________________
પંચસંગ્રહ-૧
નથી.' આ રીતે શ્રદ્ધા-અશ્રદ્ધા બંને ન હોય ત્યારે તે મિશ્રદષ્ટિ કહેવાય છે. પરંતુ જ્યારે એક પણ વસ્તુ કે પર્યાયના વિષયમાં એકાંતે અશ્રદ્ધા હોય ત્યારે તે મિથ્યાદષ્ટિ જ કહેવાય છે. માટે અહીં કંઈ દોષ નથી. તે મિથ્યાત્વ પાંચ પ્રકાર છે તેનું સ્વરૂપ આગળ ચોથા દ્વારમાં કહેવાશે.
૨. સાસ્વાદન ગુણસ્થાનક–આય-ઉપશમસમ્યક્તના લાભનો જે નાશ કરે તે આયસાદન કહેવાય. અહીં ‘પૃષોતરાયઃ' એ સૂત્ર વડેય અક્ષરનો લોપ થવાથી આસાદન શબ્દ બને છે. અનંતાનુબંધિ કષાયનો ઉદય ઉપશમસમ્યક્તનો નાશ કરતો હોવાથી તે અનંતાનુબંધિકષાયના ઉદયને જ આસાદન કહેવામાં આવે છે. કારણ કે જ્યારે અનંતાનુબંધિકષાયનો ઉદય થાય છે ત્યારે પરમ આનંદ સ્વરૂપ અનંતસુખરૂપ ફળને આપનાર મોક્ષવૃક્ષના બીજભૂત ઉપશમસમ્યક્તનો લાભ અંતરકરણનો ઓછામાં ઓછો એક સમય વધારેમાં વધારે છે આવલિકાકાળ બાકી રહે ત્યારે દૂર થાય છે. આ આસાદન-અનંતાનુબંધિ કષાયના ઉદય સહિત જે વર્તે-હોય તે સાસાદન કહેવાય. તથા સમ્યઅવિપરીત દૃષ્ટિ-જીવ અજીવાદિ વસ્તુની શ્રદ્ધા છે જેને તે સમ્યગ્દષ્ટિ સાસાદન એવો જે સમ્યગ્દષ્ટિ તે સાસાદન સમ્યગ્દષ્ટિ, એટલે કે અનંતાનુબંધિ કષાયના ઉદયવાળો સમ્યગ્દષ્ટિ આત્મા તે સાસાદન સમ્યગ્દષ્ટિ, તેનું જે ગુણસ્થાન તે સાસાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. અથવા સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન એવો પણ પાઠ છે. તેનો અર્થ આ પ્રમાણે છે–સમ્યક્તરૂપ રસનો આસ્વાદ કરે તે સાસ્વાદન કહેવાય. જેમ કોઈ માણસે ખીર ખાધી હોય તે વિશે સૂગ ચડવાથી વમન કરે તે વખતે તે ખીરના રસનો આસ્વાદ લે છે, તેમ આ ઉપશમસમ્યગ્દષ્ટિ પણ અંતરકરણનો ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ આવલિકાકાળ બાકી રહે ત્યારે અનંતાનુબંધિ કષાયનો ઉદય થવાથી સમ્યક્ત ઉપર અરુચિવાળો થયો થકો સમ્યક્તને વમતો આત્મા સમ્યક્ત રસનો આસ્વાદ કરે છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેનને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. તેની ઉત્પત્તિનો ક્રમ આ પ્રમાણે છે–ગંભીર અને અપાર સંસાર સમુદ્રની મધ્યમાં રહેલો આત્મા મિથ્યા દર્શનમોહનીયાદિ હેતુથી અનન્તપુદ્ગલ પરાવર્ત પર્યત અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખોને અનુભવીને કથમપિ–મહામુશ્કેલીથી તથાભવ્યત્વનો પરિપાક થવા વડે પર્વતની નદીના પથ્થરના ગોળ થવાના ન્યાયે-પર્વતની નદીનો પથ્થર જેમ અથડાતા પિટાતાં એની મેળે ગોળ થાય તેમ અનાભોગે–ઉપયોગ વિના શુભ પરિણામરૂપ યથાપ્રવૃત્તિકરણ થાય છે. અહીં કરણ એટલે આત્માનો શુભ પરિણામ એ અર્થ છે. તે પરિણામ વડે આયુકર્મ વિના જ્ઞાનાવરણીયાદિ સાત કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે. અહીં સમ્યક્ત પ્રાપ્ત કરવા જતા વચમાં જીવને કર્મપરિણામજન્ય તીવ્ર રાગદ્વેષના પરિણામરૂપ કર્કશ ગાઢ લાંબા કાળથી રૂઢ થયેલ ગુપ્ત ગાંઠના જેવી જેને પૂર્વે ભેદી નથી એવી દુર્ભેદ્ય ગ્રંથિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે ત્યાં વચમાં જીવને પૂર્વે જેને ભેદી નથી એવી ગ્રંથી પ્રાપ્ત થાય છે, એમ જિનેશ્વરો કહે છે.” ગ્રંથિ એટલે શું? તેનો અર્થ કરતાં કહ્યું છે કે– કર્મથી ઉત્પન્ન થયેલ તીવ્ર રાગદ્વેષરૂપ જે આત્મપરિણામ તે ગ્રંથિ છે, અને તે ગ્રંથિ કર્કશ ગાઢ લાંબા કાળથી રૂઢ થયેલ ગુપ્ત ગાંઠના જેવી છે. આ ગ્રંથિ પર્યત અભવ્યો પણ યથાપ્રવૃત્તિકરણ વડે કર્મ ખપાવીને અનંતિવાર આવે છે. પરંતુ ગ્રંથિભેદ એટલે કે જે રાગદ્વેષ