________________
જેના કારણે એમની પરંપરાથી વિમુખ થતો જતો જનસમૂહ પુનઃ તેમના તરફ વળે. અનુમાન કરવામાં આવે છે કે પરિવર્તનકારી પ્રયાસોના કાણે થોડી ઘણી સફળતાથી પ્રભાવિત થઈ ચૈત્યવાસી પરંપરાના પ્રમુખ આચાર્યોએ સમન્વયવાદનું અવલંબન લઈ વસતિવાસી શ્રમણોની સાથે સંપર્ક વધારવાનું વલણ પણ રાખ્યું હશે.
આ વાતની પુષ્ટિ થાય એવો પ્રસંગ દ્રોણાચાર્યના વ્યવહારમાંથી મળે છે. ચૈત્યવાસી પરંપરાના સર્વાધિક પ્રભાવશાળી આચાર્ય દ્રોણસૂરિએ અને તેમના પરામર્શ મુજબ ચૈત્યવાસી પરંપરાના દરેક આચાર્યોએ સામૂહિક રીતે સુવિહિત પરંપરાના આગમમર્મજ્ઞ વિદ્વાન આચાર્ય અભયદેવસૂરિની સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર વધારીને સમન્વયાત્મક નીતિનું અવલંબન લીધું.
અભયદેવસૂરિ દ્વારા સ્થાનાંગ વૃત્તિ, જ્ઞાતાધર્મકથાંગ વૃત્તિ અને ઔપપાતિક વૃત્તિની પ્રશસ્તિઓમાં પ્રાપ્ત થતાં ઉલ્લેખોથી છેવટે એમ સિદ્ધ થાય છે કે નવાંગી વૃત્તિઓને ચૈત્યવાસી અને સુવિહિત બંને પરંપરાઓમાં સાધકો માટે સમાનરૂપે ગ્રાહ્ય બનાવવાના લક્ષ્યથી અભયદેવસૂરિએ નવાંગી વૃત્તિઓને ચૈત્યવાસી પરંપરાના પ્રમુખ આચાર્ય દ્રોણસૂરિ દ્વારા પણ સંશોધિત કરાવી. એનાથી ગુણગ્રાહકતા અને પારસ્પરિક સહયોગની પ્રબળ પ્રેરણા પણ મળે છે.
અભયદેવસૂરિના સ્વર્ગારોહણનાં લગભગ વીસ વર્ષ સુધી ચૈત્યવાસી પરંપરાનું પૂરા ગુર્જર પ્રદેશમાં શક્તિશાળી સંગઠન રહ્યું. પૂર્ણિમાગચ્છના સંસ્થાપક આચાર્ય ચંદ્રપ્રભસૂરિએ વિ. સં. ૧૧૫૯માં એક વ્યાપક ક્રિયોદ્ધાર કર્યો, ત્યાં સુધી પાટણનો સંપૂર્ણ જૈનસંઘ ચૈત્યવાસી પરંપરાના પ્રભુત્વમાં રહ્યો હતો.
આ રીતે પોતાના પ્રતિપક્ષીની સશક્ત સ્થિતિને જોતાં આચાર્ય અભયદેવસૂરિએ સુવિહિત પરંપરાના હિતને ધ્યાનમાં રાખી ચૈત્યવાસી પરંપરાની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખી પરસ્પર સહયોગાત્મક આદાન-પ્રદાનની નીતિ રાખી, એ તત્કાલીન પરિસ્થિતિઓ સંદર્ભે આવકાર્ય ગણાય.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
४७