________________
પરિશિષ્ટ
૨૯૭ ધન્યમુનિ (ધના કાકંદી) નું દૃષ્ટાંત કાકંદીપુરીમાં ધના નામે એક સાર્થવાહ રહેતો હતો. તેને ધન્ય નામે પુત્ર હતો. તે ભોગને સમર્થ એવી યુવાવસ્થાને પામ્યો, ત્યારે તેની માતા ભદ્રાએ બત્રીશપ્રાસાદ કરાવીને બત્રીશ શ્રેષ્ઠીની કન્યાઓ સાથે એક જ દિવસે તેને પરણાવ્યો. ધન્ય તે સ્ત્રીઓ સાથે દોગંદકદેવની જેમ સુખ ભોગવવા લાગ્યો. તે સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતાં તેણે કેટલાક વર્ષો વ્યતીત કર્યા. એકદા ચોવીશ અતિશયોથી વિરાજમાન શ્રી મહાવીસ્વામી તે પુરીમાં સમવસર્યા. તે વખતે ધન્યપણ ભગવાનના દર્શનમાં ઉત્કંઠિત થઈને પગલે ચાલતો પ્રભુ સમીપે ગયો, અને વિશ્વબંધુ પ્રભુને વાંદીને તેમની પાસે ભવના ક્લેશનો નાશ કરનારી દેશના સાંભળી. ત્રિકાળજ્ઞાની પ્રભુની દેશના મનમાં વિચારતાં ધન્ય વૈરાગ્ય પામ્યો; એટલે તેણે તેની માતા પાસે જઈને કહ્યું કે- “હે માતા ! ભગવાનની દેશના સાંભળીને મને વિષયોમાં ઉગ થયો છે, માટે તમારી આજ્ઞાથી હું દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળીને માતાએ મુનિનાં વ્રત પાલન કરવામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવા તથા રસ વિનાના વિરસ આહાર કરવા ઇત્યાદિ અનેક પ્રકારનાં અતિ દુઃખ છે એમ જણાવ્યું, તોપણ તે ધન્ય વિષ્ટાની જેમ વિષયભોગની ઇચ્છા કરી નહીં, ત્યારે ભદ્રાએ ખુશીથી તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો. ભગવાને પોતે જ તેને દીક્ષા આપી. તે જ દિવસે ધન્યમુનિએ સ્વામી પાસે અભિગ્રહ કર્યો કે, “હે ભગવન્આપની આજ્ઞાથી હું નિરંતર છઠ્ઠ તપ કરીશ, અને પારણામાં ગૃહસ્થ તજી દીધેલી ભિક્ષાથી આયંબિલ કરીશ.” ભગવાન બોલ્યા કે, “હે ધન્ય ! જેમ સુખ ઊપજે તેમ તપધર્મમાં પ્રવૃત્તિ કર.” એવી જિનેશ્વરની આજ્ઞાથી હૃષ્ટતુષ્ટ થઈને ધન્ય મુનિ તપસ્યામાં પ્રવર્યા.
- પહેલા છઠ્ઠના પારણાને દિવસે પહેલી પોરસીમાં તેમણે સ્વાધ્યાય કર્યો, બીજી પોરસીમાં ધ્યાન કર્યું, અને ત્રીજી પોરસીમાં જિનેશ્વરની આજ્ઞા લઈને ભિક્ષા માટે અટન કરી આયંબિલને માટે અન્ન ગ્રહણ કર્યું. બીજી કાંઈ ઇચ્છા કરી નહીં. તે જ પ્રમાણે દરેક પારણાને દિવસે ભિક્ષાટન કરતાં કોઈ વખત અન્ન મળે, કોઈ વખત માત્ર જળ મળે, તો પણ તે ખેદ કરતા નહીં. જો કોઈ પણ દિવસે ભિક્ષા મળે તો તે પ્રભુને બતાવવા, અને પછી પ્રભુની આજ્ઞાથી માત્ર દેહને ધારણ કરવા માટે જ આહાર કરતા. એ પ્રમાણે તપ કરતાં તે મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયું. માંસ રહિત અને માત્ર સૂકાં હાડકાંથી ભરેલું તેમનું શરીર કોયલાના ગાડાની જેમ રસ્તામાં ચાલતી વખતે ખડ ખડ’ શબ્દ કરતું હતું.
એકદા વિહાર કરતાં ભગવાન રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે શ્રેણિક રાજા ત્યાં આવ્યા. સ્વામીને વાંચીને દેશના સાંભળી, પછી તેમણે પૂછયું કે “હે ભગવન્! આ સઘળા મુનિઓમાં કયા મુનિ દુષ્કરકારક છે ?” પ્રભુ બોલ્યા