________________
વિ.સં.૧૩૫૯ થી ૧૩૮૨ સુધીની રાજનૈતિક સ્થિતિ
દિલ્હીમાં ખિલજી વંશના રાજ્યકાળમાં અલ્લાઉદ્દીન ખિલજીએ રાજપૂતાના રાજ્યો પર અધિકાર કરવાના નિશ્ચય સાથે સર્વપ્રથમ વિ.સં. ૧૩૫૭માં રણથંભોર પર આક્રમણ કર્યું. રણથંભૌરના ચૌહાણવંશીય રાજા હમીરે શત્રુને પરાસ્ત કરવાના સંકલ્પની સાથે વીરતાથી યુદ્ધ કર્યું, પરંતુ વિકટ સંઘર્ષ પછી અલ્લાઉદ્દીન ખિલજીએ રણથંભોરના કિલ્લા પર અધિકાર કરી લીધો. આ રીતે વિ. સં. ૧૨૫૦ની આસપાસ પૃથ્વીરાજ ચૌહાણના પુત્ર ગોવિંદરાજ દ્વારા સંસ્થાપિત રણથંભૌર પર ચૌહાણ રાજ્ય સમાપ્ત થઈ ગયું.
રણથંભૌર પર અધિકાર કર્યાનાં ત્રણ વર્ષ બાદ વિ. સં. ૧૩૬૦માં અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાની સશક્ત અને વિશાળ સેના લઈ ચિત્તોડ પર આક્રમણ કર્યું. મેવાડના રાવલ રતનસિંહે અદ્ભુત સાહસ અને શૌર્ય પ્રગટ કરતાં લગભગ ૬ માસ સુધી ખિલજીની સેનાનો મુકાબલો કર્યો. અંતે રાવલ રતનસિંહે પોતાના પુત્રો, પૌત્રો અને યોદ્ધાઓની સાથે પોતાની માતૃભૂમિની રક્ષા માટે કેસરિયા કર્યાં. શત્રુ પર ભીષણ આક્રમણ કર્યું અને અંતિમ શ્વાસ સુધી લડ્યા અને માતૃભૂમિની રક્ષા કરતાં કરતાં વીરગતિને પ્રાપ્ત થયા. રાવલ રતનસિંહની મહારાણી પદ્મિનીએ જ્યારે જોયું કે એના પતિ શત્રુઓના સાથે લડતાં-લડતાં પોતાના વીર યોદ્ધાઓની સાથે વીરગતિને પ્રાપ્ત થયા છે, તરત મેવાડની મહારાણી પદ્મિનીએ પણ સહસ્રો રાજપૂત રમણીઓની સાથે જોહરની જ્વાળામાં પ્રવેશ કરી રાજપૂતી આન-બાન-શાન અને સતીત્વની રક્ષા કરી. અલ્લાઉદ્દીન ખિલજીએ સાક્ષાત્ સ્મશાન બની ગયેલાં ચિત્તોડના દુર્ગ પર અધિકાર કરી પોતાના પુત્ર ખિજરખાનને ચિત્તોડનો શાસક નિયુક્ત કર્યો.
ચિત્તોડ પર અધિકાર કર્યા બાદ અલ્લાઉદીન ખિલજીએ વિ.સં. ૧૩૬૫માં સિવાણા પર આક્રમણ કર્યું. સિવાણાના રાજા શીતલદેવ ચૌહાણે પોતાના દુર્ગની રક્ષા કરતાં રણાંગણમાં વીરગતિ પ્રાપ્ત કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૬૩