________________
૧૦૦
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ વિજય છે. જૈન પરંપરા સ્ત્રીની સમાનતા અને મુક્તિનો દાવો તો કરતી જ આવી હતી પરંતુ વ્યવહારમાં જૈન પરંપરાને સ્ત્રીના અબળાપણા સિવાય કંઈ દેખાતું ન હતું. જૈન પરંપરાએ માની લીધું હતું કે ત્યક્તા, વિધવા અને લાચાર કુમારી માટે એક માત્ર બલપ્રદ મુક્તિમાર્ગ સાધ્વી બનવાનો છે. પરંતુ ગાંધીજીના જાદુએ સાબિત કરી બતાવ્યું કે જો સ્ત્રી કોઈક અપેક્ષાએ અબળા છે તો પુરુષ પણ અબળ જ છે. જો પુરુષને સબળ માની લેવામાં આવે તો પણ સ્ત્રી અબળા હોતાં તે સબળ બની શકે જ નહિ. કેટલાક અંશોમાં તો પુરુષની સરખામણીમાં સ્ત્રીનું બળ બહુ છે. આ વાત ગાંધીજીએ કેવળ દલીલોથી સમજાવી ન હતી પરંતુ તેમના જાદુથી સ્ત્રીશક્તિ એટલી બધી પ્રગટ થઈ કે હવે તો પુરુષ સ્ત્રીને અબળા કહેતાં સંકોચ અનુભવવા લાગ્યો. જૈન સ્ત્રીઓના દિલમાં પણ એવું કંઈક ચમત્કારિક પરિવર્તન થયું કે તેઓ હવે પોતાને શક્તિશાળી સમજીને જવાબદારીભર્યા નાનાંમોટાં અનેક કામ કરવા લાગી અને સામાન્યપણે જૈનસમાજમાં માનવા લાગ્યું કે જે સ્ત્રી ઐહિક મુક્તિ (ઐહિક બંધનોથી મુક્તિ) પામવા સમર્થ નથી તે સ્ત્રી સાધ્વી બનીને પણ પરલૌકિક મુક્તિ પ્રાપ્ત કરી શકતી નથી. આ માન્યતાના કારણે જૈન બહેનોના સૂકા અને પીળા ચહેરા ઉપર સુરખી આવી ગઈ અને તેઓ દેશના ખૂણેખૂણામાં જવાબદારીભર્યા અનેક કામ સફળતાપૂર્વક કરવા લાગી. હવે તેમને ત્યક્તાપણાનું, વિધવાપણાનું કે લાચાર કુમારીપણાનું કોઈ દુઃખ નથી સતાવતું. આ સ્ત્રીશક્તિની કાયાપલટ છે. આમ તો જૈનો સિદ્ધાન્તરૂપે જાતિભેદ અને છૂતાછૂતને બિલકુલ માનતા ન હતા અને તેમાં પોતાની પરંપરાનું ગૌરવ પણ સમજતા હતા, પરંતુ આ સિદ્ધાન્તનો વ્યાપકપણે અમલ કરવામાં તેઓ અસમર્થ હતા. ગાંધીજીની પ્રાયોગિક અંજનશલાકાએ જૈન સમજદારોનાં નેત્ર ખોલી નાખ્યાં અને તેમનામાં સાહસ ભરી દીધું, પછી તો તેઓ હરિજન યા અન્ય દલિતવર્ગને સમાનભાવે અપનાવવા લાગ્યા. અનેક વૃદ્ધ અને તરુણ સ્ત્રીપુરુષોનો એક ખાસ વર્ગ દેશભરના જૈનસમાજમાં એવો તૈયાર થઈ ગયો છે કે તે હવે રૂઢિચુસ્ત માનસની બિલકુલ પરવા કર્યા વિના હરિજન અને દલિત વર્ગની સેવામાં પડી ગયો છે, યા તો તેના માટે અધિકાધિક સહાનુભૂતિપૂર્વક સહાયતા કરવામાં લાગી ગયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org