________________
આ દૃષ્ટિએ વિચાર કરતા જમ્બૂકુમારનો જન્મ ભ. મહાવીરની કેવળીચર્યાના ૧૪મા વર્ષે થવાનું અનુમાન કરી શકાય છે અને આ પ્રકારે ભ. મહાવીરના નિર્વાણના સમયે જમ્બૂકુમારની આયુ ૧૬ વર્ષની પ્રમાણિત થાય છે.
આચાર્ય હેમચંદ્ર ‘પરિશિષ્ટ પર્વ'માં એવો ઉલ્લેખ કરે છે કે - ‘ભ. મહાવીરના નિર્વાણથી ૬૪ વર્ષ પછી જમ્મૂકુમારે નિર્વાણ પ્રાપ્ત કર્યો.'
આ બધી વાતોનો એ નિષ્કર્ષ નીકળે છે કે - ‘આર્ય જમ્મૂકુમારે ૧૬ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી અને ૬૪ વર્ષ સુધી શ્રમણાચારનું પરિપાલન કર્યા પછી ૮૦ વર્ષની આયુમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું.’
ભ. મહાવીરનું નિર્વાણ જમ્બકુમારની દીક્ષાથી થોડાક માસ (મહિના) પૂર્વે થઈ ચૂક્યું હતું, આ પ્રકારના ઉલ્લેખ શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના પ્રાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે.
જ્યારે જમ્મૂકુમારનો જન્મ થયો એ સમયે સર્વજ્ઞ - સર્વદર્શી ૨૪મા તીર્થંકર શ્રમણ ભ. મહાવીર વિરાજમાન હતા. જમ્મૂકુમારની દીક્ષા સમયે ઇન્દ્રભૂતિ ગૌતમ, એમની દીક્ષાનાં ૧૨ વર્ષ પછી આર્ય સુધર્મા સ્વામી અને સુધર્માની દીક્ષાના ૨૦ વર્ષ પછી સ્વયં જમ્મૂ સ્વામી પોતાના કેવળ જ્ઞાનલોકના સમસ્ત લોકાલોકને આલોકિત કરતા રહ્યા. પણ જમ્મૂ સ્વામીના નિર્વાણની સાથે જ આર્યાવર્તથી કેવળજ્ઞાનનો સૂર્ય આ અવસર્પિણીકાળમાં સદાને માટે અસ્ત થઈ ગયો.
આર્ય જમ્મૂ સ્વામીનું નિર્વાણ
આર્ય જમ્મૂ સ્વામીનો જન્મ ઈ.સ. પૂર્વ ૫૪૩મા (વી. નિ. સં. થી ૧૬ વર્ષ પૂર્વે) થયો. તે ૧૬ વર્ષ સુધી ગૃહસ્થપર્યાયમાં રહ્યા. પછી દીક્ષા ગ્રહણ કરી ૨૦ વર્ષ સુધી ગુરુસેવાની સાથે-સાથે જ્ઞાનોપાર્જન, તપશ્ચરણ અને સંયમસાધનામાં નિરત રહ્યા. વી. નિ. સં. ૨૦ની સમાપ્તિ એ ભ. મહાવીરના દ્વિતીય પટ્ટધર નિયુક્ત કરવામાં આવ્યા. આર્ય જમ્મૂ સ્વામીએ આચાર્યપદ ઉપર આરૂઢ થયા પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના અંતરજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્રથી ભવ્યજીવોનું કલ્યાણ કરતા-કરતા તેઓ ૪૪ વર્ષ સુધી ભ. મહાવીરના દ્વિતીય પટ્ટધરના રૂપમાં આચાર્યપદ પર રહ્યા. અંતે આર્ય પ્રભવને પોતાનો ઉત્તરાધિકારી નિયુક્ત કરી વિ. નિ. સં. ૬૪ (ઈ.સ. પૂર્વે ૪૬૩)માં આર્ય જમ્બૂએ ૮૦ વર્ષની આયુ પૂર્ણ કરી અક્ષય અવ્યાબાધ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
GS