________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૫૭
છોડી અંતરાયકર્મની પાંચ પ્રકૃતિઓ જણાવેલ છે. ત્યારબાદ ક્રમપ્રાપ્ત દર્શનાવરણીયનું વર્ણન કરી વેદનીયનું વર્ણન ન કરતાં ઘાતીપણાના સામ્યથી મોહનીયનું વર્ણન કરેલ છે. ત્યારબાદ ક્રમપ્રાપ્ત આયુકર્મની પ્રકૃતિઓ બતાવેલ છે. જો કે તેના પછી નામકર્મનું સ્વરૂપ બતાવવું જોઈએ પરંતુ નામકર્મમાં ઘણું કહેવાનું હોવાથી અને વેદનીય તથા ગોત્રમાં અલ્પ કહેવાનું હોવાથી આયુષ્ય પછી વેદનીય અને ગોત્રકર્મ કહી અન્તે નામકર્મનું સ્વરૂપ જણાવેલ છે.
જે કર્મના ઉદયથી દાન યાચવામાં કુશળ ગુણવાન યાચક મળ્યો હોય, દાતા પાસે આપવા યોગ્ય પદાર્થ પણ હોય, દાનનું મહાન્ ફળ જાણતો હોય છતાંય દાતા દાન ન આપી શકે તે દાનાન્તરાય.
જે કર્મના ઉદયથી દાનગુણ વડે પ્રસિદ્ધ દાતા મળ્યો હોય, તેની પાસે આપવા યોગ્ય પદાર્થો હાજર હોય, યાચક ગુણવાન હોય અને યાચના કરવામાં કુશળ હોય છતાં ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત ન કરી શકે તે લાભાન્તરાય.
જે કર્મના ઉદયથી વિવક્ષિત પદાર્થનું પચ્ચક્ખાણ ન હોવા છતાં અને ઉદાસીનતા ન હોવા છતાં ઇષ્ટ આહારાદિક તથા વસ્ત્રાદિ પદાર્થો મળવા છતાં કેવળ કૃપણતા અથવા તબિયતાદિના કારણે ભોગવી ન શકે તે અનુક્રમે ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મ છે. આહારાદિક જે એક વાર ભોગવાય તે ભોગ અને વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી આદિ જે વારંવાર ભોગવી શકાય તે ઉપભોગ.
જે કર્મના ઉદયથી શક્તિશાળી હોવા છતાં અલ્પબળવાળો થાય અથવા બળવાન હોવા છતાં કોઈપણ કાર્ય સિદ્ધ કરવામાં પ્રવૃત્તિ ન કરી શકે અથવા ઉત્સાહ વિનાનો થાય તે વીર્યાન્તરાય.
પ્રથમ દ્વારમાં જણાવેલ ચક્ષુર્દર્શનાદિ ચારે દર્શનોને જે રોકે તે અનુક્રમે ચક્ષુર્દર્શનાવરણ, . અચક્ષુર્દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ છે.
દર્શનાવરણીય કર્મની બંધ, ઉદય અને સત્તામાં જ્યાં ચાર પ્રકૃતિઓ જણાવી હોય ત્યાં આ ચાર સમજવી અને જ્યાં છ બતાવી હોય ત્યાં આ ચાર અને નિદ્રા-પ્રચલા અને જ્યાં નવ પ્રકૃતિઓ બતાવી હોય ત્યાં આ છ ઉપરાંત નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા અને થીણદ્ધી સમજવી.
જે કર્મના ઉદયથી જે સ્વાપાવસ્થામાં જીવનું ચૈતન્ય અવશ્ય અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા તે પાંચ પ્રકારે છે.
જે નિદ્રા અવસ્થામાં સહેલાઈથી જાગ્રત થઈ શકાય તે નિદ્રા.
જેમાં ઘણા મોટા અવાજો કરવાથી કે હાથપગાદિ પકડીને હલાવવા દ્વારા જાગ્રત કરી શકાય તે નિદ્રા-નિદ્રા.
બેઠા બેઠા અથવા ઊભા ઊભા ઊંઘે તે પ્રચલા અને ચાલતા ચાલતા કે કંઈ કામકાજ કરતાં ઊંઘે તે પ્રચલા-પ્રચલા.
જાગ્રત અવસ્થામાં ચિંતવેલ કાર્યને જે નિદ્રાવસ્થામાં કરે તે થીણદ્ધી. આ નિદ્રાના