________________
સ્વપરના ત્રાતા છે. પ્રત્યેક બુધ (નમિરાજર્ષિ વગેરે) સ્વના ત્રાતા (રક્ષક) છે, શ્રી તીર્થંકર પરમાત્માઓ પરના ત્રાતા છે અને ઉભયના ત્રાતા સાધુભગવન્તાદિ છે. જેઓ આ રીતે ત્રાતા છે તેઓ જ નિર્ચન્થસાધુઓ છે અને એ સાધુઓ જ મોક્ષના આભિલાષી છે. આવી જ રીતે કાર્યકારણભાવ ઊંધો પણ ઘટે છે. મોક્ષના અભિલાષી જ નિર્ચ . બને છે, નિર્ગળ્યો જ સ્વ પર અને ઉભયના ત્રાતા બને છે, ત્રાતા જ વિપ્રમુક્ત બને છે અને વિપ્રમુક્ત જ સંયમમાં સુસ્થિત હોય છે આ પ્રમાણે પણ વિચારી શકાય છે.
આ આચારનું વર્ણન આપણી જાત સામે આંગળી ચીંધવા માટે સાંભળવાનું છે, બીજા સામે નહિ. આજે મોટા ભાગના ધર્માત્માઓમાં આ અપલક્ષણ છે કે તેઓ શાસ્ત્રમાં બતાવેલા આચાર બીજામાં જોવા મળે છે કે નહિ તે તપાસવા બેસી જાય એના બદલે આપણે આ આચાર ક્યારે આત્માસાત્ કરીશું એના માટે મહેનત કરીએ તો આપણું કલ્યાણ થયા વિના ન રહે. આપણા કલ્યાણનું કારણ એકમાત્ર વીતરાગપરમાત્માએ બતાવેલો ધર્મ જ છે. એ ધર્મ કરવો હશે તો આજ્ઞાની સામે જોવું પડશે. લોકોની સામે, સંયોગોની સામે, આગળ વધીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની સામે જોયું નથી. જેઓ દ્રવ્યક્ષેત્રકાળભાવ જ જોયા કરે તેઓ પરમપદની સામે જોતા નથી- એમ માનવું પડે. આજ્ઞાના પાલન માટે દ્રવ્ય ક્ષેત્ર જોવાં પડે-એ જુદી વાત, બાકી દ્રવ્યાદિના નામે આજ્ઞા ઉપર કાપ મુકાય એવું નથી કરવું. આજ્ઞા મુજબ આ આચારોનું પાલન કરવામાં આવે તો તે પરમપદે પહોંચાડ્યા વિના ન રહે. જે સાધુભગવન્તના આચાર અહીં જણાવ્યા છે તે સાધુભગવન્તનું સ્વરૂપ અહીં પાંચ પદો દ્વારા સમજાવ્યું છે. સૌથી પહેલું વિશેષણ છે સંયમમાં સુસ્થિતાત્મા. જેનો આત્મા સંયમમાં સુસ્થ હોય તે જ આ આચારો પાળી શકે. પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવથી અને બાર પ્રકારની અવિરતિથી વિરામ પામવું તેનું નામ સંયમ, આજે આપણે આવા સંયમમાં સુસ્થ છીએ કે સુસ્ત? જેઓ સંયમમાં સુસ્ત હોય તેઓ આ આચારોનું પાલન નહિ કરી શકે. જે સંયમમાં સુસ્થ હોય તેનું અહીં કામ છે. સુસ્થ એટલે કેવા?
સ. સંયમમાં રક્ત.
રક્ત શબ્દ તેમને વાપરતાં આવડતો હતો છતાં રક્ત ન કહેતાં સુસ્થ કહ્યું. તેનું કારણ એ છે કે રક્ત એટલે રાગી કહેવાય. રાગી કહેવામાં વિવેકિતા નથી જણાતી. જ્યારે સુસ્થ કહેવામાં વિવેકીપણું છતું થાય છે. સંયમ પ્રત્યે માત્ર રાગ નથી જોઈતો.
(૧૪૮)