________________
આત્મપ્રબોધ
ધર્મશુદ્ધિનો પ્રશ્ન કરી સંભાળ લીધી તે યોગ્ય જ છે. કારણ કે આ પ્રમાણે મેં એને ચલાયમાન કરી છતાં આ મનથી પણ ચલાયમાન ન થઈ.” આ પ્રમાણે વિચારીને તે પ્રપંચને સંહારીને પોતાના મૂળરૂપથી તે સુલતાના ઘરમાં પ્રવેશ્યો.
ત્યાર પછી તેને આવતા જોઈને સુલસા પણ સાધર્મિક ભક્તિ માટે તરત જ ઊભી થઈને તેની સન્મુખ જઈને “હે ત્રણ જગતના સ્વામી વીરપ્રભુના ઉપાસક ! તારું સ્વાગત (થાઓ. તારું સ્વાથ્ય તો સારું) છે ને ? આ પ્રમાણે પ્રશ્ન કરવાપૂર્વક તેના પગનું પ્રક્ષાલન કરાવીને તેને પોતાના ગૃહમંદિરમાં ચૈત્યવંદન કરાવ્યું. અંબડે પણ આદરવાળા થઈને વિધિપૂર્વક ચૈત્યવંદન કરીને તેણીને કહ્યું: હે મહાસતિ ! આ ભરતક્ષેત્રમાં તું જ એક પુણ્યવાળી છો. કારણ કે તારા માટે શ્રી વીર સ્વામીએ સ્વયં મારા મોઢે ધર્મશુદ્ધિનો પ્રશ્ન કરેલો છે. અર્થાત્ મારા મોંઢે સ્વયં વીરપ્રભુએ તારી ધર્મશુદ્ધિ પૂછી છે. આ સાંભળીને અતિશય આનંદવાળી થયેલી તેણીએ ભગવાનના વિચરવાની દિશા સન્મુખ થઈને મસ્તકે અંજલિ કરીને શ્રી વીર પ્રભુને જ હૃદયમાં કરીને પ્રશસ્ત વાણીથી વિરપ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી અંબડે વિશેષથી તેના આશયને જાણવા માટે ફરી તેણીને કહ્યું: અહીં આવતાંની સાથે જ મેં લોકોના મુખથી આ નગરમાં બ્રહ્મા વગેરેના આગમનની વાત સાંભળી. ત્યાં તેઓને વંદન કરવા માટે તું ગઈ હતી કે નહીં ? ત્યારે તેણીએ કહ્યું: હે ધર્મજ્ઞ ! જેઓ શ્રી જિનધર્મમાં અનુરાગવાળા છે તે પુરુષો સકલ રાગદ્વેષ રૂપ શત્રુને જીતનારા, સંપૂર્ણ ભવ્યજનો ઉપર ઉપકાર કરનારા, સર્વજ્ઞ, સર્વ અતિશયથી યુક્ત, પોતાના તેજથી સૂર્યને જીતનારા, દેવાધિદેવ શ્રીમાન્ મહાવીર સ્વામીને છોડીને અન્ય રાગ-દ્વેષ-મોહથી પરાભવ પામેલા, આથી જ નિરંતર સ્ત્રી સેવામાં નિરત, શત્રુનો વધ-બંધન આદિ ક્રિયામાં તત્પર, આત્મધર્મને નહીં જાણનારા, આગિયા સમાન બ્રહ્મા વગેરે દેવોને જોવા માટે કેવી રીતે ઉત્સાહવાળા થાય? જેમકે- જે પુરુષે પરમ આહ્વાદ ઉત્પન્ન કરનારું પીયૂષપાન કર્યું હોય તેને ખારું પાણી પીવાની ઈચ્છા કેવી રીતે થાય ? વળી જેણે ઘણા પ્રકારના મણિ-રત આદિનો વ્યવસાય કર્યો હોય તે માણસ કાચના ટુકડા આદિનો વ્યાપાર કરવા માટે કેવી રીતે ઈચ્છે? આથી તું જિનોક્તભાવોને જાણતો હોવા છતાં શ્રી વીર જિને ઉપદેશેલા સદ્ધર્મમાં રત મને આમ કેમ પૂછે છે ?
હવે અંબડે પણ આ પ્રમાણે ધર્મમાં અતિ સ્થિર સુલસાના વાક્યને સાંભળીને તેણીની અતિશય પ્રશંસા કરીને પોતે કરેલા બ્રહ્મા વગેરેના રૂપના નિર્માણનો પ્રપંચ તેની આગળ જણાવીને મિથ્યાદુષ્કૃત આપીને પોતાની ઈચ્છા પ્રમાણે બીજે ગયો. તે અંબડના શ્રીવીરસ્વામીની પાસે બારવ્રતોને ધારણ કરનારા સાતસો શિષ્યો હતા. તેઓ એક વખત કાંપિલ્ય નગરથી પુરિમતાલ નગર જતાં માર્ગમાં તૃષાથી વ્યાકુળ થયા. વ્યાકુળ થયેલા તેઓ ગંગા મહાનદી આગળ પહોંચ્યા. ત્યાં પાણીને આપનારા બીજા કોઈ માણસને નહીં જોતાં અને સ્વયં અદત્તાદાન વિરમણ વ્રતને ગ્રહણ કર્યું છે એવા તેઓએ એકબીજાને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયો ! આપણા સાતસોમાંથી કોઈ એક પોતાના વ્રતનો ભંગ કરીને જો જલપાન કરાવે તો બાકીના બધાનું પણ વિતરક્ષણ થાય. પરંતુ