________________
ન
અહિત ન થાય એવી હિતબુદ્ધિથી કહો કે ‘હું ઘરનો વડીલ, મારું બધાએ માનવું જોઈએ’ એમ વડીલપણું બતાવવા માટે કહો ? સામાનું હિત ઘવાતું હોય એટલાપૂરતું કહેવું પડે તો એક-બે વાર કહીને છૂટા થઈ જવું, પણ તેને દુ:ખ થાય, મોઢું પડી જાય, આંખમાં આંસુ આવે ત્યાં સુધી તો ન ખેંચાય ને ? સામાને દુ:ખ પહોંચે તેની દરકાર ન કરવી તેનું નામ હિંસા. સામાને દુ:ખ ન પહોંચે તેની દરકાર રાખવી તે અહિંસાનો પરિણામ. આપણે વડીલ હોવા છતાં વડીલપણું બતાવવું નથી. ઘરના લોકો આપણને વડીલ માને એ જુદી વાત છે, પણ ન માનતા હોય તો આપણે એમને પાઠ નથી શીખવવા. નાનાની ફરજ વડીલ ન વિચારે, વડીલ તો પોતાનું કર્તવ્ય જુએ. એ જ રીતે નાનાએ પણ વડીલની ફરજ વિચારવાને બદલે પોતાના કર્તવ્યનો વિચાર કરવો, જેથી કોઈને પણ અન્યાય કરવાનું ન બને. જે બીજાની ફરજ વિચારવા બેસે તે પોતાનું કર્તવ્ય ચૂકે. આપણે જો આપણા કર્તવ્યનું પાલન કરીએ અને સામા જીવમાં થોડીઘણી પણ યોગ્યતા હોય તો તેને પોતાની ફરજનું ભાન થયા વિના ન રહે. સામાએ હિતકારી વાતમાં દુઃખ ન ધરવું જોઈએ-એ બીજી વાત, આપણે હિતકારી પણ વાત સામાને દુઃખ થાય એ રીતે ન કહેવી – તે પહેલી વાત. વર્તમાનમાં નાનાઓ વડીલની ફરજ વિચાર્યા કરે છે અને વડીલો નાનાની ફરજ વિચાર્યા કરે છે માટે બંન્ને પોતાનું કર્તવ્ય ચૂકી જાય છે અને અહિંસાધર્મ સચવાતો નથી. તમારી જેમ અમારે ત્યાં પણ લગભગ આવી જ વિષમતા સર્જાઇ છે. એના યોગે અહિંસા કે જે સાધુપણાનો પ્રાણ છે તે ઘૂંટાવા માંડયો છે ! કોઈ પણ જીવને દુ:ખ ન પહોંચાડવાની પ્રતિજ્ઞા લઈ બેઠેલાઓ, સંજ્ઞી પંચેન્દ્રિય, લોકોત્તર માર્ગના આરાધક એવા સહવર્તી તથા પોતાના પરમ ઉપકારી એવા ગુરુભગવન્તના દુ:ખનીય પરવા ન કરે તો તેમનું પહેલું મહાવ્રત ટક્યું છે એવું કઈ રીતે માની શકાય ? એક બાજુ નજરે જોઈ ન શકાય એવા કંથવા વગેરે સૂક્ષ્મ જંતુની જયણા માટે પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયાઓ કરે અને બીજી બાજુ સંયમમાં સહાયક અને ભવનિસ્તારક એવા ગુર્વાદિને હૈયે ઠેસ પહોંચે એ રીતે વર્તે ! ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા ! અમારે માટે આ જ શ્રી દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં જણાવ્યું છે કે અમને વહોરાવવા માટે ગૃહસ્થની સ્ત્રી પોતાના ખોળામાંથી છોકરું નીચે મૂકી વહોરાવતી હોય અને એ છોકરું રોવા તો માંડે તો અમારે એવો આહાર લેવો કલ્પે નહિ, તો અહીં ગુરુ કે સહવર્તીને રોવડાવી – દુઃખ પહોંચાડી સંયમ પળાય ? શ્રી ગુરુવંદન ભાષ્યમાં જણાવ્યું છે કે ગુરુભગવન્ત સંજ્ઞાભૂમિએ જવા તૈયાર થયા હોય તો તેવા વખતે વંદન ન કરવું. કારણ કે વંદનના કારણે વિલંબ થાય તો
જ
(૨૩)