________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૪પ૯ આ પ્રમાણે મિથ્યાત્વ ગુણસ્થાનકે સર્વ બંધહેતુના કુલ ભાંગા ચોત્રીસ લાખ સિત્યોતેર હજાર અને છસો (૩૪૭૭૬૦૦) થાય.
સાસ્વાદન ગુણસ્થાનક અહીં પ્રથમ ગુણસ્થાનકે બતાવેલ જઘન્યપદભાવી દશ હેતુમાંથી મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તેને બાદ કરતાં અને અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોવાથી તે ઉમેરતાં જઘન્યથી કુલ દશ હેતુઓ હોય છે. તે આ પ્રમાણે–
ત્રણ વેદમાંથી એક વેદ, આહારદ્ધિક સિવાય અહીં સંભવતા તેર યોગમાંથી એક યોગ, બે યુગલમાંથી એક યુગલ, પાંચ ઈન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયનો અસંયમ, ક્રોધ, માન, માયા, લોભરૂપ ચાર કષાયમાંથી કોઈ પણ અનંતાનુબંધી આદિ ચાર ક્રોધાદિક, છ કાયની હિંસામાંથી એક કાયની હિંસા.
અહીં પણ જે જે હેતુના જેટલા જેટલા ભેદો હોય તે દરેક હેતુની નીચે તેટલી સંખ્યા મૂકવી. સ્થાપના આ પ્રમાણે–વેદ યોગ યુગલ ઇન્દ્રિયનો અસંયમ કષાય કાયવધ. હવે સ્થાપન
કરેલ અંકોનો પ્રથમથી આરંભી છેલ્લા અંક સુધી અનુક્રમે ગુણાકાર કરવાથી કુલ ભંગ સંખ્યા આવે છે. પરંતુ આ ગુણસ્થાનકે નપુંસકવેદીને વૈક્રિયમિશ્ર કાયયોગ હોતો નથી. અહીં કાર્પણ સાથે વૈક્રિયમિશ્ર કાયયોગની વિવક્ષા છે અને તે વૈક્રિયમિશ્ર નપુંસકવેદીને નરકમાં અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. જ્યારે સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવો તથાસ્વભાવે જ નરકમાં જતા નથી, માટે ત્રણ વેદને તેર યોગે ગુણતાં ઓગણચાળીસ થાય, તેમાંથી નપુંસકવેદે વૈક્રિયમિશ્ર કાયયોગ બાદ કરતાં આડત્રીસ રહે તે આડત્રીસને બે યુગલે ગુણતાં છોત્તેર, તેને પાંચ ઇન્દ્રિયના અસંયમે ગુણતાં ત્રણસો એંશી થાય, તેને ચાર કષાયે ગુણતાં પંદરસો વીસ થાય, છ કાયના એક સંયોગી ભાંગા છ હોવાથી પંદરસો વીસને એ ગુણતાં જઘન્યપદભાવી દશ બંધ હેતુના કુલ નવ હજાર એકસો વીસ ભાંગા થાય.
આ દશમાં એકથી પાંચ સુધીની વધારે કાયનો વધ, ભય અને જુગુપ્સામાંથી એકાદિ હેતુ ઉમેરતાં અગિયાર વગેરે મધ્યમ બંધહેતુઓ થાય છે અને આ બધા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી સત્તર બંધહેતુઓ થાય છે. ત્યાં દશ અને સત્તરનો એક જ વિકલ્પ છે, અગિયાર અને સોળ બંધહેતુમાં ત્રણ ત્રણ વિકલ્પ અને બારથી પંદર સુધીના ચાર હેતુઓમાં ચાર ચાર વિકલ્પ થાય છે.
આ પણ ખાસ યાદ રાખવું કે–જે જે બંધહેતુના વિકલ્પમાં છયે કાયનો વધ હોય ત્યાં છ કાય વધનો સંયોગી એક જ ભાંગો હોવાથી ચાર કષાયથી ગુણાયેલા પૂર્વોક્ત પંદરસો વીસ જ ભાંગા થાય, જ્યાં એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં એક અને પંચસંયોગી છ ભાંગા હોવાથી પંદરસો વીસને છએ ગુણતાં નવ હજાર એકસો વીસ થાય. જ્યાં બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં છ કાયના દ્વિ અને ચતુઃસંયોગી ભાંગા પંદર હોવાથી પંદરસો વીસને પંદરે ગુણતાં બાવીસ હજાર આઠસો ભાંગા થાય અને જ્યાં ત્રણ કાયનો વધ હોય ત્યાં જ કાયના ત્રિસંયોગી ભાંગા વીસ હોવાથી પૂર્વોક્ત પંદરસો વીસને વીસે ગુણતાં ત્રીસ હજાર ચારસો ભાંગા થાય.