________________
૮૦
આત્મપ્રબોધ
પણ નિરુપમ મનુષ્યનાં સુખો ભોગવીને ચારિત્રનું આરાધન કરીને મુક્તિનો ભાગી થયા. આ પ્રબંધ વિસ્તારથી તો બીજા ગ્રંથોમાંથી જાણી લેવો. આ પ્રમાણે પ્રવચનની ભક્તિનું મહાન ફળ જાણીને ભવ્ય જીવોએ નિત્ય પ્રવચનની ભક્તિમાં પ્રયત્ન કરવો જોઈએ. આ પાંચ સમ્યકત્વને ઉજ્વળ કરનારા ગુણો ભૂષણો તરીકે જણાવાયા. આ ગુણોથી સમ્યકત્વ શોભાવાય છે.
લક્ષણ-૫ હવે પાંચ લક્ષણ કહેવામાં આવે છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ સમ્યકત્વનાં લક્ષણો છે.
(૧) ઉપશમ- તેમાં ઉપશમ એટલે મહા અપરાધ કરનારા ઉપર પણ સર્વથા કોપનો ત્યાગ કરવો. તે કોઈક જીવને કષાય પરિણતિના કટુફળને જોવાથી થાય છે. કોઈને સ્વભાવથી જ થાય છે. આ પોતાનામાં સમ્યકત્વ રહેલું છે એ જણાવનાર હોવાથી વિવેકીઓએ યતથી ધારણ કરવું જોઈએ. વળી બીજું- ક્રોધના ઉદયથી નાશ પામેલું પણ કાર્ય ઉપશમથી જ ફરી થઈ શકે છે. ઉપશમ વિના થઈ શકતું નથી. કહ્યું છે કે
कोहेण य हारवियं, उप्पजंतं च केवलं नाणं ।
दमसारेण य रिसिणा, उवसमजुत्तेण पुणो लद्धं ॥ १॥ અર્થ- દસાર ઋષિ ઉત્પન્ન થતા કેવળજ્ઞાનને ક્રોધથી હારી ગયા અને ફરી ઉપશમથી પ્રાપ્ત કર્યું. આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. ભાવાર્થ તો દસાર ઋષિના કથાનકથી જાણવો. તે કથાનક આ
પ્રમાણે છે
દમસાર ઋષિનું કથાનક આ જંબૂઢીપમાં ભરતક્ષેત્રમાં કૃતાંગલા નામની નગરી હતી. ત્યાં સિંહરથ રાજા હતો. તેની સુનંદા નામની પટ્ટરાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો દમસાર નામનો પુત્ર હતો. તે બાળપણમાં જ બહોંતેર કળામાં નિપુણ હતો. હૃદયને આનંદ ઉત્પન્ન કરનારો તે માતા-પિતાને અત્યંત ઈષ્ટ હતો. પિતાએ તેને યૌવન વયમાં વિશિષ્ટ રાજકન્યાઓની સાથે લગ્ન કરાવી યુવરાજ પદે સ્થાપ્યો. સુખેથી કાળ પસાર કર્યો. એક વખત તે નગરના નજીકના પ્રદેશમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. દેવોએ સમવસરણ બનાવ્યું. પર્ષદા મળી. ત્યારે સિંહરથ રાજા પણ પુત્ર-પરિવાર સાથે મોટી ઋદ્ધિથી વંદન માટે આવ્યો. છત્ર-ચામર આદિ રાજચિહ્નો દૂર મૂકીને પરમેશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપીને પરમ ભક્તિથી વંદન કરીને ઉચિત સ્થાને બેઠો. સ્વામીએ નર અને દેવવાળી તે પર્ષદામાં ધર્મનો ઉપદેશ આપ્યો. પર્ષદા ચાલી ગયા પછી દસારકુમારે ભગવાનને નમસ્કાર કરીને વિનયથી આ પ્રમાણે કહ્યું હે સ્વામી ! આપે કહેલો સર્વ વિરતિ ધર્મ મને ગમ્યો છે. આથી હું આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ. પરંતુ માતા-પિતાને પૂછીને આવું. ત્યારે સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ (=અટકાવ) ન કર.