________________
પરમાર્હત મહારાજા કુમારપાળ
વિક્રમની બારમી સદીનો અંતિમ દશકો સમાપ્ત હોવાના ૧ વર્ષ પૂર્વેથી લઈને વિક્રમની તેરમી સદીના પ્રથમ ૩ દશકા સુધી બધુ મળીને ૩૧ વર્ષ ( વી. નિ. સં. ૧૬૬૯ થી ૧૭૦૦) સુધી વિશાળ ગુર્જર રાજ્યના રાજસિંહાસન પર આસનસ્થ રહેલા મહારાજા કુમારપાળે ન્યાયનીતિપૂર્વક પોતાની પ્રજાની ખેવના કરતા કરતા જિનશાસનના અભ્યુદય અને ઉત્કર્ષનાં અનેક કાર્ય કર્યાં.
પોતાના શાસનકાળમાં ગુર્જરાધીશ મહારાજા કુમારપાળ દ્વારા કરવામાં આવેલા જિનશાસનનાં અભ્યુદયોત્થાનકારી મહત્ત્વપૂર્ણ કાર્યોને દ્રુષ્ટિગત રાખતા જૈનજગતમાં એમને પરમાર્હતના બિરુદથી ઓળખવામાં આવે છે. ભવિષ્યમાં પણ શતાબ્દીઓ સુધી આ બિરુદની સાથે જૈન ઇતિહાસમાં એમનું નામ સુવર્ણાક્ષરોમાં લખાતું રહેશે.
કુમારપાળનું રાજ્યારોહણ પૂર્વેનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું. પોતાના પ્રાણની રક્ષા માટે છૂપાવેશે ભટકવું પડ્યું. અનેક વખત એમની સમક્ષ ઘોર પ્રાણસંકટ ઉપસ્થિત થયા અને પ્રાણની રક્ષા માટે પલાયન કરી વર્ષો સુધી સંન્યાસીના વેશમાં દૂર-દૂરના પ્રદેશોમાં ભટકવાનું થયું. કુમારપાળના આ પ્રકારના સંકટપૂર્ણ જીવન પાછળ એક બહુ મોટું કૌટુંબિક કારણ રહ્યું, જેનું વિવરણ સિદ્ધરાજના જીવનવૃત્તમાં આપવામાં આવ્યું છે.
મહારાજા કુમારપાળે શાસનસૂત્ર સંભાળતાં જ રાજ્યનાં બધાં કાર્યોને સ્વયં પોતાની દેખરેખમાં કરવાનો પ્રારંભ કર્યો. મંત્રીશ્વર ઉદયનના પુત્ર વાગ્ભટ્ટદેવને મહામાત્યપદ પર નિયુક્ત કર્યા અને આલિગ નામના કુંભારને ચિત્રકૂટ(ચિત્તોડ)ની પાસે સાતસો ગામનો અધિપતિ બનાવી દીધો. એના પરિવારના સદસ્યોને ક્ષત્રિયોની સમકક્ષ સન્માન પ્રદાન કરી પોતાના વંશના ‘પ્રધાન’ પદ પર નિયુક્ત કર્યા. જે કિસાનોએ વૃક્ષની છાયામાં કે ઝાડી-ઝાંખરાં પાછળ કુમારપાળને આશ્રય આપ્યો હતો તે કિસાનોને કૃતજ્ઞ કુમારપાળે પોતાના અંગરક્ષકપદે પ્રતિષ્ઠિત કર્યા. આ રીતે વિશાળ ગુર્જર સામ્રાજ્યનાં શાસનસૂત્રો પોતાના હાથમાં સંભાળવાના થોડા સમયમાં જ કુમારપાળે પોતાના રાજ્યને નિષ્કંટક બનાવી લીધું. ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૪૦