________________
૧૩૮
જૈન ઈતિહાસ
જીર્ણોદ્વાર તો કરાવ્યો, પણ તેથી જો કદાચ રાજા ગુસ્સે થશે, અને તે દ્રવ્ય જો પાછું માગશે, તો તેનો ઉપાય પહેલેથી શોધી રાખવો જોઈએ, કે જેથી આગળ જતાં પશ્ચાત્તાપ થાય નહીં; એમ વિચારી તે વંથલી નામના ગામમાં આવ્યો; તે ગામમાં ઘણા લક્ષાધિપતિ જૈનો રહેતા હતા; તે જૈન શાહુકારોને બોલાવી તેણે સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું; ત્યારે કેટલા કૃપણો એકબીજાના કાનમાં વાતો કરવા લાગ્યા કે, સાજનદેને આવું સાહસ કરવું યોગ્ય ન હતુ. પહેલાં વિચાર કર્યા વિના જ રાજાનું દ્રવ્ય ખર્ચી હવે જે ભીખ માગવા આવ્યો છે, તેથી તેને શું શરમ થતી નથી ? કેટલાક ગંભીર માણસોએ વિચાર્યું કે, ખરેખર આ સાજનદે પુણ્યશાળી છે; તેણે ઉત્તમ પુણ્યનું કાર્ય કર્યું છે, માટે તેમાં આપણે મદદ કરવી જોઈએ; એમ તે સર્વ શાહુકારો વિચાર કરતા બેઠા હતા, એટલામાં એક ભીમ નામના શેઠ ત્યાં આવી ચડ્યા. તેના શરીર પર મેલાં અને ફાટેલાં કપડાં હતાં; તેને પગમાં પહેરવાને પગરખાં પણ નહોતાં; પછી તે સર્વ શાહુકારોને પ્રણામ કરી તેણે કહ્યું કે, હે મહાજનો ! આપ અહીં શા માટે એકઠા થયા છો ? ધર્મના કાર્ય માટે જો કંઈ દ્રવ્યનો ખપ હોય તો મને પણ ફ૨માવશો, હું પણ મારી શક્તિ મુજબ આપીશ. તે સાંભળી કેટલાકોએ તો તે બિચારાની હાંસી કરી. પછી તે સાજનદેને પોતાને ઘેર લઈ ગયો, તથા ત્યાં તેને ભોજન કરાવી સોનામહોરોના ઢગલા બતાવી કહ્યું કે, આમાંથી તમારે જોઈએ તેટલી લ્યો. ત્યારે સાજનદેએ કહ્યું કે, હે શેઠજી ! હાલ તો તેનો મારે ખપ નથી, પરંતુ જો રાજા માગશે, તો તે વખતે હું તે લઈશ; એમ કહી તે સાજનદે પોતાને સ્થાનકે ગયો. એવામાં કોઈક ચુગલીખોરે સિદ્ધરાજ પાસે ચાડી કરી કે, હે સ્વામી ! સાજનદેએ આપનું સઘળું દ્રવ્ય એક જિનમંદિર બાંધવામાં ખર્ચીને પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું છે. તે સાંભળી ક્રોધાયમાન થયેલા સિદ્ધરાજે પોતાના માણસોને હુકમ કર્યો
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International