________________
બંધનકરણ સારસંગ્રહ
૧૭૯
કેટલીક ભિન્નતા હોવાથી અહીં બતાવવામાં આવેલ નથી. જિજ્ઞાસુઓએ બહુશ્રુતો પાસેથી જાણી લેવી.
મતિજ્ઞાનાવરણીય વગેરે પંચાવન અપરાવર્તમાન અશુભ પ્રવૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં પછીનાં સ્થિતિસ્થાનોની અપેક્ષાએ ઓછા હોવા છતાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તે અધ્યવસાયોમાંના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો બાદ કરી શેષ તે સર્વ અને બાદ કરેલ અધ્યવસાયોની સંખ્યાથી થોડા વધારે નવા અધ્યવસાયો સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનમાં હોય છે. પુનઃ તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ જેટલા અધ્યવસાયો છોડી શેષ સર્વ અને છોડ્યા તેનાથી કંઈક વિશેષ સંખ્યા પ્રમાણ નવા અનુભાગ બંધના અધ્યવસાયો બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં હોય છે. એ પ્રમાણે દરેક સ્થિતિસ્થાનમાં રહેલ રસબંધના અધ્યવસાયોમાંના શરૂઆતના એક એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ તે સર્વે અને છોડેલા અધ્યવસાયોથી થોડા વધારે નવા-નવા અધ્યવસાયો ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં જાય છે અને એમ થવાથી સર્વ જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક સ્થિતિબંધ સુધી જાય છે–અર્થાતુ પહોંચે છે.
જે સ્થિતિબંધના અધ્યવસાયો જે સ્થિતિસ્થાન સુધી પહોંચે છે તેટલાં સ્થિતિસ્થાનોને એક કંડક કહેવામાં આવે છે અને તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. તેથી જ જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનમાં, બે સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના દ્વિતીય સ્થિતિસ્થાનમાં, ત્રણ સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના તૃતીય સ્થિતિસ્થાનમાં, એમ કોઈ પણ વિવલિત સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તે સ્થિતિસ્થાનના કંડકના ચરમ સ્થાનમાં પૂર્ણ થાય છે. તેથી જ એ પ્રમાણે સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અંતિમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના પ્રથમ સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડકના ચરમ સ્થિતિરૂપ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. આ
પરાઘાત વગેરે છેતાળીસ અપરાવર્તમાન શુભ પ્રવૃતિઓની અનુકૃષ્ટિ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનથી પોતપોતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી મતિજ્ઞાનાવરણીય વગેરેથી ઊલટા ક્રમે હોય છે.
તે આ પ્રમાણે–સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં નીચે નીચેનાં સ્થિતિસ્થાનોની અપેક્ષાએ અલ્પ હોવા છતાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તેમાંથી શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ છોડી શેષ સર્વ અને છોડેલ સંખ્યાથી થોડા અધિક નવા અધ્યવસાયો સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં હોય છે, સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં જે અધ્યવસાયો છે તેના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ અધ્યવસાયોથી થોડા વધારે નવા અધ્યવસાયો બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં હોય છે.