________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા = ૧૭૩
ભાવાર્થ :- સિદ્ધાંતકા૨ને એ કહેવું છે કે, પૂર્વપક્ષીએ પ્રથમ સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માન્યું, અને જે સ્થાનમાં સિદ્ધત્વજ્ઞાન હોય છે તે જ સ્થાનમાં ફરી ઇચ્છા થાય છે તેની સંગતિ કરવા માટે, ફરી તે સુખ ભોગવવાના કારણીભૂત એવા અદૃષ્ટવિશેષને ઉત્તેજકરૂપે સ્વીકાર્યું. તેને ગ્રંથકાર કહે છે કે, એમ માનવા કરતાં પૂર્વપક્ષીને ઉત્તેજકરૂપે અભિમત એવું અદૃષ્ટવિશેષ છે તેને જ ઇચ્છા પ્રતિ કારણ માનવું, અને તે અદૃષ્ટના ક્ષયને જ સામાન્ય ઇચ્છાના વિચ્છેદનું કારણ માનવું ઉચિત છે. કેમ કે પ્રથમ પ્રતિબંધકની કલ્પના કરવી અને પછી ઉત્તેજકની કલ્પના કરવી, તેના કરતાં સુખજનક એવું જે ચારિત્રમોહનીયકર્મરૂપ અદૃષ્ટ તે જ સંસારના સુખોની ઇચ્છા પેદા કરે છે, અને જે લોકોને તે ચારિત્રમોહનીયરૂપ અદષ્ટ નથી તે લોકોને સુખની સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થાય છે, માનવું એ જ ઉચિત છે.
તેમ
વળી ‘વસ્તુત: 'થી એ કહેવું છે કે, અંતરંગ ચારિત્રમોહનીયરૂપ અદષ્ટ બધાને સ્વાભાવિક રીતે નાશ થતું નથી, પરંતુ પ્રયત્નથી નાશ થાય છે. અને તે નાશ કયા પ્રકારના પ્રયત્નથી થાય તે બતાવતાં ‘વસ્તુતઃ'થી કહે છે કે, વિશેષદર્શી જીવોને સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થતો નથી, અને સમતાની ભૂમિકાની પૂર્વના જીવો બાહ્યપદાર્થમાં હંમેશાં વિશેષને જોનારા હોય છે, તેથી જ ગમે તેટલાં ભૌતિકસુખો તેમને સિદ્ધ થવા છતાં સુખની સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ તેમને થઇ શકે નહિ, પરંતુ અન્ય અન્ય સુખની ઇચ્છા તેમને થયા જ કરશે. આમ છતાં, જ્યારે શાસ્ત્રનાં વચનોથી કે ઉપદેશ આદિથી તેઓને જ્ઞાન થાય છે કે, આ સંસારનું સુખ સંસારના પરિભ્રમણરૂપ દુઃખના અનુબંધવાળું છે, ત્યારે તે સુખમાં સંસારના પરિભ્રમણરૂપ દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થવાથી તે સુખો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે, અને તે દ્વેષને કારણે સંસારના સુખમાત્રની ઇચ્છાનો વિચ્છેદ થઇ શકે છે. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, આથી કરીને જ કહ્યું છે કે- કામ કામના ઉપભોગથી શાંત થતો નથી. અર્થાત્ જો કામ કામના ઉપભોગથી શાંત થતો હોય તો એમ સ્વીકારી શકાય કે, સુખોમાં સિદ્ધત્વજ્ઞાન થાય છે તેથી સુખની ઇચ્છાનો વિચ્છેદ થાય છે; પરંતુ કામ કામના ઉપભોગથી શાંત થતો નથી એમ કહ્યું છે, એ જ બતાવે છે કે, ઇચ્છાના વિચ્છેદ પ્રત્યે સિદ્ધત્વજ્ઞાન કારણ નથી, પરંતુ અન્ય કોઇ કારણ છે; અને તે સંસારના સુખમાં દુઃખાનુબંધિત્વના જ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલો દ્વેષ છે.
૮૯૦
ટીકાર્ય :- ‘અત વ’ - આથી કરીને જ=સાંસારિક સુખમાં દુઃખાનુબંધિત્વના જ્ઞાનને કારણે દ્વેષકૃત જ ઇચ્છાનો વિચ્છેદ છે આથી કરીને જ, સંસારસુખમાત્રમાં જ દ્વેષ પેદા થયે છતે વિરક્તને વિશેષ ઇચ્છા પણ વિચ્છેદ થાય છે.
ભાવાર્થ :- જે વ્યક્તિને સંસારનાં સુખોમાં દ્વેષ થાય છે ત્યારે જે સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થાય છે તે વખતે પણ કોઇક વિશેષ ઇચ્છા હોઇ શકે છે. જેમ વિવેકીને સંસારનાં બધાં સુખો દુઃખફલક છે તેવું જ્ઞાન થવાથી મુખ્યરૂપે સંસારના સુખના સંચયમાં પ્રયત્ન બંધ થાય છે, તો પણ પોતાના દેહની સ્થિતિનિબંધન આવશ્યક જરૂરિયાતથી પ્રાપ્ત એવાં વિશેષસુખો માટેનો યત્ન પ્રવર્તતો હોય છે. પરંતુ જે વ્યક્તિ તત્ત્વનું અવલોકન કરીને અત્યંત વિરક્ત બને છે તે વ્યક્તિને સંસારના સુખમાત્રમાં જ દ્વેષ પેદા થાય છે, તેથી વિશેષ ઇચ્છા પણ ચાલી જાય છે. તેથી મુનિ જે દેહનિર્વાહની પ્રવૃત્તિ કરે છે તે ફક્ત સંયમ અર્થક હોય છે.