________________
સંયમ પ્રત્યે વિવેકપૂર્વકનું બહુમાન જોઈએ છે. સંયમનો રાગી પોતે જે કરે તેને સંયમ માને, ગુરુપાતન્ત્ય ન કેળવે, ઈચ્છા મુજબના આચાર પાળે-એવું ય બને. જ્યારે સંયમમાં સુસ્થ હોય તે વિવેકી હોવાથી આજ્ઞાને ઝીલે, ઈચ્છામાં ન રમે. અહીં જે આચાર બતાવ્યા છે તે સ્વેચ્છાચારીના નથી બતાવ્યા, જે આજ્ઞા પાળે એના બતાવ્યા છે. સાધુભગવન્તો પાંચ પ્રકારના આશ્રવથી અને બાર પ્રકારની અવિરતિથી વિરામ પામનારા હોય છે. અવિરતિ કોને કહેવાય ? તમારી તો એક જ વ્યાખ્યા છે ને કે નિયમ ન લેવો તે અવિરતિ અને નિયમ લેવો તે વિરતિ.
સ. વિરતિ ન હોય તે અવિરતિ.
અને અવિરતિ ન હોય તે વિરતિ. આવી વ્યાખ્યા કરો તો બેમાંથી એકેનું જ્ઞાન નહિ થાય. પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય : આ છજીવનિકાયના હત્યાના પરિણામથી વિરામ ન પામવું અને પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન : એ છના વિષયને આધીન થઈને પ્રવૃત્તિ કરવી : એ બાર પ્રકારની અવિરતિ છે. એ અવિરતિનો ત્યાગ કરવો તેનું નામ વિરતિ. વિષયને આધીન થઈને પ્રવૃત્તિ ન કરવી એટલે અનુકૂળ વિષયોમાં લેપાવું નહિ અને પ્રતિકૂળ વિષયોમાં દુ:ખ ન ધરવું. આજે બધા બોલ્યા કરે છે કે અવિરતિનું પાપ ઘણું છે, નિયમ લઈએ તો અવિરતિના પાપથી બચી જવાય. પરંતુ નિયમ લેવા માત્રથી અવિરતિનું પાપ છૂટે નહિ અને વિરતિ આવે નહિ. અવિરતિને ભોગવવાનો પરિણામ નાશ પામે તો વિરતિ આવે. શ્રી પૃથ્વીચંદ્ર તથા શ્રી ગુણસાગરે કોઈ નિયમ લીધો ન હતો છતાં પણ અવિરતિનો પરિણામ છૂટી ગયો તો વિરતિના ફળને પામી ગયા.
સ. તેમને તો વિરતિના પરિણામ આવી ગયેલા ને ?
ન
તેમને આવી ગયેલા એવું ન હતું પણ તેઓ વિરતિના પરિણામ લાવ્યા હતા. અવિરતિના પરિણામમાં ચિત્ત ન આપ્યું અને વિરતિમાં મન પરોવ્યું હતું. અને કદાચ તેમને આવી ગયેલા- એમ માની લઈએ તોપણ આપણને આવ્યા નથી તો આપણે પરિણામ લાવવા છે ખરા ? અવિરતિ ટાળવી છે ? બાર પ્રકારની અવિરતિને ટાળવા માટે બાર પ્રકારનો તપ બતાવ્યો છે. આ બારે ય પ્રકારનો તપ જે આદરે તેની અવિરતિ મરવા પડે. બાર પ્રકારનો તપ આચરવો ફાવે ને ?
(૧૪૯)