________________
૩૮
આ પ્રમાણે અંગપૂજા રૂપ ભક્તિ પૂર્ણ થઈ. હવે બીજી અગ્રપૂજા રૂપ ભક્તિ કહેવાય છે
આત્મપ્રબોધ
તે અગ્રપૂજા નૈવેદ્ય, ફળ, અક્ષત, દીપક વગેરેથી થાય છે. તેમાં નૈવેદ્ય એટલે શ્રેષ્ઠ ખાજા, મોદક વગેરે ભક્ષ્ય વસ્તુ જાણવી. ફળ એટલે નાળિયેર, બિજોરું વગેરે ફળો જાણવાં. અક્ષત એટલે પોતાને ભોગ્ય એવા ધાન્યથી વિશિષ્ટ પ્રકારના અખંડ, ઉજ્જવળ શાલિ વગેરે ધાન્ય જાણવાં. તે નૈવેદ્ય, ફળ, અક્ષત શ્રી જિનેશ્વરની આગળ ધરવા. તથા ભગવાનની આગળ શ્રેષ્ઠ યતનાપૂર્વક ઉત્તમ ઘીવાળો દીપક કરવો. પરંતુ વિવેકી ગૃહસ્થે તે દીપકથી પોતાના ઘરનું કાર્ય ન કરવું. જો કોઈ પણ કરે તો દેવસેનની માતાની જેમ તિર્યંચ યોનિ વગેરે મહાન દુઃખનું ભાજન થાય. કહ્યું છે કે
दीपं विधाय देवानामग्रतः पुनरेव हि गृहकार्यं न कर्त्तव्यं, कृते तिर्यग्भवं भजेत् ॥ १ ॥ અર્થ- દેવની આગળ દીપક કરીને પછી તે દીપકથી ઘરનું કાર્ય ન કરવું જોઈએ. જો કરે તો તિર્યંચ ભવને પ્રાપ્ત કરે.
દેવસેનની માતાનું દૃષ્ટાંત
ઇંદ્રપુ૨માં અજિતસેન નામનો રાજા હતો. દેવસેન નામનો શ્રેષ્ઠી હતો. તે પરમ શ્રદ્ધાવાળો હતો. સદા ધર્મકાર્યને કરતો સુખથી કાળ પસાર કરે છે. હવે તે જ નગરમાં ધનસેન નામનો એક ઊંટવાહક રહે છે. તેના ઘરેથી એક ઊંટડી દેવસેનના ઘરમાં દરરોજ આવે છે. ઊંટડીનો માલિક ધનસેન લાકડી વગેરેથી મારવા છતાં પણ તે ઊંટડી પોતાના ઘરમાં રહેતી નથી. તે જોઈ દયાર્દ્ર ચિત્તવાળો દેવસેન તે ઊંટડીને મૂલ્યથી ખરીદી પોતાના ઘરમાં રાખે છે. એકવાર ત્યાં ધર્મઘોષ આચાર્ય આવ્યા. ત્યારે ઘણા ભવ્યજીવો ગુરુવંદન માટે ગયા. શ્રેષ્ઠી દેવસેન પણ ત્યાં ગયો. ત્યારપછી ગુરુએ ધર્મનો ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે- સર્વ સુખનું મુખ્ય કારણ હોવાથી ધર્મ જગતનો સાર છે અને ધર્મની ઉત્પત્તિ મનુષ્યથી થાય છે. તેથી જ મનુષ્યપણું સાર છે. હજી સુરાજ્યની પ્રાપ્તિ થાય, રમ્ય એવા શ્રેષ્ઠ નગરોની પ્રાપ્તિ થાય, પરંતુ સર્વશે કહેલો વિશુદ્ધ મહાધર્મ પ્રાપ્ત થતો નથી. ધર્મ કાર્યથી કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી, પ્રાણીની હિંસાથી કોઈ અધિક અકાર્ય નથી. પ્રેમરાગથી અધિક કોઈ બંધ નથી, બોધિલાભથી અધિક કોઈ લાભ નથી. તેથી હે ભવ્યો ! પ્રમાદને છોડીને શ્રીજિનધર્મમાં રતિ કરો. જેથી તમારા સર્વ અર્થો સિદ્ધ થાય. હવે ઉપદેશના અંતે દેવસેન શ્રેષ્ઠીએ ગુરુને પૂછ્યું: હે સ્વામી ! મારે એક ઊંટડી છે. તે મારા ઘર વિના ક્યાંય પણ રહેતી નથી. તેમાં કારણ શું છે ? આચાર્યે કહ્યું: આ ઊંટડી પૂર્વભવમાં તારી માતા હતી. કોઈ વખત એણે શ્રી જિનેશ્વર આગળ દીપક કરીને તે દીપકથી પોતાના ઘરના કાર્યો કર્યાં. તથા ધૂપના અંગારાથી ચૂલાને પેટાવ્યો. પછી કેટલાક કાળે અહીંથી મરીને નહીં આલોચેલા તે કર્મના કારણે આ ઊંટડી થઈ. પૂર્વભવના સ્નેહથી તે તારા ઘરને મૂકતી નથી. આ સાંભળીને શ્રેષ્ઠી વગેરે બધા લોકો દેવસંબંધી વસ્તુના ઉપભોગનું આવા પ્રકારનું ફળ જાણીને તેનો ત્યાગ કરવામાં પ્રયતવાળા થયા. ત્યારપછી ગુરુને નમીને તેઓ પોત-પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે પ્રદીપના અધિકારમાં દેવસેનની માતાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ દૃષ્ટાંતને સાંભળીને સંસારના ભીરુ એવા ભવ્ય જીવોએ દેવદીપક વગેરેથી પોતાનું કાર્ય ન કરવું જોઈએ.