________________
૬૫૬
પંચસંગ્રહ-૧
૨-૩. દેશવિરતિ અને સર્વવિરતિ ઉત્પન્ન થયા પછી પણ આત્મા અંતર્મુહૂર્ત પર્યંત અવશ્ય ચડતા પરિણામવાળો રહે છે અને ત્યારે જે ગુણશ્રેણિ થાય છે તે દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થતી બીજી અને ત્રીજી ગુણશ્રેણિ. જો કે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થયા પછી જ્યાં સુધી તે ગુણ રહે ત્યાં સુધી ગુણશ્રેણિ થાય છે પરંતુ તે પરિણામાનુસાર થાય છે અને શરૂઆતના અંતર્મુહૂર્તમાં અવશ્ય પ્રવર્તમાન ગુણશ્રેણિ થાય છે. સર્વવિરતિ નિમિત્તક ગુણશ્રેણિ પ્રમત્ત અને અપ્રમત્ત બંને ગુણસ્થાનકે થાય છે.
૪. અપ્રમત્ત ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસંયોજના કરતા અપૂર્વ અનિવૃત્તિકરણે જે ગુણશ્રેણિ થાય છે તે ચોથી ગુણશ્રેણિ.'
૫. તથા સાતમે ગુણસ્થાનકે સમ્યક્ત, મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ દર્શનમોહનીયનો ક્ષય કરતા અપૂર્વ અનિવૃત્તિકરણે જે ગુણશ્રેણિ થાય તે પાંચમી ગુણશ્રેણિ.
૬. ચારિત્ર ઉપશમાવતા જે ગુણશ્રેણિ થાય તે છઠ્ઠી ગુણશ્રેણિ. (આ વિષયમાં પાંચમાં કર્મગ્રંથની ગાથા ૮૨ની ટીકામાં કહ્યું છે કે મોહનીયકર્મનો ઉપશમ કરનાર ઉપશમશ્રેણિ પર ચડેલો અનુવૃત્તિબાદરસપરાય અને સૂક્ષ્મસંપરાયવર્તિ આત્મા કહેવાય છે. તેને મોહ ઉપશમાવતા જે ગુણશ્રેણિ થાય છે તે છકી ગુણશ્રેણિ.)
૭. તથા ઉપશાંતમોહ ગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે, તે સાતમી ગુણશ્રેણિ.
૮. ચારિત્રમોહનીયનો ક્ષય કરતા જે ગુણશ્રેણિ થાય છે તે આઠમી ગુણશ્રેણિ (અહીં પણ તે જ ૮૨મી ગાથાની ટીકામાં લખ્યું છે કે–મોહનીયનો ક્ષય કરનાર ક્ષપકશ્રેણિ પર ચડેલો અનિવૃત્તિ બાદસંપરા અને સૂક્ષ્મસંપરાયવર્તિ આત્મા કહેવાય છે ત્યાં ક્ષય કરતા જે ગુણશ્રેણિ થાય તે આઠમી ગુણશ્રેણિ.)
૯. તથા ક્ષીણમોહગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય તે નવમી ગુણશ્રેણિ. ૧૦. સયોગી કેવળીગુણસ્થાનકે થતી જ ગુણશ્રેણિ તે દશમી ગુણશ્રેણિ. ૧૧. તથા અયોગ કેવળી સંબંધે જે ગુણશ્રેણિ થાય તે અગિયારમી ગુણશ્રેણિ.૨
આ સમ્યક્તાદિ સંબંધી અગિયાર ગુણશ્રેણિઓમાં જે દળરચના થાય છે તે અનુક્રમે અસંખ્યાત અસંખ્યાત ગુણ થાય છે. તે આ પ્રમાણે સમ્યકત્વ ઉત્પન્ન થતા જે ગુણશ્રેણિ થાય
૧. અનંતાનુબંધિની વિસંયોજના જો કે ચોથાથી સાતમા પર્યત થાય છે. પરંતુ સાતમા ગુણસ્થાનકવાળો આત્મા અનંતગુણ વિશુદ્ધ પરિણામવાળો હોવાથી અને સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિથી અસંખ્યાતગુણ નિર્જરા અનંતાનુબંધિની વિસંયોજના કરનાર કરે છે એમ કહ્યું હોવાથી અપ્રમત્ત ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસંયોજના કરતા જે ગુણશ્રેણિ થાય છે તે અહીં ગ્રહણ કરવી. એ પ્રમાણે દર્શનમોહનીયની ક્ષપણાદિ નિમિત્તે સાતમે ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ જ ગ્રહણ કરવી.
૨. સયોગીના અંતે જે અયોગી નિમિત્તે ગુણશ્રેણિ થાય છે, તે અયોગીની ગુણશ્રેણિ લેવાની છે કારણ કે અયોગી ગુણસ્થાનકે યોગના અભાવે ઉપરનાં સ્થાનકોમાંથી દળ ઉતારવા અને નીચેનાં સ્થાનકોમાં ગોઠવવા એ કોઈપણ પ્રકારની ક્રિયા થતી નથી. પરંતુ સયોગીને અંતે જે પ્રમાણે ગોઠવી રાખ્યા છે તેને તે જ પ્રમાણે એક પણ દળ ઊંચું નીચું કર્યા વિના ભોગવે છે.