________________
દુષ્કાળથી રક્ષા કરવા માટે જગડૂશાહે દિલ્હી, સ્તંભનપુર, ધવલક્ક, અણહિલપુર-પાટણ આદિ અનેક નગરોમાં ૧૧૨ ભોજનશાળાઓ અને દાનશાળાઓ માનવમાત્ર માટે તત્કાળ પ્રારંભ કરાવી દીધી. એમાં કોઈ પ્રકારના ભેદભાવ વગર દરેક લોકોને પોષણક્ષમ આહાર આપવાની વ્યવસ્થા થઈ. લોકોનો વિશાળ સમૂહ ભોજનશાળા તરફ ઊમટી પડ્યો અને દુષ્કાળમાં પોતાનું અને પરિવારનું ભરણ-પોષણ કરવા લાગ્યો. સુદીર્ઘાવધિના આ દુષ્કાળમાં પ્રતિદિન સવાર-સાંજ આ ક્રમ ચાલતો રહ્યો. આ ભોજનશાળાઓ સિવાય જગડૂશાહે સુરત્રાણ(સંભવતઃ અલાઉદ્દીન ખિલજી)ને ૨૧ લાખ મણ, મહારાજા બીસલદેવને ૮ લાખ મણ, મહારાજા હમીરને ૧૨ લાખ મણ અને અન્ય રાજાઓને એમની પ્રજા અને સેના આદિના જીવનનિર્વાહ માટે અગણિત મણ અનાજના ભંડાર પ્રદાન કર્યા.
એક પણ દેશવાસી ભૂખ્યો ન રહે, એટલા માટે એવી સમુચિત વ્યવસ્થા કરી દીધા પછી પણ દૂરના પ્રદેશોમાં રાજાઓ, શ્રેષ્ઠીઓ, જનસેવકો આદિએ પોતાને ત્યાંના લોકો માટે વખતોવખત જેટલા અનાજની માગણી કરી, જગરૂશાહે એમની માગણી અનુસાર પ્રચુરમાત્રામાં ધનરાશિ પ્રદાન કરી. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ, સંપૂર્ણ દેશના આ છેડાથી તે છેડા સુધી સવાર-સાંજ બંને સમય ભરપેટ સરસ ભોજન પ્રાપ્ત કરી, લોકો મુક્તકંઠે જગડૂશાહની યશોગાથા ગાવા લાગ્યા. પ્રતિદિન બંને વખત સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત થઈ કરોડો લોકોની આંતરડી જગડૂશાહને અનેકાનેક આશીર્વાદ આપ્યા.
આ પ્રકારે ભૂખ્યાને ભોજન આપવાની સમુચિત વ્યવસ્થા કરવાની સાથે-સાથે જગડૂશાહે એક વિશિષ્ટ પ્રકારની દાનશાળામાં દાન દેવાની પણ શરૂઆત કરી. પ્રતિષ્ઠિત પરિવારો અને ભદ્રવર્ગના પરિવારો જે જગડૂશાહે ખોલેલી ભોજનશાળામાં ભોજન કરવામાં લજ્જાનો અનુભવ કરતા હતા, એ લોકોને પણ દુષ્કાળમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય, એ અભિલાષાથી જગતૂશાહે એ દાનશાળામાં પરદા પાછળ બેસીને પ્રતિદિન પ્રાતઃકાળે દાન દેવાનું શરૂ કર્યું. પ્રજાનો પ્રતિષ્ઠિત અને અગ્ર વર્ગ પણ દાનશાળામાં આવતા અને પરદાની અંદર પોતાનો હાથ પ્રસારતા. પરદાની અંદર બેઠા-બેઠા જગડૂશાહ હાથને જોઈને જ એના ભાગ્ય અનુસાર સુવર્ણ અથવા ૨જતની મુદ્રાઓ આપી દેતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૭૭ ૨૨૧