________________
કોમળ એવા એણે પહેલીવાર જ ઉઘાડા પગે આટલી દૂર ચાલીને ગયો કે કાંકરા તેમજ કાંટાઓથી એના પગનાં તળિયાં છોલાઈ ગયાં અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. ઘણી ધીરજથી આ દુ:ખાવાનો તેમજ ભૂખ-તરસને સહન કરતા-કરતા તે આત્મચિંતનમાં તલ્લીન થઈ ગયો. સૂરજની તેજ ગરમીથી સ્મશાનભૂમિ આગની જેમ તપવા લાગી. પણ તે ઘણી શાંતિપૂર્વક એને સહન કરતો રહ્યો. દિવસ પૂરો થતા, સૂર્યાસ્ત થયો, ધીમે-ધીમે તમસે અધિપત્ય જમાવ્યું. એ ભયંકર રાત સાક્ષાત્ કાળરાત્રિની જેમ ભયજનક બની ગઈ હતી. પણ સઘઃ પ્રવ્રુજિત સુકુમાર શ્રમણ અવંતિ સુકુમાલ સ્મશાનમાં વિરક્તિની સ્થિતિમાં એકચિત્તે ધ્યાનમગ્ન ઊભો રહ્યો. એમનાં પગલાંના લોહીવાળા રજકણોની ગંધને સૂંઘતી-સૂંઘતી એક માદા શિયાળ એનાં કેટલાંક બચ્ચાઓને લઈને અવંતિ સુકુમાલ મુનિ પાસે આવી પહોંચી. મુનિના પગમાંથી નીતરતા લોહીની વાસ આવતા એ મુનિના પગ ચાટવા લાગી. આત્મધ્યાનમાં રમમાણ મુનિ અડગપણે ઊભા રહ્યા. મુનિ તરફથી કોઈ પણ રીતનો પ્રતિકાર ન થતો જોઈ માદા શિયાળની હિંમત વધી. એણે મુનિના પગની માંસલ પિંડીમાં દાંત ખોસી દીધા. ગરમ લોહીની ટસર ફૂટી નીકળી. પોતાનાં બચ્ચાંઓ સાથે માદા શિયાળ લોહીની સાથોસાથ મુનિના પગને પણ કરડીને ખાવા લાગી. અનુક્રમે મુનિનું ધ્યાન ઉચ્ચથી ઉચ્ચતર શિખરો સર કરવા લાગ્યું. કોઈ પણ પ્રકારનો પ્રતિરોધ કર્યા વગર મુનિ શાંતચિત્તે વિચારવા લાગ્યા, આ માદા શિયાળ મારા કર્મકલુષને કાપી-કાપીને મારા માટે નલિનીગુલ્મ વિમાનના દરવાજા ખોલી રહી છે. માદા શિયાળ અને એનાં બચ્ચાંઓએ મુનિનો બીજો પગ પણ બચકા ભરીને ખાવાનો શરૂ કરી દીધો. મુનિનું શરીર જમીન ઉપર ઢળી પડ્યું. પણ એમનું ધ્યાન વધુ ને વધુ ઊંચાઈએ જવા લાગ્યું. મુનિની બંને જાંઘો અને હાથોને ખાધા પછી શિયાળ-પરિવારે એમના પેટને ફાડીને ચીરી નાંખ્યું અને ખાવા લાગ્યા. મુનિનું આત્મ-ધ્યાન શુભ્રથી શુભ્રતર અને શુભ્રતમ થતું ગયું અને આખરે સમાધિપૂર્વક પ્રાણોત્સર્ગ કરી મુનિ અવંતિ સુકુમાલ પોતાના પ્રિય ધ્યેયસ્થાન નલિનીગુલ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
બીજા દિવસે આર્ય સુહસ્તી પાસેથી બધું જાણીને મુનિ અવંતિની માતા ભદ્રાએ એમની એક ગર્ભિણી પુત્રવધૂને છોડીને બાકીની ૩૧ પુત્રવધૂઓની સાથે શ્રમણીધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી.
૨૦૪
ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)