________________
અંચલગચ્છ
કાળના પ્રભાવથી ઉદિત થયેલી દ્રવ્ય પરંપરાઓ દ્વારા વિકૃત કરવામાં આવેલા જૈન ધર્મના સ્વરૂપને જન-જનમાં પુનઃ આગમાનુસારી વિશુદ્ધ મૂળ રૂપ પ્રતિષ્ઠિત કરવાની દિશામાં વખતોવખત જે યશસ્વી ગચ્છોના આચાર્યોએ ઉત્કટ ત્યાગ અને તપશ્ચર્યાના માધ્યમથી શાસન હિતકારી પ્રશસ્ત અને પ્રબળ પ્રયાસ કર્યા, એમાં અંચલગચ્છનું નામ પણ જૈન ઇતિહાસમાં સદાય અગ્રણી અને ઉલ્લેખનીય રહેશે. અંચલગચ્છની સ્થાપનાથી લઈને આજ સુધી એની સહુથી મોટી વિશેષતા એ રહી છે કે આ ગચ્છના આચાર્યો તથા શ્રમણોએ પારસ્પરિક વૈમનસ્યોત્પાદક ખંડન - મંડનાત્મક પ્રપંચોથી જોજનો દૂર રહીને પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર રહેવાની સર્જનાત્મક નીતિને જ અપનાવી રાખી.
મધ્યયુગીન જૈન-સાહિત્યનું અધ્યયન કરવાથી એ તથ્ય પ્રકાશમાં આવે છે કે પોતાના ગચ્છ સિવાયના બાકી બધા ગચ્છોને હીનથી હીનતર શબ્દો અથવા સંબોધિત કરનારા ગચ્છવિશેષના પ્રતિષ્ઠિત પદ પર બેઠેલા આલોચક શ્રમણોએ અંચલગચ્છના આચાર્યો, સાધુ-સાધ્વીઓ અને અનુયાયીઓને ‘સ્તનિક' જેવા હલકા શબ્દોથી સંબોધિત કર્યા. ક્યાંકક્યાંક એમના માટે જૈનાભાસ, ઉત્સૂત્ર પ્રરૂપક, નિર્ભવ જમાલીના વંશ જ અથવા અનુયાયી, એમ પણ લખી નાખ્યું. પરંતુ અંચલગચ્છીય કોઈ શ્રમણ, ઉપાધ્યાય અથવા આચાર્યએ જરા સરખો વિરોધ પણ ન કર્યો.
ખરતરગચ્છની જેમ અંચલગચ્છની ઉત્પત્તિ પણ વસ્તુતઃ શિથિલાચારના ગહન દળદળમાં ખરડાયેલાં જિનશાસન-સંઘરથના ઉદ્ધાર માટે કરવામાં આવેલા કિર્યોદ્ધારનાં પરિણામ સ્વરૂપે જ થઈ. અંચલગચ્છના પૂર્વપુરુષ વિજયચંદ્રસૂરિએ ચૈત્યવાસી પરંપરા જેવી કોઈ ભિન્ન પરંપરાથી નહિ, શિથિલાચારમાં નિમગ્ન સુવિહિત પરંપરાથી નીકળીને ક્રિયોદ્ધારનો શંખનાદ કર્યો. વિજયચંદ્રસૂરિએ જે વખતે પોતાના ગુરુ અને પોતાની પરંપરાથી પૃથક્ થઈને ક્રિયોદ્ધાર કર્યો, એ વખતે ચતુર્વિધસંઘમાં ચોતરફ વ્યાપ્ત શિથિલાચારના પરિણામ સ્વરૂપે ઇચ્છનીય ખાન-પાન મળવાનું પણ એક રીતે અસંભવ જેવું થઈ ગયું હતું. આ કારણે ક્રિયોદ્ધારનાં પોતાના લક્ષ્યની પૂર્તિ માટે વિજયચંદ્રસૂરિએ પોતાના ત્રણ સાથી સાધુઓની સાથે પોતાના પ્રાણની પણ બાજી લગાવી દીધી.
૧૮૦
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)