________________
ન જઈએ, પણ વિષયો જ એવા છે કે સામેથી આવે તો લેવાનું મન થયા વગર ન રહે. ન મળે ત્યાં સુધી વાંધો નહિ, પણ મળ્યા પછી છોડવાનું મન નથી થતું.... આવી ફરિયાદનો ઉપાય પણ આ ગાથાથી જણાવે છે...
समाइ पेहाइ परिव्वयंतो, सिया मणो निस्सरइ बहिद्धा । न सा महं नो वि अहंपि तीसे, इच्चेव ताओ विणइज्ज रागं ॥२-४॥
જીવમાત્રમાં સમાનદષ્ટિવાળા અર્થાત્ પોતાના આત્માતુલ્ય સર્વ જીવોને ગણનારા અને ગુરુભગવન્તના ઉપદેશાદિ દ્વારા સંયમમાર્ગે પ્રયાણ કરનાર ત્યાગી મહાત્માનું મન સંયમમાર્ગથી બહાર નીકળે ત્યારે તે મારી નથી અને હું તેણીનો નથી એ પ્રમાણે વિચારીને તેની પ્રત્યેનો રાગ દૂર કરવો જોઈએ... આ પ્રમાણે આ ગાથાનો સામાન્ય અર્થ છે. આપણે પહેલાં જ જોઈ ગયા કે આ અધ્યયનમાં મુખ્યતયા મદનકામની વાત છે. કારણ કે મોટા ભાગે સ્ત્રીસંબંધી રાગ જ સંયમીઓને પણ સંયમમાર્ગથી બહાર લઈ જાય છે. આથી અહીં એને અનુલક્ષીને રાગને જીતવાનો ઉપાય બતાવ્યો છે. સાધુભગવન્તો સમાનદષ્ટિવાળા હોય છે. મને જેમ સુખ પ્રિય છે તેમ બીજાને પણ સુખ પ્રિય છે. મને જેમ દુઃખ નથી ગમતું તેમ બીજાને પણ દુઃખ નથી ગમતું. આ રીતે પોતાની જાત સાથે બીજાને સરખાવે તે જ સાધુપણું પાળી શકે. મને દુઃખ ગમતું નથી માટે બીજાને નહિ જ આપું અને મને સુખ ગમે છે માટે બીજાનું સુખ છીનવી નહિ લઉં – આનું નામ સમાનદષ્ટિ. કોઈને સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પણ કોઇના સુખમાં આડે ન આવવું અને કોઇના દુઃખમાં નિમિત્ત ન બનવું એ આપણા હાથની વાત છે. એક સંન્યાસીએ સિકંદરને કહ્યું હતું કે “આપણે કોઈની પણ જે વસ્તુ લઈએ, તે પાછી આપી શકાય એવી ન હોય તો લેવી નહિ.” સિકંદરે કહ્યું કે – સમજાયું નહિ. સંન્યાસીએ કહ્યું કે - કોઈના પણ પ્રાણ લઈએ તો પાછા આપી ન શકાય, માટે લેવા નહિ. આજે
આપણને એટલો નિયમ ખરો કે કોઈનો પૈસો લીધો હોય તો પાછો આપી જ દેવો ? . દેવું પૂરું કરવા જાત ઘસી નાખવી પણ દેવું લઈને નથી જવું - એટલું ખરું? આજે દેવાદાર દેવું માફ કરવા દીક્ષા લેવા તૈયાર થઈ જાય - એ કેવી મનોવૃત્તિ કહેવાય ? સાધુભગવન્તો આવા ન હોય. આ રીતે સમાનદષ્ટિથી ગુરુભગવાના વચનાનુસારે ચારિત્રપાલનમાં રત બનેલા સાધુને કોઈક વાર ક્યાંક રાગ થઈ જાય તો તે આ રીતે એ રાગને દૂર કરે કે - “તે મારી નથી, હું એનો નથી. જ્યારે પણ મને બહાર જાય ત્યારે કેટલી ત્વરાથી તેને પાછું વાળવું તે માટે અહીં રાજપુત્રનું દષ્ટાન્ત આપ્યું છે.
(૯૯)