________________
૪
તેમાં પહેલાં પ્રકાશમાં અભવ્ય, દૂરભવ્ય, જાતિભવ્ય, આસન્નભવ્યજીવો, આત્મબોધનો મહિમા, સમ્યક્ત્વની ઉત્પત્તિ, દૃષ્ટાંતો સહિત સમ્યક્ત્વના ૬૭ ભેદોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. સમ્યક્ત્વના ૬૭ ભેદોના વર્ણનમાં શાશ્વત ચૈત્યો, ગૃહમંદિરમાં કેવી પ્રતિમા પૂજી શકાય. ભક્તિના ત્રણ પ્રકાર, અષ્ટપ્રકારી પૂજા વગેરેનું વિસ્તૃત વર્ણન ક૨વામાં આવ્યું છે.
બીજા પ્રકાશમાં શ્રાવકના ૨૧ ગુણો, દૃષ્ટાંતો સહિત બાર વ્રતો, દાન, અભવ્ય કુલક, મહાવીર પ્રભુના દશ શ્રાવકો, રાત્રિભોજનથી થતા અનર્થો, શ્રાવક ક્યાં રહે ? શ્રાવકના અહોરાત્રના કાર્યો, ધર્મ જાગરિકા, છ આવશ્યક, દ્રવ્યસ્તવ વગેરેનું વિશદ વર્ણન કર્યું છે.
ત્રીજા પ્રકાશમાં દીક્ષા માટે યોગ્ય-અયોગ્યનું વર્ણન, દશ પ્રકારનો યતિ ધર્મ, બાર પ્રકારનો તપ, અનિત્યાદિ બાર ભાવના, સાધુની ૧૨ પ્રતિમા, સાધુના અહોરાત્રના અનુષ્ઠાનો વગેરેનું તલસ્પર્શી વર્ણન કર્યું છે.
ચોથા પ્રકારમાં પરમાત્માના બે પ્રકાર, નામાદિ ચાર પ્રકારના જિન, પૂજામાં હિંસાનો અભાવ, વિવિધ શાસ્ત્રપાઠોથી પૂજાનું સમર્થન, ભવસ્થ કેવલીના આહારની વિચારણા, સિદ્ધોનું સ્વરૂપ, સંસ્થાન, અવગાહના, લક્ષણ, નિરુપમસુખ, ૩૧ ગુણો, કર્મક્ષયથી પ્રગટતા આઠ ગુણો વગેરે રીતે સિદ્ધોનું વર્ણન, આત્મબોધની દુર્લભતા વગેરેનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે.
આમ આ ગ્રંથ સાધુ-શ્રાવક એ બંને માટે અતિશય ઉપયોગી છે, વ્યાખ્યાનમાં વાંચવા લાયક છે. આ ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર પૂર્વે જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં એ ગ્રંથ અપ્રાપ્ય હોવાથી અને અનુવાદ અશુદ્ધિઓથી યુક્ત જણાવાથી આ ગ્રંથનો નવેસર અનુવાદ-ભાવાનુવાદ મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ કર્યો છે. આ ભાવાનુવાદ ચતુર્વિધ સંઘમાં ઘણો ઉપયોગી બની રહેશે એમ નિઃશંક કહી શકાય. અઢાર વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા મુનિશ્રીએ પોતાના ગુરુવર્યોની સેવા-ભક્તિ ક૨વા સાથે જ્ઞાનમાં સારો વિકાસ સાધ્યો છે. બાહ્ય તપમાં નિત્ય એકાસણા સાથે વર્ધમાનતપની ૭૦ ઓળી પૂર્ણ કરી છે. આમ બાહ્ય-અત્યંતર તપની સાધના કરનારા મુનિશ્રી ભવિષ્યમાં આવા અનેક ગ્રંથોનું અનુવાદન-સંપાદન કરનારા બને એ જ એક અભ્યર્થના.
વિ.સં. ૨૦૫૯, મ. સુ. ૧૩ વાપી જી. આઈ. ડી. સી.
ચણોદ-કોલોની
આચાર્ય રાજશેખરસૂરિ