________________
૨૫૬
આત્મપ્રબોધ
જિનનું નામ તે નામજિન, જિનની પ્રતિમા તે સ્થાપનાજિન, જિનનો જીવ તે દ્રવ્યજિન, સમવસરણમાં રહેલા જિન તે ભાવજિન. - તેમાં જિનોનાં ઋષભ-અજિત-સંભવ વગેરે જે નામો છે તે નામજિનો કહેવાય છે. અને તેઓ સાક્ષાત્ જિનગુણથી રહિત હોવા છતાં પણ પરમાત્મગુણ સ્મરણ આદિનું કારણ હોવાથી, પરમાર્થની સિદ્ધિ કરનારા હોવાથી સમ્યગ્દષ્ટિઓએ હંમેશા યાદ કરવા જ જોઈએ. લોકમાં પણ મંત્રાક્ષરના સ્મરણથી કાર્યસિદ્ધિ થતી દેખાય છે. તથા રત-સુવર્ણ-રજત આદિમય કૃત્રિમ કે અકૃત્રિમ જિતેંદ્ર પ્રતિમાઓ તે સ્થાપના જિનો કહેવાય છે. અને તેમાં પણ સાક્ષાત્ જિનગુણો જો કે નથી તો પણ તે પ્રતિમાઓ તાત્ત્વિક જિનના સ્વરૂપને યાદ કરાવનારી હોવાથી, જોનારા સમ્યગ્દષ્ટિઓના ચિત્તમાં પરમ શાંતરસને ઉત્પન્ન કરતી હોવાથી, અબોધિજીવોને સર્બોધિની પ્રાપ્તિનું કારણ હોવાથી, અને કેવલીનાં વચનોથી જિનતુલ્ય હોવાથી શુદ્ધ માર્ગને અનુસરનારા શ્રાવકોએ દ્રવ્યથી અને ભાવથી હંમેશા નિઃશંકપણે વંદન કરવા યોગ્ય છે, પૂજન કરવા યોગ્ય છે, સ્તવન કરવા યોગ્ય છે. સર્વસાવદ્ય યોગથી નિવૃત્ત થયેલા હોવાથી સાધુઓએ તો ભાવપૂજા જ કરવી જોઈએ. આગમમાં તે જ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે.
અહીં વર્તમાનકાલીન, સારી બુદ્ધિથી હીન, શ્રીવીર પરંપરાથી બહાર થયેલા, મિથ્યાત્વના ઉદયથી પરાભવ પામેલા, સ્વમતિ કલ્પિત અર્થને સ્થાપન કરનારા, શ્રીમદ્ જિને કહેલા અનેકાંત, ધર્મનો લોપ કરનારા, દુષ્ટ વાણીના વિલાસને પ્રગટ કરનારા અને પરમાર્થથી જૈનાભાસ એવા કેટલાકો શ્રીમાન પરમ ગુરુના=તીર્થંકરના વચનનું ઉત્થાપન કરવાથી ઉત્પન્ન થયેલા અનંત ભવ ભ્રમણના ભયને અવગણીને પોતે ગ્રહણ કરેલા અસત્ પક્ષને સ્થિર કરવા માટે મુગ્ધ લોકોની આગળ ઉસૂત્ર પ્રરૂપણા કરતા કહે છે કે- જે સ્થાપના દિન છે તે જ્ઞાનાદિ ગુણથી શૂન્ય હોવાથી વંદન કરવા યોગ્ય નથી. તેને વંદન કરવામાં તરત સમ્યકત્વનો નાશ થાય છે. આગમમાં પણ તેને વંદન કરવા આદિનો અધિકાર નથી. ઘણું કહેવાથી શું? આધુનિક લોકોએ જ પોતાનો મહિમા વધારવા માટે જિનચૈત્યની સ્થાપના કરી છે.
વળી- તેઓ કહે છે કે- જિનપ્રતિમાની પૂજા કરવામાં સાક્ષાત્ જીવહિંસા દેખાય છે, અને ધર્મનું મૂળ દયા છે, એ પ્રમાણે કહેલું હોવાથી જ્યાં જીવહિંસા છે ત્યાં ધર્મ નથી. તેથી પોતાના સમ્યકત્વને અખંડિત રક્ષણ કરવા ઈચ્છતા જીવોએ તેનું દર્શન કરવું પણ યોગ્ય નથી.
વળી- તેઓ કહે છે કે- પૂર્વજો આદિની તુષ્ટિ માટે પીપળા વગેરે વૃક્ષના મૂળમાં સચિત્ત જળનું સિંચન કરવું વગેરેમાં અને મિથ્યાત્વી દેવની પૂજા કરવા વગેરેમાં પ્રવૃત્તિ કરવી તેમાં સમ્યકત્વનો નાશ નથી થતો. શ્રાવકો સંસારી હોવાના કારણે આવા પ્રકારના કાર્યમાં તેઓનો અધિકાર છે.
હવે અહીં આગમ ઉક્તિને અનુસરીને સદ્ભૂતયુક્તિથી તે અસત્ય પક્ષનું નિરાકરણ કરવા માટે કંઈક ઉત્તર આપવામાં આવે છે