________________
૮૭૯
ગાથા : ૧૯૩
ભાવાર્થ :- ‘અથ’થી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, કોઇ વ્યક્તિ કામનો ઉપભોગ કરે ત્યારે તેને સિદ્ધત્વજ્ઞાન થાય છે. આમ છતાં, ફરી તે જ વસ્તુને ભોગવવાની ઇચ્છા તેને થાય છે તેનું કારણ તે વસ્તુવિષયક સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ હજુ તેને થયો નથી. પરંતુ પોતાની રુચિ પ્રમાણે ૫-૨૫ વખત તે પ્રકારના ભોગોને ભોગવી લે ત્યારે, તે ભોગો મને સિદ્ધ થયા છે એ પ્રકારનું જ્ઞાન થવાથી તે ભોગવિષયક સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થાય છે. તેથી ફરીથી એ પ્રકારના ભોગની ઇચ્છા તે વ્યક્તિને થતી નથી. તેથી જે વ્યક્તિ આ રીતે સંસારનાં સુખોને ભોગવીને સામાન્યથી ઇચ્છાના વિચ્છેદવાળી થાય છે, તે વ્યક્તિ સંયમમાં નિરાબાધ પ્રવૃત્તિ કરી શકે છે. માટે તમે—સિદ્ધાંતકારે, કહ્યું કે ભોગોને ભોગવવાથી ઇચ્છાની અભિવૃદ્ધિ થાય છે તેવું નથી. આ પ્રકારના પૂર્વપક્ષીના આશયનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે–
અધ્યાત્મમતપરીક્ષા
કોઇ વ્યક્તિને એક વસ્તુમાં સિદ્ધત્વજ્ઞાન થયું હોય તે જ વસ્તુમાં ફરી ઇચ્છા થાય છે, એ એક અધિકરણવિષયક હોવાથી સામાનાધિકરણ્યથી છે. જેમ પરદેશમાં ગયેલ પુરુષને પોતાની કાંતારૂપ=પત્નીરૂપ, અધિકરણમાં કાંતાના અવલોકનનું જ્ઞાન અનેક વખત થયેલું હોવાથી કાંતાનું અવલોકન સિદ્ધ છે એ પ્રકારનું જ્ઞાન થાય છે, અને તે જ કાંતારૂપ અધિકરણમાં ફરી તેને જોવાની ઇચ્છા થાય છે. તેથી કોઇ પણ વસ્તુને અનેકવાર ભોગવવા છતાં સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થઇ જાય છે તેમ કહેવું એ ઉચિત નથી, પરંતુ તે વિષયોથી દૂર રહીને વૈરાગ્યનું ભાવન કરવું એ જ ખરેખર સંયમમાર્ગમાં જવાનો ઉપાય છે.
અહીં પ્રોષિતના વિશેષણરૂપે ‘અજ્ઞાતકાંતામરણ’ એટલા માટે કહેલ છે કે, પરદેશમાં ગયેલ વ્યક્તિએ પૂર્વે પોતાની કાંતાને અનેકવાર જોયેલ છે, આમ છતાં, પરદેશ ગયા પછી ઘણાં વર્ષોના વિરહને કારણે ફરી કાંતાનું સ્મરણ પ્રોષિતને થાય છે, પરંતુ પોતાની કાંતા મૃત્યુ પામી છે એ પ્રકારના કોઇ પાસેથી સમાચાર મળ્યા હોય તો કાંતાના અવલોકનની ઇચ્છા થતી નથી. અને તેવા સમાચાર ન મળ્યા હોય તો પોતાની કાંતા જીવતી હશે તેવી સંભાવનાની બુદ્ધિ તેને હોય છે, અને ક્વચિત્ પોતાની કાંતા જીવતી પણ હોય કે મરી પણ ગયેલ હોય તો પણ, પોતાની કાંતા જીવતી હશે તેવી સંભાવનાની બુદ્ધિથી પ્રોષિતને કાંતાના અવલોકનની ઇચ્છા થાય છે.
ઉત્થાન :- આ રીતે સિદ્ધાંતકારે કહ્યું કે, એક જ અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન થવા છતાં તે જ અધિકરણમાં ફરી ઇચ્છા થાય છે, માટે સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાના વિચ્છેદનો સંભવ છે એમ કહેવું ઉચિત નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે, કોઇ વ્યક્તિને પોતાની ધારણા પ્રમાણે સંસારમાં સ્રી આદિનો ભોગવટો, ધનાદિનું અર્જન, માન-ખ્યાતિ વગેરે મેળવીને પછી તેને થાય કે સંસારનાં આ બધાં સુખો મેં ભોગવી લીધાં છે, હવે સંસારમાં કોઇ નવા ભોગો અનુભવવા જેવા નથી, માટે હવે હું આત્મસાધના કરું તેવો અનુભવ થાય છે. તેને સામે રાખીને પૂર્વપક્ષી કહે છે કે, ભોગ્યત્વરૂપ સામાન્યધર્માવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાન જ્યારે જીવને થાય, ત્યારે ફરી તેને ભોગ ભોગવવાની ઇચ્છા થતી નથી, તેથી સંયમમાં નિરાકુળ પ્રવૃત્તિ તેવી વ્યક્તિ કરી શકશે. તેને ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- ‘સામાન્ય' - સામાન્યધર્માવચ્છેદેન સિદ્ધત્વબુદ્ધિ વળી યાવદ્ આશ્રયવિષયક સિદ્ધત્વબુદ્ધિ વગર વિશેષદર્શીને સંભવતી નથી.