________________
અહિંસા એટલે પ્રાણાતિપાતની વિરતિ. પ્રાણાતિપાત એટલે હિંસા. ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય વગેરે દસ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો અતિપાત એટલે કે નાશ કરવો, પીડા પહોંચાડવી તેનું નામ હિંસા. આ હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેને આશ્રયીને અનેક પ્રકાર છે. તેમાંથી એક પણ પ્રકારે હિંસા ન કરવી, દરેક પ્રકારની હિંસાથી વિરામ પામવું – અટકવું તે અહિંસા. સાધુભગવન્તોનું પહેલું મહાવ્રત કહો કે અહિંસા કહો બન્ને એક જ છે. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડ્યા વગર જીવી શકાય એવું એકમાત્ર આ સાધુપણાનું જીવન છે. એ સિવાય આ સંસારમાં કોઈપણ જીવને દુ:ખ આપ્યા વગર જીવી શકાતું નથી. આ સંસારમાં મોટામાં મોટું પાપ જ એ છે કે – બીજાને દુઃખ આપ્યા વગર જિવાતું નથી. આથી જ ભગવાને સાધુપણાનો માર્ગ બતાવ્યો છે. સંસારમાં દુઃખ ઘણું આવે છે માટે સંસારનો ત્યાગ કરીને સાધુ થવાનું ફરમાવ્યું નથી. સંસારમાં દુ:ખ આપવું પડે છે અને બીજાને દુ:ખ આપવું તે પાપ છે માટે સાધુ થવાનું ફરમાવ્યું છે. બાકી દુઃખ તો જેમ સંસારમાં આવે છે તેમ સાધુપણામાં ય આવે છે. સાધુપણામાં તો દુ:ખ ઊભું કરીને વેઠવાનું છે. આજે ઘણાં સાધુસાધ્વી મુમુક્ષુઓને સમજાવે છે કે ‘સંસારમાં રાંધવાનું દુઃખ, કમાવાનું દુઃખ, મરણાદિના પ્રસંગે વ્યવહાર સાચવવાનું દુ:ખ, સાધુપણામાં કશી કડાકૂટ નહીં...' આવાઓ પોતે જ માર્ગના અજાણ હોવાથી બીજાને ય ઉન્માર્ગે દોરવાનું કામ કરે છે. દુ:ખથી બચવા સાધુપણું નથી, પાપથી અટકવા માટે સાધુપણું છે. દુ:ખ આપવું તે પાપ અને એ પાપથી બચવા દુ:ખ મજેથી વેઠી લેવું તે ધર્મ : સાધુ દુ:ખ ભોગવે પણ દુ:ખ આપે નહિ. આપણને દુઃખ આવે તો રાજી થઇએ કે રોવા બેસીએ ? દુ:ખ આવે તો પાપનો ઉદય માની દીન બની જાય તે ધર્મ આરાધી ન શકે. દુ:ખને પાપકર્મની નિર્જરા કરવાની તક માને તે ધર્મ સારામાં સારી રીતે આરાધી શકે. દુ:ખ આપવાના પાપથી તે જ બચી શકે કે જે ગમે તેવા દુઃખને વેઠી લેવા તૈયાર હોય. પોતાના પ્રાણની રક્ષા માટે બીજાના પ્રાણની આહુતિ ન લેવી, પરંતુ અવસરે બીજાના પ્રાણની રક્ષા માટે પોતાના પ્રાણ મૂકી દેવા – તેનું નામ સાધુતા. તમે શ્રી ધર્મરુચિ અણગારને જાણો છો ને ? માસક્ષમણના પારણે ગોચરી લેવા ગયા હતા ત્યારે એક સ્ત્રીએ કડવું તુંબડું વહોરાવ્યું, તે લઈને ગુરુ પાસે આવ્યા, ગોચરી આલોવીને ગુરુભગવન્તને બતાવી. જ્ઞાની ગુરુએ વિષતુલ્ય જાણી એ તુંબડાનું શાક નિરવદ્ય સ્થાને પરઠવવા કહ્યું. શ્રી ધર્મરુચિ અણગાર નિરવઘ સ્થાને ગયા. પરઠવવા જતાં માત્ર એક ટીપું નીચે પડયું, તેની પાસે જેટલી કીડીઓ આવી તે તરત જ મરી ગઈ.
(૨૧)