________________
૧૪૮
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં
ટકટક તિરસ્કાર ભાવથી થાય છે, જયારે ટકોર કરુણાબુદ્ધિથી થાય છે. ટકટક લાંબીલચક હોય છે, જયારે ટકોર ટૂંકી ને ટચ Short & Sweet હોય છે. ટકટક આડેધડ થયા કરે છે, જ્યારે ટકોર અવસર જોઈને કરાય છે. ટકટકથી સામી વ્યક્તિ તકરાર કરે છે જ્યારે ટકોરથી સામી વ્યક્તિ (સ્વભૂલનો) એકરાર કરે છે. જેમ ઘડિયાળ નિરંતર ટકટક કર્યા કરે છે ને ટકોરા તો ક્યારેક જ પડે છે એમ ટકટક ડગલે ને પગલે થયા કરે છે જ્યારે ટકોર તો કયારેક જ થાય છે. વળી વારંવાર થયા કરે છે માટે જ ઘડિયાળની ટકટકની જેમ આ ટકટકની પણ કોઈ નોંધ લેવાતી નથી. (કંસારાના કબૂતર, ગમે એટલી ટકટક થાય, ઊડે નહીં) જ્યારે ક્યારેક પડતા ટકોરાની જેમ ક્યારેક થતી ટકોરની નોંધ લેવાય છે. અને તેથી જૂ ટકટક માણસને નઠોર બનાવે છે જ્યારે ટકોર માણસને ચકોર બનાવે છે. ટકટકમાં વાણીનો અતિરેક હોય છે જયારે ટકોરમાં વાણીનો વિવેક હોય છે. ટકટકમાં કઠોરતા હોય છે ટકોરમાં કોમળતા હોય છે. ટકટક હોઠથી થાય છે જ્યારે ટકોર હૈયાથી થાય
કોઈએ ભૂલ કરી એટલી જ વાર, જો મુખરૂપી રેડિયાનું બરાડવાનું ચાલુ થઈ જાય તો સમજવું જોઈએ કે આપણે જે બોલી રહ્યા છીએ એ ટકોર નથી પણ ટકટક છે, એમાં કરુણાબુદ્ધિ નથી રહેલી પણ તિરસ્કાર ભરેલો છે. એનાથી સામાને પણ ઘણુંખરું તિરસ્કાર જ થવાનો છે, જે કાલાન્તરે ફાલીફૂલીને વૈરનું મોટું વટવૃક્ષ બની શકે છે. માટે સામાએ ભૂલ કરી ને તરત એ ભૂલનું પ્રદર્શન કરવું આવી કુટેવમાંથી દરેક સ્વ-પર હિતેચ્છુએ બચવું જોઈએ. કોકે ભૂલ કરી, એ અંગે કંઈક સલાહ-સૂચન આપવાની આવશ્યકતા ભાસી, તોય તરત કાંઈ ના બોલો, બે-ચાર કલાક જવા દો, બે-ચાર દિવસ પસાર થવા દો, બે-ચાર મહિના વહી જવા દો, જેવી ભૂલ ને જેવો અવસર. જો તરત બોલી નાખવાની ભૂલ તમે સુધારી શકતા નથી, તો સામી વ્યક્તિ પણ પોતાની ભૂલ શી રીતે સુધારી શકશે ? કાલવિક્ષેપ કરીને પછી ભૂલ જણાવવી એ મોટે ભાગે ભૂલરૂપ નથી બનતું, અને તરત જ એ ભૂલ જણાવવી એ મોટે ભાગે ભૂલરૂપ બન્યા વગર રહેતું નથી. એનું કારણ એ છે કે. એ બેમાં પરિસ્થિતિ વગેરે બદલાઈ ગયાં હોવાથી બોલાતા શબ્દો તેની અસરો વગેરેમાં ખૂબ અંતર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org