________________
૪૪: આભના ટેકા
આંસુનાં પણ પડે પ્રતિબિંબ --એવા દર્પણની એક અમર કથા
દૂર દૂરથી જેનાં દર્શન થાય છે તે ચૌમુખજીની સવા-સોમાએ બંધાવેલી ટૂંક વાત થોડી જૂની છે. વિ. સં. ૧૬૬૫ આસપાસની, ઇતિહાસમાં નોંધાયેલી ઘટના છે. તે કાળે અને તે સમયે સોરઠ દેશમાં વંથળી ગામ. ગાઢ વનરાજિના લીલાછમ પ્રદેશનું મૂળ નામ તો હતું વનસ્થળી. ગામમાં શ્રી શીતળનાથ ભગવાનની શીળી છાયા. શ્રાવકના કુળ ધન-ધાન્યથી સમૃદ્ધ હતા, કુટુંબ પરિવારથી ભર્યા ભાદર્યા હતા. તેમાંના એક તે સવચંદ શેઠ. વેપાર ધંધો જામેલો. દેશ પરદેશથી વછિયાત આવે. દરિયાપારના શહેરોથી વહાણમાં માલ આવે. શેઠની આબરૂ જામેલી. બધું રંગેચંગે ચાલતું હતું તેમાં મુસીબત આવી. સંસાર કોનું નામ ? તડકો-છાંયો, સુખ-દુ:ખ, સંપત્તિવિપત્તિ --આવા આવા જોડકાંથી ઉભરાય તે સંસાર !
નજીકના એક ગામના ગરાસદાર ઠાકોરના કાન ભંભેરાયા : સવચંદ શેઠની પેઢી કાચી પડી છે. ઠાકોરના એક લાખ રૂપિયા સવચંદ શેઠને ત્યાં જમા છે. વળતા દિવસે સવારે જ ઠાકોર ઘોડે બેસીને સવચંદ શેઠને ત્યાં પહોંચ્યા. સવચંદ શેઠ શ્રી શીતળનાથ ભગવાનની સેવા પૂજા કરવા જઈ રહ્યા હતા, મઘમઘતા ફૂલોની છાબ સાથે હતી. મનમાં એવા જ રૂડા ભાવ હતા. ઠાકોરને જોતાંવેત મનમાં ફાળ પડી. આમ અટાણે સવારમાં ઠાકોર ક્યાંથી ! જે હોય તે, મારો પ્રભુ સૌ સારા વાનાં કરશે.
ઠાકોર બોલ્યાં : શેઠ ક્યાં પધારો છો? શેઠે કહ્યું : ભગવાનની પૂજા કરવા. ઠાકોર કહે : જલદી આવજો હોં. મારે તાકીદનું કામ છે. તડકો થાય તે પહેલા ગામ ભેગા થવું છે. શેઠ કહેઃ આ આવ્યો. તમે શિરાવો ત્યાં આવી પહોંચીશ.
પ્રભુની ભાવથી વિધિપૂર્વક પૂજા કરી, ઘંટનાદ કરી શેઠ ઘરે આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org