________________
૩૦૬
આત્મપ્રબોધ
ક્ષુલ્લકે તપસ્વીને કહ્યું: હે મહર્ષિ ! હમણાં તે દેડકીની આલોચના કરો. તેથી પૂર્વ કરતાં અધિક ક્રોધરૂપ અગ્નિ સળગવાથી તે તપસ્વીએ કહ્યુંઃ રે રે ! દુષ્ટ ! તે ખોટા આગ્રહને હજી પણ તું મુકતો નથી. આ પ્રમાણે બોલતા તે ઘણા ક્રોધને આધીન બનીને 'ખેલમલ્લક લઇને ક્ષુલ્લક તરફ દોડ્યા. વચ્ચે થાંભલા સાથે અથડાયા, અને મર્મ પ્રદેશમાં હણાયા. તેથી કૃશ તપસ્વીનો પ્રાણોએ ત્યાગ કર્યો. તેથી જંગલમાં કોઇક સ્થળે જેમણે પૂર્વભવમાં સાધુપણાની વિરાધના કરી છે તેવા અને `દૃષ્ટિવિષથી યુક્ત એવા સર્પોને કુળમાં ઉત્પન્ન થયા. એ સર્પોને જાતિસ્મરણ જ્ઞાન હોય. આથી તે સર્વ આ પ્રમાણે વિચારે છે કે દૃષ્ટિવિષથી જીવોનો ઘાત ન થાઓ. આથી એ બધા સર્પો રાતે પરિભ્રમણ કરે છે અને અચિત્ત આહાર કરે છે. આ તરફ વસંતપુર નગરમાં અરિદમન રાજાના પુત્રને સર્પ કરડ્યો અને પુત્ર મરી ગયો. તેથી ગુસ્સે થયેલો રાજા કદાગ્રહી બનીને સઘળાય સર્પોને પોતે મારે છે અને બીજાઓ દ્વારા મરાવે છે. જે માણસ સર્પને મારીને તેનું અંગ રાજાને બતાવે તેને રાજા એક સોનામહોર આપે છે. એકવાર પરિભ્રમણ કરતો એક ગારુડિક તે (=જાતિસ્મરણવાળા) સર્પોની રેખાઓને (=ધૂળમાં પડેલા લીસોટાઓને) જુએ છે. તેથી વિચાર્યું કે ચોક્કસ અહીં કોઇક સર્પો રાતે ફરે છે. તેના અનુસારે બિલના દ્વારોને જોવા લાગ્યો. બિલોમાં ઔષધિઓ નાખે છે. તેના પ્રભાવથી સર્પો બિલમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતા તે સર્પોના મસ્તકને છેદી નાખે છે. તપસ્વી સાપ મારાથી જોવાયેલા કોઇ મૃત્યુ ન પામો એવી મહાન ધર્મબુદ્ધિથી નીચું મુખ રાખીને રહેલો તે પૂછથી બહાર નીકળે છે. જેમ જેમ સર્પ બહાર નીકળે છે તેમ તેમ ગારુડિક તેના શરીરને છેદી નાખે છે. તેથી ઘણું દુ:ખ ઉત્પન્ન થતાં પરમ સંવેગને પામેલો સર્પ વિચારે છે કે, હે જીવ ! પૂર્વે તેં જે દુષ્કર તપકર્મ કર્યું તે તપકર્મ જો સમતારૂપ અલંકારથી અલંકૃત હોત તો તું પણ મોક્ષ સુખને પામત. જે આ દુઃખ છે તે કેવળ કોપનું ફળ છે એમ જાણીને આજે પણ હમણાં પણ સર્વધર્મના સારભૂત તે જ ઉપશમને કર. અન્યથા નરકાદિ કઠોર દુ:ખવાળા ભયંકર સંસારમાં ભમીશ. અનાદિ સંસારમાં પરાધીન તેં અનંત દુઃખો પ્રાપ્ત કર્યા છે. તે દુઃખોની અપેક્ષાએ અહીં આ છેદન દુઃખ કેટલું માત્ર છે ? જેવી રીતે અનંત પૂર્વમુનિઓએ પ્રશમના કારણે અનંત સુખ પ્રાપ્ત કર્યું છે તે રીતે તું માત્ર ક્ષણવાર દુ:ખ સહન કરીને આગળ અનંત સુખને પામીશ. આ પ્રમાણે ભાવના ભાવતો તે સર્પ પણ ગારુડિક વડે હણાયો. તેણે બધાય સર્પો રાજાને બતાવીને ઉચિત ધન મેળવ્યું.
૧. ખેલમલ્લક=કફ નાખવાનું કોડિયું.
૨. દૃષ્ટિમાં (=આંખમાં) રહેલું વિષ તે દૃષ્ટિવિષ.