________________
પીડા થાય. આ રીતે પીડાનો પરિહાર કરવાનું ફરમાવ્યું હોય તો ગુરુભગવન્તાદિ સાથે કઈ રીતે વર્તવું જોઈએ ?.... આ બધું ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આપણી અનુકૂળતાને જતી કરવાની અને પ્રતિકૂળતાને વેઠી લેવાની તૈયારી વિના તમારે ત્યાં કે અમારે ત્યાં અહિંસાધર્મ પાળી શકાય એવું નથી.
આપણા કારણે કોઈને પણ દુઃખ થાય તેવું નથી કરવું - આ જ અનુકંપાનો સાચો પરિણામ છે. ભગવાનના શાસનમાં નવ તત્ત્વની આસ્તિકતા(શ્રદ્ધા) પછી સૌથી પહેલાં આ અનુકંપાનો ભાવ પ્રગટે છે. એ અનુકંપામાંથી જ નિર્વેદ આવે, નિર્વેદમાંથી સંવેગ એટલે કે મોક્ષનો અભિલાષ જાગે અને સંવેગમાંથી પ્રશમભાવ પ્રગટે. આ સંસારમાંથી ભાગી છૂટવાનો પરિણામ તેનું નામ નિર્વેદ, અહિંસારૂપ અનુકંપામાંથી આ નિર્વેદ જન્મે છે. આ સંસારમાં પંચેન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય સુધીના દરેક જીવનો આત્મા મારા જેવો જ છે; મને જેમ સુખ ગમે છે અને દુઃખ નથી ગમતું તેમ દરેક જીવોને સુખ ગમે છે, દુઃખ કોઈને ગમતું નથી. માટે મારે કોઈને પણ દુઃખ આપવું નથી આવો અનુકંપાનો પરિણામ જાગ્યો હોય અને આ સંસારમાં કોઈપણ જીવને દુઃખ આપ્યા વગર રહી શકાય એવું નથી : આવું જેને સમજાય તે આ સંસારમાં મજેથી રહી શકે ? નહિ ને? આજે આવું જાણવા છતાં સંસારમાં મજેથી જીવી શકાતું હોય તો તે પરિણામની નઠોરતાના કારણે. પરિણામ થોડા પણ કૂણા પડ્યા હોય તેને આ રીતે સંસારમાં રહેવું પાલવે નહીં. આજે નવતત્ત્વની આસ્તિકતા પણ નિર્વેદનું કારણ ન બનતી હોય તો તે આ અહિંસારૂપ અનુકંપાના અભાવના કારણે. બીજાનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પરંતુ બીજાને આપણા તરફથી દુઃખ ન આપવું એ આપણા હાથની વાત છે. ભૂંડ વગેરે પશુનું દુઃખ જોવાતું નથી – એમ કહીને રોવા નથી બેસવું. જીવમાત્રનું દુઃખ જોવાતું નથી – એમ કહીને આપણી તરફથી સર્વ જીવોને અભયદાન આપવા માટે આ સંસારમાંથી ચાલી નીકળવું છે.
સ. બીજાના દુઃખે દુઃખી થવું એ ધર્મ નહિ ?
બીજાના દુઃખે દુઃખી થવું એ ધર્મ નહિ, બીજાને દુઃખ ન પહોંચાડવું, બીજાને દુઃખ ન પહોંચે એ રીતે જીવવું - તેનું નામ ધર્મ. બીજાનું દુઃખ જોઈ ન શકે તે બીજાને દુઃખ આપી શકે ખરો ? બીજાનું દુઃખ જોઈ રોવા બેસવું એ તો એક પ્રકારનો મોહ છે – અજ્ઞાનદશા છે.