________________
પ્રથમાવૃત્તિનું નિવેદન
કર્મગ્રંથ, કર્મપ્રકૃતિના જ્ઞાનનો વધારે ફેલાવો થાય એ ઉદ્દેશથી આ ગ્રંથનું ભાષાંતર કરવાનું કાર્ય સંવત ૧૯૮૮ના આસો માસમાં શરૂ કર્યું હતું, જેનો પ્રથમ ભાગ ૧૯૯૧ની સાલમાં બહાર પડ્યો હતો. ત્યાર પછી લગભગ છ વર્ષ વીત્યા બાદ આ બીજો ભાગ બહાર પડે છે. આ ગ્રંથના કર્તા શ્રીમાન્ ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય છે અને ટીકાકાર શ્રીમાન્ આચાર્ય મલયગિરિજી છે જેનો પરિચય પ્રસ્તાવનામાં આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ૯૯૧ ગાથાઓ છે જેમાંની ૩૯૧ ગાથા પ્રથમ ભાગમાં અને ૪૪૪ ગાથા બીજા ભાગમાં છે. (અને સપ્તતિકાની ૧૫૬ ગાથા અહીં આપવામાં આવી નથી.)
આ ભાગમાં બંધન, સંક્રમણ, ઉદ્ધત્તના, અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિદ્ધત્તિ અને નિકાચના એ આઠ કરણનું સ્વરૂપ વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે.
આ આચાર્ય મહારાજ કર્મપ્રકૃતિકાર એ પ્રાચીન કર્મગ્રંથકારની પછી થયેલા હોવાથી તેમણે આ ગ્રંથના પહેલા ભાગમાં પાંચ કર્મગ્રંથ આદિનો અને બીજા ભાગમાં કર્મપ્રકૃતિનો સંગ્રહ કર્યો છે. કર્મગ્રંથ-કર્મપ્રકૃતિના જ્ઞાન માટે શ્વેતાંબર સંપ્રદાયમાં આ પૂર્ણ ગ્રંથ છે. ભણનારને વધારે સરળ થાય માટે ભાષા તદ્દન સાદી રાખી છે. તેમજ વિષયને સ્પષ્ટ કરવા માટે ઉપયોગી ટિપ્પણો પણ આપવામાં આવ્યાં છે.
આ ગ્રંથનું ભાષાંતર કરવામાં આદ્ય પ્રેરક આચાર્ય મહારાજ શ્રીમાન્ વિજય નીતિસૂરિજી અને મારા વડીલ બંધુ સમાન પંડિત ભગવાનદાસભાઈ હરખચંદ છે. તેમની વારંવાર કરેલી પ્રેરણાથી જ આ ભાષાંતરનું કાર્ય પૂર્ણ થયું છે, નહિ તો કદાચ વચમાંથી જ અટકી પડ્યું હોત. એટલે તેઓશ્રીનો અને આ ભાગનાં કેટલાંક પ્રૂફો તપાસી આપનાર શ્રીયુત્ કુંવરજીભાઈ આણંદજીનો ઉપકાર માનું છું. પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજજીના પ્રશિષ્ય વિદ્વાન્ મુનિમહારાજ શ્રીમાન્ પુણ્યવિજયજી મહારાજનો હાર્દિક આભાર માનું છું કે જેમણે મારી વિનંતિ સ્વીકારી પોતાની નરમ તબિયત છતાં અને બીજાં અનેક કાર્યનો બોજો છતાં આ ગ્રંથની સુંદર પ્રસ્તાવના લખી આપી છે..
આ શ્રી વિજયનેમિસૂરિજીના પ્રશિષ્ય મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજીનો આ સ્થળે આભાર માનું છું કે જેઓએ આ ગ્રંથની સો નકલ લઈને ગ્રંથના પ્રચારકાર્યમાં ઉત્તેજન આપ્યું છે અને તેથી જ હું આ પુસ્તકને છાપીને પ્રકાશિત કરી શક્યો છું. આ ગ્રંથનો વિષય અતિગહન હોવાથી કાળજીપૂર્વક વિચારી છપાવવાનો ખ્યાલ રાખવા છતાં જે કાંઈ અશુદ્ધિ કે શાસ્ત્રવિરુદ્ધ લખાણ થયું હોય તેની ક્ષમા યાચું છું અને વિદ્વાન પુરુષોને તે ભૂલો સુધારી વાંચવા વિનંતિ કરું છું.
હીરાલાલ દેવચંદ શાહ