________________
મુખ્ય પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કેવલી ભગવંતોને મોક્ષની પ્રાપ્તિ કઇ રીતે થાય છે તે વાત ગાથા-૧૨૭માં બતાવેલ છે. મોક્ષમાં આઠ કર્મના ક્ષયથી આઠ ગુણો પ્રગટ થાય છે તે વાત ગાથા-૧૨૮/૧૨૯માં બતાવેલ છે. ત્યાં મોહક્ષયજન્ય સમ્યગ્દર્શન અને ચારિત્રરૂપ બે ગુણો, અને નામ-ગોત્રકર્મક્ષયજન્ય અનંત સિદ્ધોની એકત્ર અવગાહનારૂપ અનંત અવગાહનારૂપ એક ગુણ સ્વીકારીને, સિદ્ધભગવંતોમાં આઠ ગુણો કઇ રીતે સંગત છે તે વાત એક મત પ્રમાણે છે તે યુક્તિથી બતાવેલ છે. અને અન્ય મત પ્રમાણે આઠ કર્મક્ષયજન્ય આઠ ગુણો છે ત્યાં, નામકર્મ અને ગોત્રકર્મક્ષયજન્ય પૃથક્ સ્થિરતા અને અવગાહના ગુણો છે, અને મોહક્ષયજન્ય ચારિત્રગુણ છે; એ વાત ગાથા-૧૩૦માં યુક્તિથી બતાવેલ છે.
૪
આ રીતે બંને મતો પ્રમાણે સિદ્ધમાં ચારિત્રપક્ષનું સ્થાપન કર્યું. કેમ કે પ્રથમ મતમાં મોહક્ષયજન્ય બે ગુણ સ્વીકાર્યા ત્યાં પણ ચારિત્રની પ્રાપ્તિ છે, અને બીજા મત પ્રમાણે આઠે કર્મક્ષયજન્ય પૃથક્ ગુણો સ્વીકાર્યા ત્યાં પણ મોહક્ષયજન્ય ચારિત્રગુણની પ્રાપ્તિ છે. ત્યાં સિદ્ધમાં ચારિત્રને સહન નહિ કરનાર સિદ્ધાંતપક્ષી કહે છે કે, શાસ્ત્રમાં સિદ્ધોને નોભવ્ય-નોઅભવ્ય કહ્યા છે, તેમ સિદ્ધોને નોચારિત્રી-નોઅચારિત્રી કહ્યા છે, તેથી સિદ્ધમાં ચારિત્ર નથી, તેનું સ્થાપન ગાથા-૧૩૧-૧૩૨માં કરેલ છે.
સિદ્ધાંતપક્ષની સામે સંપ્રદાયપક્ષી સિદ્ધમાં ચારિત્ર સ્વીકારે છે. તેથી ગાથા-૧૩૩ થી ગાથા-૧૪૧ સુધી સિદ્ધમાં ચારિત્ર કઇ રીતે માની શકાય, અને નોચારિત્રી-નોઅચારિત્રી શબ્દનો અર્થ શું કરવો, કે જેથી સિદ્ધમાં ચારિત્ર સ્વીકારીને નોચારિત્રી-નોઅચારિત્રી વચનને વિરોધ ન આવે, એ વાત અનેક યુક્તિઓથી
બતાવેલ છે.
સિદ્ધાંતપક્ષ અને સંપ્રદાયપક્ષની એ ચર્ચામાં ગ્રંથકાર શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ ખરેખર પારમાર્થિક સમ્યક્ત્વ શું ચીજ છે, ચારિત્ર શું ચીજ છે, ક્રિયાત્મક ચારિત્ર અને પરિણામાત્મક ચારિત્ર શું ચીજ છે, અને સંસાર અવસ્થામાં યોગની સ્થિરતારૂપ ચારિત્ર શું ચીજ છે, એવી અનેક બાબતોનો સૂક્ષ્મ બોધ કરાવેલ છે. વળી, તે ચર્ચાની વિચારણામાં જ ‘કરેમિ ભંતે’ સૂત્રથી જે સર્વવિરતિ સામાયિકની પ્રતિજ્ઞા કરવામાં આવે છે; તે ભાવશ્રુતશબ્દકરણ, નોવ્રુતકરણ, ગુણકરણ અને મુંજનાકરણ આદિરૂપ છે, તેની આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં ચર્ચા છે તેનો આધાર લઇને, ‘કરેમિ ભંતે’ સૂત્રમાં ભાવપૂર્વકની ક્રિયાની પ્રતિજ્ઞા છે તે વાત યુક્તિથી બતાવેલ છે. તેથી તત્ત્વજિજ્ઞાસુને ખરેખર ‘કરેમિ ભંતે' સૂત્રનો પારમાર્થિક અર્થબોધ થાય છે.
વળી, ચારિત્ર એ આચરણારૂપ સ્વીકારીએ તો તે વીર્યાચારરૂપ બને, તેથી ચારિત્રચાર અને વીર્યાચારનો ભેદ થઇ શકે નહિ તેમ બતાવીને, ચારિત્રાચાર અને વીર્યાચારનો શું ભેદ છે તેનો પણ બોધ પ્રસ્તુત ગાથાઓમાં કરાવેલ છે.
વળી, કષાય અને ચારિત્રનો, છાયા અને આતપ જેવો વિરોધ નથી, પરંતુ પાણી અને અગ્નિના જેવો વિરોધ છે. આથી જ કષાય વિદ્યમાન હોવા છતાં છદ્મસ્થને ચારિત્ર કઇ રીતે રહી શકે છે, એ વાત પણ યુક્તિપૂર્વક બતાવેલ છે.