________________
તૃતીયદ્વાર-પ્રશ્નોત્તરી
૩૯૧
આ જ પ્રમાણે દરેક પ્રકૃતિઓના ઉદય ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ વગેરેમાં પણ દ્રવ્યાદિ પાંચ હેતુઓ યથાયોગ્ય રીતે સ્વયં વિચારવા.
પ્રશ્ન–૧૪. નિદ્રા આદિ પાંચ પ્રકૃતિઓનો ઉદય જેમ પ્રાપ્ત દર્શન લબ્ધિને હણે છે તેમ પ્રાપ્ત જ્ઞાનગુણને પણ હણે છે છતાં તેને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દર્શનાવરણીયમાં કેમ ગણેલ છે ?
ઉત્તર–વાસ્તવિક રીતે નિદ્રાદિ પાંચે પ્રકૃતિઓનો ઉદય ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ દર્શન અને જ્ઞાન એ બન્ને લબ્ધિઓને હણે છે, પરંતુ છદ્મસ્થજીવોને પ્રથમ દર્શન લબ્ધિનો અને પછી જ જ્ઞાનલબ્ધિનો ઉપયોગ પ્રવર્તે છે, તેથી દર્શનલબ્ધિનો ઘાત કરનાર દર્શનાવરણીયમાં ગણવાથી દર્શનની પ્રાપ્તિ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી ન હોવાથી જ્ઞાનનો પણ ઘાત કરનાર છે જ એમ સહેલાઈથી સમજી શકાય છે. પરંતુ જ્ઞાનાવરણીયમાં કહે તો જેમ જ્ઞાનગુણનો ઘાત કરે તેમ દર્શનગુણનો ઘાત કરે કે નહિ ? તે સ્પષ્ટ સમજી શકાય નહિ માટે નિદ્રાપંચકને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દર્શનાવરણીયમાં ગણેલ છે.
પ્રશ્ન-૧૫. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અને ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય વગેરે પ્રકૃતિઓ ધ્રુવોદયી ગુણેલ છે અને દરેક જીવોને બારમા ગુણસ્થાનક સુધી તે પ્રકૃતિઓનો ઉદય માનેલ છે તો ઉત્કૃષ્ટ લબ્ધિ સંપન્ન સંપૂર્ણ ચૌદ પૂર્વધર તથા સર્વ ઈન્દ્રિયોની સંપૂર્ણ શક્તિવાળા મુનિરાજોને ઉપરોક્ત મતિજ્ઞાનાવરણીય વગેરેનો ઉદય કેમ હોય?
ઉત્તર–જેમ વિષ મરણ પ્રાપ્ત કરાવનાર છે છતાં પ્રયોગવિશેષથી અત્યંત અલ્પપ્રમાણમાં અપાયેલ તે જ વિષ કોઈપણ જાતનું નુકસાન કરતું નથી તેમ ઉત્કૃષ્ટ લબ્ધિસંપન્ન સંપૂર્ણ ચૌદ પૂર્વધર તથા સર્વઇન્દ્રિયોની સંપૂર્ણ શક્તિવાળા મુનિરાજોને અધ્યવસાય વિશેષથી એકસ્થાનક રસસ્પદ્ધકરૂપે કરાયેલ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મનો ઉદય હોય છે અને તેથી તે સ્વાવાર્ય ગુણને રોકવા સમર્થ થતાં નથી.
પ્રશ્ન–૧૬. પ્રતિપક્ષી એવાં સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ નામકર્મનો ઉદય એકીસાથે શી રીતે હોઈ શકે ?
ઉત્તર–એક જ શરીરમાં દાંત અસ્થિ વગેરે અવયવો સ્થિર હોય છે. ત્યારે ભૂ, જિલ્લા રુધિર આદિ અસ્થિર હોય છે તે જ પ્રમાણે એ જ શરીરમાં નાભિથી મસ્તક સુધીના અવયવો શુભ અને નાભિની નીચેના અવયવો અશુભ હોય છે. આ રીતે પ્રતિપક્ષી સ્થિરાદિ ચારે પ્રકૃતિનો ઉદય એક સાથે હોઈ શકે છે.
પ્રશ્ન–૧૭. પ્રકૃતિઓનો હંમેશાં ક્ષયોપશમાનુવિદ્ધ ઔદયિક ભાવ જ હોય, અને તે કઈ રીતે માની શકાય?
ઉત્તર–મતિ-શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુર્દર્શનાવરણીય તથા દાનાન્તરાયાદિ પાંચ અંતરાય એ આઠ પ્રકૃતિઓનો હંમેશાં ક્ષયોપશમાનુવિદ્ધ ઔદયિક ભાવ જ હોય છે. અને એ વાત દરેક જીવોને ન્યૂનાધિક પ્રમાણમાં મતિજ્ઞાનાદિ આઠે લબ્ધિઓ અવશ્ય પ્રગટ હોય જ છે તેથી સહેલાઈથી સમજી શકાય છે.