવાય, આને ભાવકરુણા કહેવાય. દુઃખીને જોઈ જે દયા આવે તેને દ્રવ્યકરુણા કહેવાય અને ધર્મથી હીન એવા સુખી પ્રત્યે પણ જે દયા આવે તેને ભાવકરુણા કહેવાય. તમને દીનદુઃખી પ્રત્યે જેવી દયા આવે તેવી દયા સંસારના સુખમાં રાચીને મોજમજા કરનારા જીવો પ્રત્યે આવે ? બીજાની વાત તો જવા દો, તમારા આત્માની દયા પણ ક્યારે આવે ? દુ:ખ આવે ત્યારે ‘મારું શું થશે ?’ એની ચિંતા થાય કે સુખમાં મજેથી પાપ કરતા હો ત્યારે ‘મારું શું થશે' એની ચિંતા થાય ? દુ:ખ ભોગવી રહેલા આત્માની દયા આવે કે સુખ મજેથી ભોગવી રહેલા આત્માની દયા આવે ? જેને પોતાના આત્માની ભાવકરુણા ન હોય તે બીજાની ભાવકરુણા ન કરી શકે. પોતાના આત્માની ધર્મહીનતાની દયા આવે તો બીજા ધર્મહીન પ્રત્યે દયા જાગે.
સ. સાધર્મિકના દુઃખે આસું પાડવા એ
ગુણ
નહિ ?
સાધર્મિક પ્રત્યે અનુકંપાનો ભાવ ન હોવો જોઈએ, ભક્તિનો – વાત્સલ્યનો ભાવ હોવો જોઈએ. સાધર્મિકનું વાત્સલ્ય, તેની પ્રત્યે બહુમાનભાવથી કરવાનું છે, તેને મદદ કરવાના ભાવથી નથી કરવાનું. એક વાર આચાર્યભગવન્તની નિશ્રામાં સાધર્મિકનાં ફંડ માટે એક ભાઈ ઊઠીને બોલવા લાગ્યા કે - ‘જૈનો કેટલા દુઃખી છે, એમનું દુઃખ જોવાતું નથી.....વગેરે.' ત્યારે આચાર્યભગવન્દે એ ભાઈને બેસાડી દીધા