________________
દૂર થવાની નથી. અંતરમનમાં પડેલા વિકારો સ્વયં ઓછા બહાર આવે છે, પણ અનુકૂળ નિમિત્ત મળતાં તેમનું ઉદ્દીપન થાય છે અને તેની પૂર્તિ કરવા જતાં વિકારોની નવી પરંપરા ઊભી થઈ જાય છે. જો આપણે શાંત અને સ્વસ્થ રહેવું હોય તો વિકારોનું શમન કરવું પડશે અને તેનું ઉદ્દીપન કરે તેવા નિમિત્તોથી દૂર રહેવું પડશે.
આપણે આપણી અશાંતિ, અસ્વસ્થતા અને તણાવનાં કારણોને જાણ્યાં. હવે તેનાથી મુક્ત થવા માટે, શાંત અને સ્વસ્થ જીવન જીવવા માટે આપણે સાધના કરવાની છે. આ સાધના કોઈ દેવ-મંદિરમાં જઈને કરવાની નથી, કોઈ ભગવાનને રીઝવીને કરવાની નથી. આ સાધના કરવા માટે આપણે એક સરળ અને સૌથી સુલભ એવા આલંબનનો આશ્રય કરવાનો છે. આ આલંબન આપણો પોતાનો શ્વાસ છે. આપણે શ્વાસ વગર ક્ષણભર રહી શકતા નથી – તે રીતે શ્વાસ જીવન માટે ઘણો મહત્ત્વનો છે. શ્વાસને આપણે પ્રાણ કહીએ છીએ. પ્રાણ આપણા જીવનના પાયામાં છે એમ વિપશ્યનાની સાધનાના પાયામાં શ્વાસ છે. વિપશ્યનાની શિબિરોમાં શરૂના ત્રણ દિવસ કેવળ શ્વાસને જોવા માટે આપવામાં આવે છે. તે જ સાધનામાં શ્વાસના મૂલ્યનો ખ્યાલ આપે છે. શ્વાસના નિરીક્ષણની આ સાધનાને બૌદ્ધ પરિભાષામાં આનાપાનસતી તરીકે ઓળખવામાં આવે છે. આ સાધનાના પાયા ઉપર વિપશ્યનાની સાધના આગળ વધે છે.
આ સાધના કરવા માટે કોઈ મોટી તૈયારી કરવી પડતી નથી. કોઈ સાધન-સામગ્રી એકઠી કરવી પડતી નથી. કોઈ યોગાચાર્ય પાસે પ્રાણાયામની વિધિ જાણવાની પણ જરૂર રહેતી નથી. આ સાધના એક રીતે ઘણી સરળ છે. સાધક કોઈ શિબિરમાં ગયા વગર પોતાના ઘરના એક ખૂણામાં બેસીને કે કોઈ શાંત સ્થળમાં રહીને આ સાધના કરી શકે છે. ઘરના માણસોની અવરજવર ન હોય અને ઘોંઘાટ ન થતો હોય તેવી જગા પસંદ કરીને સાધકે સુખાસને બેસીને સાધના કરવાની છે. અમુક આસને બેસવું જોઈએ એવો પણ તે માટે નિયમ નથી. દિવસ કે રાત્રે કોઈ પણ સમયે આ સાધના થઈ શકે છે પણ સાધનામાં સત્વરે પ્રવેશ કરવા માટે વહેલી સવારનો સમય વધારે અનુકૂળ રહે છે. ત્યારે ઘરમાં અને બહાર શાંતિ હોય છે. રાત્રિની નિદ્રા લીધા પછી શરીરમાં તાજગીનો સંચાર થતો હોય છે. તેવે સમયે સાધનામાં સત્વરે ધ્યાનવિચાર
૫૧