________________
એ સમયના અગ્રગણ્ય વિદ્વાનોમાં તેમની ગણના થવા લાગી. પોતાના વિદ્વાન પ્રશિષ્ય અભયદેવના સદ્ગુણો અને યશોગાથાઓ પર મુગ્ધ થઈને મહાન ક્રિયોદ્ધારક વર્ધમાનસૂરિએ પોતાના પ્રભાવક શિષ્ય જિનેશ્વરસૂરિને આદેશ આપ્યો કે - ‘અભયદેવને આચાર્યપદે અધિષ્ઠિત કરે.' ગુરુઆજ્ઞાને શિરોધાર્ય કરી જિનેશ્વરસૂરિએ વિક્રમ સં. ૧૦૮૮માં માત્ર સોળ વર્ષની કિશોરવયમાં અભયદેવને સૂરિ(આચાર્ય)પદ પર પ્રતિષ્ઠિત કર્યા.
સૂરિપદ પર પ્રતિષ્ઠિત થયા બાદ પણ અભયદેવસૂરિ પોતાના ગુરુની સાથે વિભિન્ન ક્ષેત્રોમાં વિહાર કરતાં કરતાં જૈન ધર્મનો પ્રચારપ્રસાર કરતા રહ્યા. એક વખત પોતાના શિષ્યોને આગમોની વાચના આપતી વખતે અભયદેવસૂરિએ અનુભવ કર્યો કે એકાદશાંગીનાં પ્રથમ બે અંગો (આચારંગ અને સૂત્રકૃતાંગ) પર આચાર્ય શીલાંક રચિત ટીકાઓ ઉપલબ્ધ છે: આ કારણે આ બંને સૂત્રોને હૃદયંગમ કરવામાં આગમોના શિક્ષાર્થીઓને અધિક મુશ્કેલીનો અનુભવ થતો નથી, પણ બાકીની સ્થાનાંગ આદિ નવ અંગો પર શીલાંકાચાર્ય દ્વારા નિર્મિત ટીકાઓ વિલુપ્ત થઈ જવાના કારણે અધ્યેતાઓને એ આગમોના અર્થઘટનમાં અને સૂત્રોને હૃદયંગમ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેથી આચાર્ય અભયદેવસૂરિએ આગમોના અધ્યેતાઓની સુવિધા માટે આ ગુરુતર કાર્યને સંપન્ન કરવાનો સંકલ્પ મનોમન કર્યો.
ત્યાર બાદ અભયદેવસૂરિ પાટણમાં પધાર્યા. પાટણમાં ‘કરડિહટ્ટી’ નામની વસતિમાં બિરાજ્યા. ત્યાં રહેતા એમણે સ્થાનાંગ પ્રસૃત્તિ નવ અંગ શાસ્ત્રો પર નવ વૃત્તિઓની રચના કરી. સ્થાનાંગાદિ નવ અંગશાસ્ત્રોની વૃત્તિઓનું નિર્માણ કરી એમણે ચતુર્વિધસંઘ પર અસીમ ઉપકાર કર્યો.
નવ અંગોની વૃત્તિઓના નિર્માણ જેવા ગુરુતર કાર્યના નિષ્પાદનમાં એમને સહાયતા પ્રદાન કરનાર નિવૃત્તિ કુળના આચાર્ય અજિતસિંહના શિષ્ય યશોદેવગણિના નામનો ઉલ્લેખ અભયદેવસૂરિએ કર્યો છે. એટલું જ નહિ, અભયદેવસૂરિએ સ્થાનાંગ, શાતાધર્મકથાંગ, અને વિપાક સૂત્રની વૃત્તિઓની પ્રશસ્તિઓમાં દ્રોણાચાર્યનું આ વૃત્તિઓના સંશોધક તરીકે ખૂબ આદરની સાથે સ્મરણ કર્યું છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૩૯